પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનો પ્રથમ નિર્ણય ભારતનું રક્ષણ કરનારાને સમર્પિત


રાષ્ટ્રીય સુરક્ષા ભંડોળ અંતર્ગત ‘પ્રધાનમંત્રીની શિષ્યાવૃત્તિ યોજના’માં મોટા ફેરફારોને મંજૂરી આપી, શિષ્યાવૃત્તિની રકમ વધારવામાં આવી અને યોજનામાં રાજ્ય સરકારના પોલીસ કર્મચારીઓ સામેલ કરવામાં આવ્યા

Posted On: 31 MAY 2019 5:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળતા જ નેશનલ ડિફેન્સ ફંડ (રાષ્ટ્રીય સુરક્ષા ભંડોળ) અંતર્ગત પ્રધાનમંત્રીની શિષ્યાવૃત્તિ યોજનામાં મોટા ફેરફારને મંજૂરી આપવાનો પ્રથમ નિર્ણય લીધો છે, જે તેમનાં ભારતની સલામતી, સુરક્ષા અને દેશની સુરક્ષા કરતા લોકોની સુખાકારી માટેના દૃષ્ટિકોણને સુસંગત છે.

પ્રધાનમંત્રીએ નીચેના ફેરફારોને મંજૂરી આપી છે:

  1. છોકરાઓ માટે શિષ્યાવૃત્તિની રકમ દર મહિને રૂ. 2,000થી વધારીને રૂ. 2,500 અને છોકરીઓ માટે દર મહિને રૂ. 2250થી વધારીને રૂ. 3000 કરી છે.
  2. શિષ્યાવૃત્તિ યોજનામાં આતંકવાદી કે નક્સલવાદી હુમલાઓમાં શહીદ થયેલા રાજ્ય સરકારનાં પોલિસી અધિકારીઓનાં સંતાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં પોલીસ અધિકારીઓનાં સંતાનો માટે નવી શિષ્યાવૃત્તિનો ક્વોટા વર્ષમાં 500 રહેશે. આ સંબંધમાં નોડલ મંત્રાલય ગૃહ મંત્રાલય રહેશે.

પૃષ્ઠભૂમિ:

નેશનલ ડિફેન્સ ફંડ (એનએફડી)ની સ્થાપના વર્ષ 1962માં રોકડમાં સ્વૈચ્છિક દાન લેવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાનાં પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે અને તેનાં ઉપયોગ પર નિર્ણય લેવા માટે થઈ હતી.

અત્યારે ભંડોળનો ઉપયોગ સશસ્ત્ર દળો, અર્ધસૈન્ય દળો અને રેલવે સુરક્ષા દળનાં જવાનો અને તેમનાં પરિવારજનોનાં કલ્યાણ માટે થાય છે. ભંડોળનો વહીવટ એક કાર્યકારિણી સમિતિ કરે છે, જેનાં અધ્યક્ષ પ્રધાનમંત્રી છે અને સંરક્ષણ, ગૃહ અને નાણાં મંત્રી તેનાં સભ્યો છે.

નેશનલ ડિફેન્સ ફંડ અંતર્ગત પ્રધાનમંત્રી શિષ્યાવૃત્તિ યોજના (પીએમએસએસ)મુખ્ય યોજના છે, જેનો અમલ સશસ્ત્ર દળો, અર્ધસૈન્ય દળો અને રેલવે સુરક્ષા દળનાં શહીદ થયેલા/નિવૃત્ત થયેલા કર્મચારીઓની વિધવાઓ અને સંતાનોને ટેકનિકલ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે થાય છે. આ શિષ્યાવૃત્તિ ટેકનિકલ સંસ્થાઓ (મેડિકલ, ડેન્ટલ, પશુ ચિકિત્સા, એન્જિનીયરિંગ, એમબીએ, એમસીએ તથા એઆઇસીટીઈ/યુજીસી માન્ય તથા અન્ય સમકક્ષ ટેકનિકલ વ્યવસાયિક અભ્યાસક્રમો)માં અભ્યાસ કરવા માટે ઉપલબ્ધ છે.

પીએમએસએસ અંતર્ગત દર વર્ષે સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત સશસ્ત્ર દળોનાં જવાનોનાં 5500 સંતાનોને, ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત અર્ધસૈન્ય દળોનાં જવાનોનાં 2000 સંતાનો અને રેલવે મંત્રાલય દ્વારા સંચાલિત રેલવે સુરક્ષા દળનાં જવાનોનાં 150 સંતાનોને નવી શિષ્યાવૃત્તિ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય સુરક્ષા ભંડોળનો વેબસાઇટ ndf.gov.in પર ઓનલાઇન સ્વીકારવામાં આવે છે.

આપણા સમાજને સુરક્ષિત રાખતાં જવાનોને ટેકો આપવોઃ

પ્રધાનમંત્રીએ આપણાં પોલીસ કર્મચારીઓનાં મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશે વિસ્તૃત વાત કરી છે. ઉનાળાનાં આકરાં તાપમાં, શિયાળીની ગાત્રો થીજાવી દેતી ઠંડીમાં કે ભારે વરસાદ વચ્ચે આપણાં પોલીસ કર્મચારીઓ ખંતપૂર્વક તેમની ફરજ અદા કરે છે. મોટા તહેવારો દરમિયાન પણ આપણાં પોલીસ કર્મચારીઓ ફરજ પર હોય છે, ત્યારે દેશનાં અન્ય નાગરિકો રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતાં હોય છે.

એક રાષ્ટ્ર તરીકે એમની સેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે પોલીસ કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોનાં કલ્યાણ માટે વધારે કામ કરવું આપણી ફરજ છે. આ માટે પ્રધાનમંત્રીએ ઉપરોક્ત નિર્ણય લીધો છે. શિષ્યાવૃત્તિની ઉપલબ્ધતા પોલીસ કર્મચારીઓનાં પરિવારજનોનાં વધારે યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરવા અને ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવા સક્ષમ બનાવશે. એનાથી કેટલાંક પ્રતિભાશાળી યુવાનોનાં માનસ પર સકારાત્મક અસર થશે.

અહિં ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીનાં પ્રથમ કાર્યકાળમાં નેશનલ પોલીસ મેમોરિયલનું નિર્માણ થયું હતુ અને તેને દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ સ્મારક આપણાં પોલીસ કર્મચારીઓનાં સાહસ અને ત્યાગનું પ્રતીક છે તથા તે કરોડો ભારતીયોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. 

 

RP



(Release ID: 1573017) Visitor Counter : 247