પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશાનાં ચક્રવાત ફેનીથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું; સ્થિતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રીએ રૂ. 1000 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી

Posted On: 06 MAY 2019 11:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 3 મે, 2019નાં રોજ ઓડિશામાં આવેલા ચક્રવાત ફેનીને પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યની મુલાકાત લીધી હતી. તેમણે પિપિલી, પુરી, કોર્ણાક, નિમાપાડા અને ભુવનેશ્વરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતુ. રાજ્યનાં રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલ, મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક તથા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હવાઈ સર્વેક્ષણમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

 

ત્યારબાદ પ્રધાનમંત્રીએ ચક્રવાતને પગલે થયેલા નુકસાનની જાણકારી મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તથા પુનર્વસન અને પુનર્ગઠન માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રકારનાં પગલાઓની જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે તાત્કાલિક ધોરણે રૂ. 1000 કરોડની સહાય જાહેર કરી હતી. આ સહાય 29 એપ્રિલ, 2019નાં રોજ રાજ્ય સરકારને આપવામાં આવેલી રૂ. 341 કરોડની સહાયથી અલગ છે. પ્રધાનમંત્રીએ એક કેન્દ્રીય આંતર-મંત્રીમંડળીય ટીમ દ્વારા આગળની સમીક્ષા કર્યા બાદ વધારે સહાયની પણ ખાતરી આપી હતી.

 

પ્રધાનમંત્રીએ ઓડિશાનાં લોકોને ચક્રવાત પછી ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં સંપૂર્ણ સાથસહકાર આપવાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તાત્કાલિક રાહત આપવાની સાથે રાજ્યનું પુનઃનિર્માણ સુનિશ્ચિત કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે સેટેલાઇટ ઇમેજ અને હવામાનની આગાહી કરવા માટેની અત્યાધુનિક ટેકનોલોજી સહિત ટેકનોલોજીની ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેની મદદથી વધુને વધુ લોકોનાં જીવ બચાવવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને માનવીય હસ્તક્ષેપનો સમન્વય થવાથી અસરગ્રસ્ત અંતરિયાળ વિસ્તારોમાં સહાય પહોંચાડવામાં સરકારો સક્ષમ બની છે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારનાં એક મિલિયનથી વધારે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતરણ કરવાનાં પ્રયાસો અને ભારતીય હવામાન ખાતા (આઇએમડી)ની હવામાનની સચોટ આગાહી આપવાનાં પ્રયાસોની સવિશેષ પ્રશંસા કરી હતી. તેમણે દરિયાકિનારાનાં વિસ્તારમાં રહેતાં લોકો અને માછીમારોની હિંમતની પણ પ્રશંસા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો, જેની મદદથી જાનમાલની હાનિ ઓછામાં ઓછી થાય એવી સુનિશ્ચિતતા કરવામાં મદદ મળી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ચક્રવાત જેવી કુદરતી આફતથી કેટલી હદે નુકસાન થાય છે અને વિનાશ વેરાય છે એ જાણે છે, કારણ કે તેઓ પણ અગાઉ દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતનાં મુખ્યમંત્રી હતા.

 

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકારની ટીમ ટૂંક સમયમાં રાજ્ય સરકારની મુલાકાત લેશે તેમજ રાજ્યમાં માળખાગત સુવિધાઓ, આવાસ, માછીમારો અને ખેતીવાડીને થયેલા નુકસાનની આકારણી કરશે અને રાહત પ્રદાન કરશે. તેમણે વીજળી, ટેલિકોમ, રેલવેનાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં અધિકારીઓને આ આવશ્યક સેવાઓ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની સૂચના આપી હતી. તેમણે માર્ગ અને પરિવહન મંત્રીને નુકસાન થયેલા માર્ગોનું સમારકામ કરવા અને આ સંબંધમાં રાજ્ય સરકારને તમામ સહાય પ્રદાન કરવાની સૂચના પણ આપી હતી. તેમણે સૂચના આપી હતી કે, વીમાકંપનીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લઈને ખેડૂતોનાં પાક વીમાનાં દાવા સાથે સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ અને તેમને બને તેટલી ઝડપથી રાહત પ્રદાન કરવી જોઈએ.

 

પ્રધાનમંત્રીએ ચક્રવાતમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓનાં પરિવારનજનોને રૂ. બે લાખની સહાયની અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યનાં લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે.

 

 

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1571624) Visitor Counter : 467