પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાતી વાવાઝોડુ ‘ફાની’નો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 02 MAY 2019 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાતી વાવાઝોડુ ‘ફાની’નો સામનો કરવાની તૈયારીની સમીક્ષા માટે આજે આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, પ્રધાનમંત્રીના અપર પ્રધાન સચિવ, ગૃહ સચિવ અને આઈએમડી, એનડીઆરએફ, એનડીએમએ, પ્રધાનમંત્રી કાર્યાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીને ચક્રવાતી વાવાઝોડાની સંભવિત દિશાની બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીને તેની સાથે સંબંધિત વિવિધ સાવચેતીના પગલાઓ તેમજ તેનો સામનો કરવાની તૈયારી માટેના અનેક ઉપાયોથી માહિતગાર કરવામાં આવ્યાં.

આ ઉપાયોમાં પર્યાપ્ત સંસાધનોની વ્યવસ્થા કરવી, એનડીઆરએફ તેમજ સશસ્ત્ર દળોની ટીમની ગોઠવણી, પ્રભાવિત લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને વીજળી તેમજ દૂરસંચાર સેવાઓના પૂર્નસ્થાપન સાથે જોડાયેલ વૈકલ્પિક સેવાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ સંભવિત સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને પ્રભાવિત રાજ્યોના અધિકારીઓની સાથે યોગ્ય સંપર્ક સતત ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો, જેથી આ દિશામાં નિવારણકારી ઉપાયો સુનિશ્ચિત કરી શકાય. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આવશ્યકતા અનુસાર રાહત તેમજ બચાવ કાર્યો માટે પણ ખાસ પગલા લેવા માટે નિર્દેશ આપ્યો હતો.



(Release ID: 1571503) Visitor Counter : 187