પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો શુભારંભ કરાવ્યો

Posted On: 05 MAR 2019 3:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીઆજે ગુજરાતના વસ્ત્રાલ ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પસંદ કરાયેલા લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. સમગ્ર દેશમાં ત્રણ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ખાતે બે કરોડથી વધુ શ્રમયોગીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઘટના નિહાળી હતી.

 

આ દિવસને ઐતિહાસિક ગણાવીને પ્રધાનમંત્રીએ PM-SYM યોજના દેશના બિન-સંગઠિત ક્ષેત્રના 42 કરોડ મજબૂત શ્રમયોગીઓને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાથી બિન-સંગઠિત ક્ષેત્રના નોંધણી કરાવેલા શ્રમયોગીઓને વૃદ્ધ વયે દર મહિને રૂ.3000 નું નિશ્ચિત પેન્શન મળશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા પછી પ્રથમ વખત આવી કોઇ યોજના આવી છે, જેમાં અનૌપચારિક ક્ષેત્રમાં જોડાયેલા કરોડો શ્રમયોગીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ PM-SYM ના લાભોની વિગતવાર માહિતી વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થી જેટલું જ સમાન રકમનું યોગદાન આપવામાં આવશે. તેમણે દર મહિને રૂ.15000 થી ઓછું કમાતા અનૌપચારિક ક્ષેત્રના શ્રમયોગીઓને પોતાના નજીકના સામાન્ય સેવા કેન્દ્રમાં જઇને આ યોજના માટે નોંધણી કરાવવાની અપીલ કરી હતી.

 

નોંધણીની પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની ઝંઝટ નહીં હોય તેવી ખાતરી આપતા મોદીએ જનમેદનીને કહ્યું હતું કે, આ નોંધણી માટે માત્ર આધાર નંબર અને બેંકની વિગતો સાથે એક ફોર્મ ભરવાનું હોય છે. લાભાર્થીની નોંધણી કરવા માટે સામાન્ય સેવા કેન્દ્રને થતો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવમાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડિજિટલ ભારતનો આ ચમત્કાર છે.”

પ્રધાનમંત્રીએ નાગરિકોને પોતાના ઘરમાં અથવા આસપાસમાં બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની PM-SYM યોજનામાં નોંધણી કરાવવા માટે તેમને મદદ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંપન્ન વર્ગ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ગરીબોને ખૂબ મોટો લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રમિકોના માનને આદર આપવાથી દેશની પ્રગતિ થશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને લક્ષ્યમાં રાખીને આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી-આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના અને સ્વચ્છ ભારત યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં મહિલાઓ, છોકરીઓ અને બાળકોના સશક્તિકરણ માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે.

 

PM-SYM ની સાથે સાથે ‘આયુષ્યમાન ભારત’ અંતર્ગત આપવામાં આવતા સ્વાસ્થ્ય કવચ અને ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા’ અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ અંતર્ગત આપવામાં આવતા જીવન અને વિકલાંગતા કવચથી બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓને વૃદ્ધાવસ્થાએ વ્યાપક સામાજિક સુરક્ષાના કવચની ખાતરી મળશે.

 

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાનું આકરું વલણ દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ભ્રષ્ટાચાર અને વચેટિયાઓને કાઢી મૂકવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી હંમેશાં સચેત છે.

 

NP/J.Khunt/RP/GP



(Release ID: 1567521) Visitor Counter : 737