પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત વ્યવસાયની અભૂતપૂર્વ તકો માટે સજ્જ છે

ભારતમાં બિઝનેસ લીડર્સને આવકારતા કહ્યું કે, ભારતમાં વેપાર-વાણિજ્ય કરવાની ઉત્કૃષ્ટ તકો ઉપલબ્ધ છે, ભારત એકમાત્ર દેશ છે, જે લોકતંત્ર, જનસંખ્યા અને માગ (ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ) પ્રસ્તુત કરે છે

અર્થતંત્રને મજબૂત કરવા માટે વ્યાપક માળખાગત સુધારાઓ કરવામાં આવ્યા: પ્રધાનમંત્રી

Posted On: 18 JAN 2019 3:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતુ. તેમાં ઉઝબેકિસ્તાન, રવાન્ડા, ડેન્માર્ક, ચેક રિપબ્લિક અને માલ્ટા એમ પાંચ દેશોનાં વડાઓ, વિવિધ ક્ષેત્રોનાં ઉદ્યોગપતિઓ એક સાથે એકત્ર થયા છે તેમજ આ કાર્યક્રમમાં ભારત અને વિદેશમાંથી 30,000થી વધુ પ્રતિનિધિઓ સામેલ થયા છે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરનાં વ્યાવસાયિક આગેવાનો અને કંપનીઓને ભારતમાં આવવા અને રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતુ, કેમ કે વ્યાવસાયિક વાતાવરણ, પર્યાપ્ત માળખાગત સુવિધાઓ વધુ સારી થઈ છે સાથે રોકાણકારોને વધુ યોગ્ય વાતવરણ મળ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, છેલ્લાં ચાર વર્ષમાં આપણે વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં વૈશ્વિક ક્રમાંકમાં 65 ક્રમની આગેકૂચ કરી છે. મેં મારી ટીમને ભારતને આગામી વર્ષોમાં ટોચનાં 50 દેશોમાં સ્થાન સુનિશ્ચિત કરવા વધારે મહેનત કરવા જણાવ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યુ હતુ કે, વિશ્વ બેંક, આઇએમએફ અને મૂડીઝ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતીય અર્થતંત્રમાં અને તાજેતરમાં હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારામાં વિશ્વાસ ધરાવે છે. તેમણે ઉમેર્યુ હતુ કે, અમે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાનો ખર્ચ ઘટાડ્યો છે. જીએસટીનો અમલ અને કરેવરાનાં સરળીકરણના અન્ય પગલાંથી નાણાકીય વ્યવહારોનો ખર્ચ ઘટ્યો છે અને પ્રક્રિયાઓ અસરકારક બની છે. અમે ડિજિટલ પ્રક્રિયાઓ અને સિંગલ પોઇન્ટ ઇન્ટરફેસ મારફતે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાઓ ઝડપી પણ બનાવી છે.

ભારતની વૃદ્ધિ અને એનાં મજબૂત આર્થિક મૂળભૂત બાબતોનાં મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જીડીપીમાં સરેરાશ 7.3 ટકાની વૃદ્ધિ સાથે આજે વર્ષ 1991થી ભારતની કોઈ પણ સરકાર કરતા વધુ વૃદ્ધિ નોંધાવી છે. સાથે-સાથે વર્ષ 1991માં ભારતે આર્થિક ઉદારીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, ત્યારથી અત્યાર સુધીમાં ભારતની કોઈ પણ સરકાર કરતા મોંઘવારીનો સૌથી ઓછો સરેરાશ 4.6 ટકાનો દર નોંધાવ્યો છે.

તેમણે ઉપસ્થિત લોકોને જણાવ્યુ હતુ કે, જેઓ ભારતની નિયમિતપણે મુલાકાત લે છે, તેઓ પરિવર્તનનો પવન અનુભવે છે, ખાસ કરીને દિશા અને ઝડપ બંને દ્રષ્ટિએ. છેલ્લા ચાર વર્ષમાં મારી સરકારનો ઉદ્દેશ સરકારનો હસ્તક્ષેપ ઘટાડવાનો અને શાસનની ગુણવત્તા વધારવાનો છે. અમે અમારા અર્થતંત્રને મજબૂત કરવા વિસ્તૃત માળખાગત સુધારાની ઇચ્છા ધરાવીએ છીએ. અમે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક અર્થતંત્ર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારત સ્ટાર્ટઅપની અને વૈશ્વિક કક્ષાની પોતાની સંશોધન સુવિધાઓની દ્રષ્ટિએ સૌથી મોટી ઇકો સિસ્ટમમાંની એક ઇકો સિસ્ટમ છે, જે રોકાણ માટે યોગ્ય પ્રકારનું વાતાવરણ પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે યુવાનોને રોજગારીનું સર્જન કરવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મહેનત કરી રહ્યાં છીએ. ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોની મદદથી અમારું મેક ઇન ઇન્ડિયા અભિયાન રોકાણ લાવવામાં સફળ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અમે વર્ષ 2017માં વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવતાં પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવતા હતા. ભારતે વર્ષ 2016માં 14 ટકાની વૃદ્ધિ કરી હતી, ત્યારે આ જ વર્ષ દરમિયાન વિશ્વમાં આ ક્ષેત્રમાં 7 ટકાની વૃદ્ધિ થઈ હતી. આપણે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતુ ઉડ્ડયન બજાર પણ ધરાવીએ છીએ, જેમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન પેસેન્જર ટિકિટિંગની દ્રષ્ટિએ 10 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. તેમણે સંબોધનના સમાપનમાં કહ્યુ હતુ કે, એટલે ભારત પ્રચૂર તકોની ભૂમિ છે. આ એકમાત્ર દેશ છે, જ્યા તમને ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ (લોકશાહી, જનસંખ્યા અને માગ) મળે છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશે તેમણે કહ્યું હતું કે, અત્યારે આ સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે અને ઘણા દિગ્ગજોની હાજરી દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય સહકાર રાષ્ટ્રીય રાજધાની પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું વિસ્તરણ રાજ્યની રાજધાનીઓ સુધી થયું છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિ સંચાલિત શાસન અને વિઝનરી લીડરશિપ માટે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી તથા વેપાર-વાણિજ્યને સરળ કરવા શક્ય તમામ સહકાર આપવા ઉદ્યોગપતિઓને ખાતરી આપી હતી.

આ પ્રસંગે પાંચ દેશનાં વડા ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ, ડેન્માર્કનાં પ્રધાનમંત્રી લાર્સ લોકે રાસમુસેન, ચેક રિપબ્લિકનાં પ્રધાનમંત્રી આન્દ્રેજ બાબિસ, માલ્ટાનાં પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કત ઉપસ્થિત હતા.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની એક મુખ્ય બાબત એ પણ રહી કે, ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂએ વીડિયો કોન્ફરન્સ મારફતે વિશેષ સંદેશ પાઠવ્યો હતો. તેમણે પોતાનાં સંદેશમાં કહ્યું હતું કે, ગુજરાત આપણા બંને દેશોના લોકો વચ્ચે શક્તિશાળી જોડાણનુ પ્રતિક છે. સંયુક્તપણે આપણે અમર્યાદિત સંભવિતતાઓનું નિર્માણ કર્યું છે.

આ ત્રણ દિવસની સમિટ દરમિયાન વિવિધ મુખ્ય કાર્યક્રમો યોજાશે, જેમાં આંતરરાષ્ટ્રીય ભંડોળનાં વડાઓ સાથે રાઉન્ડટેબલ આફ્રિકા ડે, એમએસએમઇ કન્વેન્શન, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (સ્ટેમ) એજ્યુકેશન અને રિસર્ચમાં અવસરો માટેની રાઉન્ડટેબલ સામેલ છે. આ ઉપરાંત ભવિષ્યની ટેકનોલોજી અને અંતરિક્ષ સંશોધન પર પ્રદર્શન, બંદર સંચાલિત વિકાસ અને ભારતને એશિયાનાં ટ્રાન્સ-શિપમેન્ટ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની વ્યૂહરચના પર સેમિનાર તથા મેક ઇન ઇન્ડિયા પર સફળ ગાથાઓ તથા સરકારની મુખ્ય નીતિગત પહેલો પરના કાર્યક્રમોનું આયોજન થયુ છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું પ્રથમ સંસ્કરણ વર્ષ 2003માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમનાં માર્ગદર્શન હેઠળ યોજાયુ હતુ, જેનો ઉદ્દેશ ગુજરાતમાં રોકાણને વેગ આપવાનો છે. ત્યાર બાદ અત્યાર સુધીમાં આ કાર્યક્રમે દેશભરનાં રાજ્યોમાં આ પ્રકારના કેટલાક વાર્ષિક કાર્યક્રમોનાં આયોજનને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1560541) Visitor Counter : 416