પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિંગાપોર પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 13 NOV 2018 5:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરનાં પ્રવાસે રવાના થતાં પહેલા આપેલા વક્તવ્યનો મૂળપાઠ આ મુજબ છેઃ

હું આસિયાન-ભારત અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 14-15 નવેમ્બરનાં રોજ સિંગાપોરની મુલાકાત લઇશ. આ ઉપરાંત હું પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી નેતૃત્વ બેઠકમાં પણ સામેલ થઇશ.

આ બેઠકોમાં મારી ભાગીદારી આસિયાનનાં સભ્ય દેશોની સાથે અને વ્યાપક ભારત-પ્રશાંત ક્ષેત્રનાં દેશોની સાથે સંબંધોને મજબૂત બનાવવાનાં અમારાં સતત સંકલ્પનું પ્રતીક છે. હું આસિયાન અને પૂર્વ એશિયાનાં ટોચનાં નેતાઓ સાથેની વાતચીતને લઈને આશાવાદી છું.

14 નવેમ્બરનાં રોજ મને કોઈ પણ સરકારનાં વડા સ્વરૂપે સિંગાપોરમાં ફિનટેક ઉત્સવમાં મુખ્ય સંબોધન આપવાનું સન્માન પ્રાપ્ત થશે. નાણાકીય ટેકનોલોજી પર વિશ્વનું સૌથી મોટું આયોજન સમાન આ ઉત્સવ ઝડપથી પ્રગતિ કરી રહેલાં ક્ષેત્રોમાં ભારતની શક્તિનું પ્રદર્શન કરવાનો ઉચિત મંચ હોવાની સાથે નવીનતા અને વિકાસને વધારવા માટે વૈશ્વિક ભાગીદારી કરવાનો પણ મંચ છે.

આ પ્રવાસ દરમિયાન મને સંયુક્ત ભારત-સિંગાપોર હેકેથોનનાં સ્પર્ધકો અને વિજેતાઓ સાથે વાતચીત કરવાની તક પ્રાપ્ત થશે. મારો દ્રઢ વિશ્વાસ છે કે, જો આપણે ઉચિત અને પ્રોત્સાહન આપનારી વ્યવસ્થા પ્રદાન કરીશું, તો આપણાં યુવાનોની યોગ્યતા માનવતાનાં પડકારોનું સમાધાન કરવામાં વૈશ્વિક નેતૃત્વ કરશે.

મને ખાતરી છે કે, સિંગાપોરમાં મારી યાત્રા આસિયાન અને પૂર્વ એશિયા શિખર દેશોની સાથે ભાગીદારી વિકસિત કરવામાં ગતિ પ્રદાન કરશે.

સિંગાપોર પ્રસ્થાન કરવાનાં પ્રસંગે હું આ વર્ષે આસિયાનની સફળતાપૂર્વક અધ્યક્ષતા માટે સિંગાપોરને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આસિયાન તથા સંબંધિત શિખર સંમેલનોનાં આયોજનની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરું છું.

 

 

RP



(Release ID: 1552670) Visitor Counter : 103