પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો, વીડિયો કોન્ફરન્સ મારફતે સમાજનાં વિવિધ વર્ગનાં મહાનુભાવો સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 15 SEP 2018 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપૂનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતા હી સેવાઅભિયાનનો શુભારંભ કર્યો હતો.

સ્વચ્છતા હી સેવા અભિયાનનો આજે શુભારંભ કરવાનો ઉદ્દેશ સ્વચ્છતા માટે મોટી સંખ્યામાં જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાનનું આયોજન બીજી ઓક્ટોબર, 2018નાં રોજ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી સુધી સ્વચ્છ ભારત અભિયાનનાં ચોથા વર્ષનાં ભાગરૂપે થયું છે. ચાલુ વર્ષે બીજી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી પણ શરૂ થશે. પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને આ અભિયાનનો ભાગ બનવા અને 'સ્વચ્છ ભારત'નું નિર્માણ કરવાનાં પ્રયાસોને મજબૂત કરવા અપીલ કરી હતી.

તેમણે દેશભરમાં 17 સ્થાનોમાંથી સમાજનાં વિવિધ વર્ગનાં લોકો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાતચીત કરી હતી.

આ વાતચીતમાં પ્રધાનમંત્રી કેટલીક સફળતાની વાતો વહેંચી હતી, જેમાં ભારતનાં 450 જિલ્લા કેવી રીતે ચાર વર્ષની અંદર ખુલ્લામાં મળોત્સર્જનમાંથી મુક્ત બન્યાં એ બાબત પણ સામેલ છે. તે જ રીતે આ સમયગાળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શૌચાલયો કે કચરાપેટી જેવી સુવિધાઓ પૂરી પાડવી પર્યાપ્ત નથી. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છતા એક આદત છે, જેને આપણાં જીવનમાં પાળી શકાશે, દેશભરનાં લોકો હવે આ આદત વિકસાવવામાં સહભાગી થઈ રહ્યાં છે.

આસમમાં શાળાનાં બાળકોએ પ્રધાનમંત્રીને સમજાવ્યું હતું કે, તેમની શાળા અને વિસ્તારમાં સ્વચ્છતા જળવાય એમાં એમનું કેટલું યોગદાન છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, યુવાનો સામાજિક પરિવર્તનનાં માધ્યમ બન્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોએ સ્વચ્છતાનો સંદેશ જે રીતે આગળ વધાર્યો એ પ્રશંસનીય બાબત છે.

ગુજરાતનાં મહેસાણામાંથી એકત્ર થયેલા દૂધ અને કૃષિ સહકારી મંડળીઓનાં સભ્યોએ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં સ્વચ્છતા તરફની એમની પહેલો વિશે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાનથી ડાયેરિયા જેવા રોગોનાં કેસોમાં ઘટાડો નોંધાયો છે.

મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાથી પ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચને સમજાવ્યું હતું કે, તેઓ કેવી રીતે વિવિધ સ્વચ્છતા અભિયાનમાં સંકળાયેલા છે, જેમાં મુંબઈનાં દરિયાકિનારાને સ્વચ્છ કરવાની વાત સામેલ છે. આ વાર્તાલપમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પણ જોડાયા હતાં. તેમણે ઉમેર્યું હતું કે, અભિયાનના શુભારંભમાં મદદરૂપ થવું એ મોટું સન્માન અને વિશેષાધિકાર છે, જેનું સ્વપ્ન ભારતનાં દરેક નાગરિકે સેવવું જોઈએ. પ્રધાનમંત્રીએ એમના વિચારોને પુનઃવ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતનાં નિર્માણમાં ખાનગી ક્ષેત્ર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.

મીડિયાનાં વરિષ્ઠ નાગરિકો પણ એમાં સામેલ થયાં હતાં, જેમાં દૈનિક જાગરણનાં સંજય ગુપ્તાએ નોઇડાથી પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા પોતાનાં પ્રયાસો વહેંચ્યાં હતાં. આઇટીબીપીનાં જવાનો લદ્દાખમાં ઊંચાઈ પર સ્થિત પેનગોંગ તળાવથી પ્રધાનમંત્રી સાથે જોડાયાં હતાં. પ્રધાનમંત્રીએ દેશ માટે તેમનાં સાહસ અને સેવાની પ્રશંસા કરી હતી.

સદગુરુ જગ્ગી વાસુદેવ કોઇમ્બતૂરથી તેમની સાથે જોડાયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનને લઈને નાગરિકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને એમણે પ્રવાસ દરમિયાન આ ઉત્સાહ અનુભવ્યો છે. તેમણે આ મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દાને વેગ આપવા માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત કોઈ પણ સરકાર કે કોઈ પણ પ્રધાનમંત્રી માટે આંદોલન નથી, પણ સંપૂર્ણ દેશનું અભિયાન છે.

છત્તિસગઢમાં દાંતેવાડા અને તમિલનાડુમાં સામેલથી મહિલા સ્વચ્છાગ્રાહીઓએ પ્રધાનમંત્રીને તેમનાં સ્વચ્છતા માટેનાં પ્રયાસો સમજાવ્યાં હતાં. પટણા સાહિબ ગુરુદ્વારાથી આધ્યાત્મિક આગેવાનો અને નાગરિકો તથા માઉન્ટ આબુથી દાદી જાનકીજીએ પણ પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા માટેના પ્રયાસો હાથ ધરવા બદલ ખાસ કરીને બ્રહ્મકુમારી સંસ્થાનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં રાજગઢથી નાગરિકો અને ઉત્તરપ્રદેશનાં ફતેહપુરથી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત નાગરિકો સાથે વાત કરી હતી. આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર પણ બેંગાલુરુથી જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશમાં સ્વચ્છતાને લઈને ઉત્સાહનો સંચાર કર્યો છે અને ખાસ કરીને યુવા પેઢીમાં.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં બિજનોરથી ગંગાને સ્વચ્છ કરવામાં સંકળાયેલા સ્વયંસેવકો સાથે વાત કરી હતી. તેમણે મા ગંગાને સ્વચ્છ કરવાનાં તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ગંગા નદીનાં કિનારે રહેતાં તમામ નાગરિકોને સ્વચ્છતા હી સેવા દરમિયાન નદીની સ્વચ્છતા માટે જોડાવા અપીલ કરી હતી. અજમેર શરીફ દરગાહનાં ભક્તો અને હરિયાણામાં રેવાડીમાં રેલવેનાં કર્મચારીઓ પણ પ્રધાનમંત્રીએ સાથે વાત કરી હતી. મા અમૃતાનંદામાયી કોલ્લમથી પ્રધાનમંત્રી સાથે જોડાયાં હતાં.

પોતાની વાતનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી તથા કહ્યું હતું કે, ઇતિહાસમાં તેમની ભૂમિકાને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માટે આપણો વિશ્વાસ અને દ્રઢતા અતુલનીય છે. તેમણે લોકોને સ્વચ્છતા હી સેવા માટે કામ કરવા અપીલ કરી હતી.

 

RP



(Release ID: 1546244) Visitor Counter : 311