પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને પત્ર લખ્યો

Posted On: 05 SEP 2018 7:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને શુભકામનાઓ આપીને ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, આપણા સમાજને શિક્ષક પ્રેરિત કરવાની સાથે માહિતગાર બનાવે છે અને શિક્ષિત કરે છે તેમજ આપણને પ્રબુદ્ધ બનાવે છે.

પ્રધાનમંત્રીએ લાખો શિક્ષકોને ઇમેલ કર્યા છે, જેમાં બાળકોનાં જીવનમાં શિક્ષકોની નોંધપાત્ર અસરનો ઉલ્લેખ કર્યો છે. સાથે-સાથે તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનાં મનમસ્તિષ્કમાં શિક્ષકો દ્વારા સ્થાપિત કરવામાં આવતાં નૈતિક મૂલ્યોની અસર આજીવન રહે છે.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામને ટાંક્યાં હતાં, જેમણે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ એક ઉમદા વ્યવસાય છે, જે કોઈ પણ વ્યક્તિનાં ચારિત્ર્ય, ક્ષમતા અને ભવિષ્યને વિશિષ્ટ સ્વરૂપ પ્રદાન કરે છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીને એ જ સમાન અભિનવ સ્વરૂપ પ્રદાન કરશે, જે શિક્ષણ, સંશોધન અને નવી પદ્ધતિઓને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. તેમણે કહ્યું હતું કે, ‘એ કહેવાની જરૂર નથી કે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણાં શિક્ષકોની ભૂમિકા નિશ્ચિત રીતે અતિ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ શિક્ષકોને મોકલેલા પોતાનાં પત્રમાં લખ્યું છે, ‘મને વિશ્વાસ છે કે તમે ટેકનોલોજીમાં નવા ફેરફારો સાથે પોતાને અપડેટ રાખશો અને સાથે-સાથે ટેકનોલોજીમાં પરિવર્તનો સાથે વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં રહેશો.તેમણે શિક્ષણ ક્ષેત્રમાં ઉલ્લેખનીય પરિવર્તન લાવવા માટે ભારત સરકાર દ્વારા થઈ રહેલાં પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમારાં જેવા શિક્ષકોનાં મહાન પ્રયાસોને ધન્યવાદ, જેનાં પરિણામે મોટી સફળતાની સાથે વ્યયને બદલે સકારાત્મક પરિણામો મળ્યા અને શિક્ષણને બદલે શીખવા તરફ ધ્યાન કેન્દ્રિત થયું છે. અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓને કારણે કૌશલ્ય વિકાસ પર મહત્ત્વપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે, દેશભરમાં ઘણી યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે, જેથી યુવાનો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે.

પ્રધાનમંત્રીએ 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનાં પ્રસંગે કાર્યક્રમોની શરૂઆત કરવાની ચર્ચા કરતા શિક્ષક સમુદાયને વિદ્યાર્થીઓ વચ્ચે નવી પદ્ધતિ સાથે બાપૂનાં વિચારો અને આદર્શોને પ્રોત્સાહન આપવા પ્રેરિત કર્યા હતા. તેમણે સ્વચ્છ ભારત અભિયાનને મજબૂત કરવામાં શિક્ષક સમુદાયની ભૂમિકાની પ્રશંસા કરી હતી. 

દેશ વર્ષ 2022માં આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ કરશે. વર્ષ 2022 સુધી નવા ભારતનાં પોતાનાં વિઝન પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ શિક્ષક સમુદાયને આઝાદી માટે પોતાનાં પ્રાણોની આહૂતિ આપનાર શહીદોનાં સ્વપ્નો અને વિઝનને પૂર્ણ કરવાની દિશામાં આગામી ચાર વર્ષ સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું તમને લોકોને પસંદ હોય એવા કોઈ  પણ મુદ્દા ઉઠાવવા, સ્થાનિક સમુદાયને એક કરવા અને તમારી આસપાસનાં લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનાં પ્રયાસો કરવાનો આગ્રહ કરું છું, આ આપણાં સ્વતંત્રતા સેનાનીઓ માટે એક શ્રદ્ધાંજલિ હશે અને નવા ભારતનાં નિર્માણનો સંકલ્પ પણ હશે.

 

 

RP



(Release ID: 1545080) Visitor Counter : 89