પ્રધાનમંત્રીનું કાર્યાલય

દહેરાદૂનમાં પ્રધાનમંત્રી ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

Posted On: 20 JUN 2018 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 જૂન, 2018ના રોજ દહેરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.

પ્રધાનમંત્રી હિમાલય ખોળે વસેલા દહેરદૂનના વન સંશોધન સંસ્થાનના પરિસરમાં યોગાભ્યાસ કરતા હજારો સ્વયંસેવકો સાથે જોડાશે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ સંબંધિત કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજવામાં આવી રહ્યા છે.

આ અગાઉ પ્રધાનમંત્રીએ 2015માં નવી દિલ્હીમાં રાજપથ ખાતે, 2016માં ચંદિગઢમાં કેપિટોલ કોમ્પલેક્ષ ખાતે અને 2017માં લખનૌમાં રામબાઈ આંબેડકર સભા સ્થળ ખાતે યોગ સમારોહમાં ભાગ લીધો હતો.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વના યોગ અનુરાગીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યોગ માનવજાતિ માટે પ્રાચીન ભારતીય ઋષિઓ દ્વારા આપવામાં આવેલી સૌથી મૂલ્યવાન ભેટ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “યોગ માત્ર વ્યાયામ નથી કે જે શરીરને સ્વસ્થ રાખે છે, તે આરોગ્યની ખાતરીનો પાસપોર્ટ છે, તંદુરસ્તી અને સુખાકારીની ચાવી છે. જેનો સવારમાં નિત્ય અભ્યાસ કરવામાં આવે છે તે જ માત્ર યોગ નથી, આપણા નિયમિત કાર્યોને પણ જો ખંતપૂર્વ અને જાગૃતિ સાથે કરવામાં આવ તો તે પણ યોગનું જ એક સ્વરૂપ છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે યોગ સંયમ અને સંતુલનની ખાતરી આપે છે. માનસિક તણાવથી પીડાતી દુનિયાને યોગ શાંતિ આપે છે અને વિચલિત દુનિયાને યોગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ભયભીત લોકોને યોગ આશા, શક્તિ અને હિંમત આપે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રધાનમંત્રીએ વિવિધ યોગાસનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળો પર યોગનો અભ્યાસ કરતા લોકોની તસવીરો પણ શેર કરી છે.

 

NP/GP/RP



(Release ID: 1536009) Visitor Counter : 182