પોસ્ટેડ ઓન:
27 NOV 2026 2:24PM by PIB Ahmedabad
ભારતને વધુ ફિટ અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે ડિસેમ્બર 2024 માં શરૂ કરાયેલ ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ (Fit India Sundays on Cycle) એક રાષ્ટ્રવ્યાપી ચળવળ બની ગઈ છે, જે સાયકલિંગ દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જીવનના તમામ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે.
આ પહેલ નવી દિલ્હીમાં માત્ર 250 સ્થળો અને 500 સહભાગીઓ સાથે શરૂ થઈ હતી. બે વર્ષમાં, સન્ડેઝ ઓન સાયકલ એક જનઆંદોલન બની ગયું છે. બંધારણ દિવસની થીમ પર યોજાયેલી તેની 99મી આવૃત્તિમાં દેશભરના 26,000 થી વધુ સ્થળોએ લાખો નાગરિકોએ ભાગ લીધો હતો.
આ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કરતા, આ ચળવળ હવે સન્ડેઝ ઓન સાયકલની તેની 100મી આવૃત્તિની ઉજવણી માટે સજ્જ થઈ રહી છે. સન્ડેઝ ઓન સાયકલની આ સીમાચિહ્નરૂપ આવૃત્તિ #IndiaReady4Olympics થીમ હેઠળ ભારતમાં ઓલિમ્પિક ચળવળની ઉજવણીને સમર્પિત છે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પુણેના પિંપરી-ચિંચવડથી 100મા સન્ડેઝ ઓન સાયકલની ઉજવણીનું નેતૃત્વ કરશે, જ્યાં લગભગ 50,000 સાયકલ સવારો આ ચળવળમાં જોડાશે.

MY ભારત (MY Bharat) ના સહયોગથી, દેશભરના દરેક જિલ્લામાં યુવાનો દ્વારા 100મા સન્ડેઝ ઓન સાયકલની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત, દેશભરના 100 અગ્રણી પ્રતિષ્ઠિત સ્થળોએ ઉજવણીનું આયોજન કરવામાં આવશે, જ્યાં ભારતને વધુ ફિટ રાષ્ટ્ર બનાવવા લક્ષ્યને સાકાર કરવા માટે 100 ભારતીય ઓલિમ્પિયન્સ આ સીમાચિહ્નરૂપ ઉજવણીમાં જોડાશે.
આગામી આવૃત્તિ ઓલિમ્પિક ચળવળના કેન્દ્રમાં રહેલા મૂલ્યોની ઉજવણી કરશે: સુશાસન અને અખંડિતતા, નિષ્પક્ષ સ્પર્ધા અને સર્વસમાવેશકતા, ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને કલ્યાણ, તથા ટકાઉપણું અને સલામત રમતગમતનો કાયમી વારસો.
તે નૈતિકતા, ખેલાડીઓના અવાજ અને મહિલાઓ તથા પેરા-એથ્લેટ્સ સહિત સૌના માટે સમાન તક પર તેના રમતગમતના ભવિષ્યનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, અને યુવાનોને રમતગમત તથા ફિટનેસને જીવનશૈલી તરીકે અપનાવવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે.
આ ચળવળ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક ફિટનેસને સમર્પિત કરવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રીના “ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોઝ” ના આહવાનમાંથી પ્રેરણા લે છે.
આ પહેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય રાષ્ટ્રીય આહવાનો અને સામાજિક સંદેશાઓને આગળ ધપાવવાના એક પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે, જે સામૂહિક જનભાગીદારી દ્વારા તેમને કાર્યમાં રૂપાંતરિત કરે છે.
ફાઇટ અગેઇન્સ્ટ ઓબેસિટી (સ્થૂળતા સામે લડત), નશા મુક્ત ભારત, પોલ્યુશન કા સોલ્યુશન જેવી થીમ્સ પર કેન્દ્રિત વિશેષ આવૃત્તિઓ દ્વારા, સન્ડેઝ ઓન સાયકલ વર્તણૂકીય પરિવર્તનને પ્રોત્સાહિત કરવા અને નાગરિકોને ફિટ ઇન્ડિયા તથા વિકસિત ભારતના પ્રધાનમંત્રીના વિઝનમાં યોગદાન આપવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે.
SM/DK/JD