પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત અને સ્વીડને ઓછા કાર્બન ઔદ્યોગિક પરિવર્તનને વેગ આપવા માટે COP31 ખાતે LeadIT 3.0 લોન્ચ કર્યું; બ્રાઝિલ તેના નવા દેશ સભ્ય તરીકે LeadIT માં જોડાયું


LeadIT 3.0 2027 થી 2030 સુધી ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના વિસ્તરણ, મૂડી એકત્ર કરવા અને નક્કર પરિણામો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

પોસ્ટેડ ઓન: 17 NOV 2026 12:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે તુર્કીયેના અંતાલ્યા ખાતે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન પરિષદ (COP31) દરમિયાન ઇન્ડસ્ટ્રી લીડર્સ રાઉન્ડટેબલમાં લીડરશિપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 3.0) ના ત્રીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી હતી. આ રાઉન્ડટેબલની સહ-અધ્યક્ષતા શ્રી યાદવ અને સ્વીડનના આબોહવા અને ઉદ્યોગ મંત્રાલયના સ્ટેટ સેક્રેટરી મહામહિમ હેલેના ડાયરસેન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા કાર્યવાહીના વિશેષ સલાહકાર અને સહાયક મહાસચિવ શ્રી સેલ્વિન હાર્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધિત કરતા, શ્રી યાદવે પ્રકાશ પાડ્યો હતો કે ભૌગોલિક રાજકીય સંઘર્ષો, અસ્થિર ઊર્જા બજારો અને સ્પર્ધાત્મક વિકાસ પ્રાથમિકતાઓ આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મહત્વપૂર્ણ બનાવે છે, ખાસ કરીને એવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ્યાં ઉત્સર્જન ઘટાડવું મુશ્કેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબી નિવારણ, ઊર્જાની પહોંચ, રોજગાર સર્જન અને માળખાગત વિકાસની ભારતની પ્રાથમિકતાઓ ટકાઉ, ઓછા કાર્બન ભવિષ્યની તેની શોધની સાથે આગળ વધવી જોઈએ.

ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, મંત્રીશ્રીએ નોંધ્યું હતું કે દેશે 2005 અને 2022 ની વચ્ચે ઉત્સર્જનની તીવ્રતામાં 37.38% ઘટાડો હાંસલ કર્યો છે અને તેના લક્ષ્યાંક કરતાં પાંચ વર્ષ પહેલાં 50% બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્થાપિત વીજળી ક્ષમતા સુધી પહોંચી ગયું છે. ભારતનું વધારાનું વન કાર્બન સિંક પણ આશરે 2.44 બિલિયન ટન CO₂ સમકક્ષ સુધી પહોંચી ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સિદ્ધિઓને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી અને આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં દેશની પ્રતિબદ્ધતાને અન્ય રાષ્ટ્રો માટે એક મોડેલ તરીકે જોવામાં આવી હતી. શ્રી હાર્ટ અને યુરોપિયન યુનિયન દ્વારા ઉત્સર્જન ઘટાડવા માટે મુશ્કેલ ક્ષેત્રોને ડીકાર્બનાઇઝ કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.

2019 માં ભારત અને સ્વીડન દ્વારા તેની શરૂઆત થઈ ત્યારથી LeadIT ની પ્રગતિને યાદ કરતા, શ્રી યાદવે પ્રકાશ પાડ્યો હતો કે તેના બીજા તબક્કાએ ભારત-સ્વીડન ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ હેઠળ સ્ટીલ અને સિમેન્ટમાં અગિયાર પ્રી-પાયલોટ પ્રોજેક્ટ્સની સુવિધા આપી હતી, ઉપરાંત ઓછા કાર્બન હેવી-ડ્યુટી પરિવહનમાં સહયોગનો વિસ્તાર કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં હાઇડ્રોજન-આધારિત આયર્નમેકિંગ, ઔદ્યોગિક ગરમીનું વિદ્યુતીકરણ, કાર્બન કેપ્ચર અને ઉપયોગ, ક્લિંકર અવેજીકરણ, ઔદ્યોગિક ચક્રીયતા અને સિમેન્ટની માંગ ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી હતી કે LeadIT એ ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ હેઠળ દક્ષિણ આફ્રિકાની રોકાણ યોજના અને ઓછા કાર્બન સિમેન્ટ પર ઇથોપિયાની ભાગીદારીને પણ સમર્થન આપ્યું છે.

મંત્રીશ્રીએ પ્રકાશ પાડ્યો હતો કે LeadIT ની સદસ્યતા વધીને 20 દેશો અને 33 કંપનીઓ થઈ ગઈ છે, અને તેના નવા દેશ સભ્ય તરીકે બ્રાઝિલનું સ્વાગત કર્યું હતું, જેનાથી ગ્લોબલ સાઉથનો અવાજ અને દક્ષિણ-દક્ષિણ સહયોગની તકો મજબૂત થઈ છે. 2027–2030 ને આવરી લેતું LeadIT 3.0, ભાગીદારી સ્થાપિત કરવાથી આગળ વધીને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના વિસ્તરણ, મૂડી એકત્ર કરવા અને નક્કર પરિણામો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેની ત્રણ પ્રાથમિકતાઓ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ દ્વારા ટેકનોલોજી વિકાસ અને પ્રસાર; પ્રોજેક્ટ્સને નાણાં સાથે જોડવા માટે મૂડી એકત્ર કરવી અને જોખમ ઘટાડવું (de-risking); અને કાર્બન બજારો તથા કાર્યબળ પરિવર્તન સહિત ક્ષમતા નિર્માણ અને નીતિગત સમર્થન રહેશે. સ્ટીલ, સિમેન્ટ અને પરિવહન મુખ્ય ક્ષેત્રો રહેશે, જ્યારે આ પ્લેટફોર્મ નવા ક્ષેત્રો અને ટેકનોલોજીઓ માટે ખુલ્લું રહેશે.

શક્યતાના અભ્યાસ, નિદર્શન અને પુનરાવર્તન તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકતા, શ્રી યાદવે દેશો અને કંપનીઓને આ પહેલમાં જોડાવા અને ઔદ્યોગિક પરિવર્તનની પ્રતિબદ્ધતાઓને કાર્યમાં રૂપાંતરિત કરવા હાકલ કરી હતી, અને પ્રકાશ પાડ્યો હતો કે LeadIT 3.0 COP31 ખાતે લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેને પ્રેસિડેન્સીએ ‘અમલીકરણનો COP’ કહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિવર્તને કામદારો, સમુદાયો અને વિકાસશીલ અર્થતંત્રો માટે પણ તકો ઊભી કરવી જોઈએ. તેમના વક્તવ્યનું સમાપન કરતા, મંત્રીશ્રીએ વૈશ્વિક ઔદ્યોગિક પરિવર્તનને આગળ વધારવામાં સામૂહિક કાર્યવાહીના મહત્વને રેખાંકિત કર્યું હતું.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2337354) મુલાકાતી સંખ્યા : 29