પોસ્ટેડ ઓન:
12 NOV 2026 4:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ આજે ખેડૂતોને ભારતની કૃષિ જૈવવિવિધતાના રક્ષક અને સંશોધક તરીકે ઓળખ આપવા અને તેમના પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક સંશોધન, બિયારણ પ્રણાલીઓ અને બજારની તકો સાથે જોડવાનું આહ્વાન કર્યું હતું. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ ઓથોરિટી (PPVFRA)ના 22મા સ્થાપના દિવસ અને પ્લાન્ટ જીનોમ સેવિયર એવોર્ડ સમારોહને સંબોધતા ડૉ. મિશ્રાએ નોંધ્યું હતું કે આ પ્રસંગે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ, 2001ના 25 વર્ષ પૂર્ણ થયા છે.
તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત જ્ઞાન, ખાદ્ય સંસ્કૃતિઓ અને સમુદાયની આજીવિકાનું જતન કરવાની સાથે-સાથે આબોહવા પરિવર્તન, પાણીની તંગી, જીવાતો અને રોગો સામે પ્રતિરોધક પાકો વિકસાવવા માટે ભારતની સમૃદ્ધ કૃષિ જૈવવિવિધતા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ભારતના 22 કૃષિ-જૈવવિવિધતા હોટસ્પોટ્સ પર પ્રકાશ પાડ્યો હતો અને સમુદાય-આધારિત સંરક્ષણના ઉદાહરણ તરીકે ઓડિશાના કોરાપુટનો ઉલ્લેખ કર્યો હતો, જેને 2012માં FAO દ્વારા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ કૃષિ વારસા પ્રણાલી તરીકે માન્યતા આપવામાં આવી હતી.
ખેડૂતોના અધિકારો માટે ભારતના વિશિષ્ટ માળખા પર પ્રકાશ પાડતા ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે આ કાયદાએ વનસ્પતિ સંવર્ધકોના અધિકારો અને છોડની જાતોના સંરક્ષક, ખેડૂત અને વિકાસકર્તા તરીકે ખેડૂતોની ઓળખ વચ્ચે સંતુલન જાળવ્યું છે. PPVFRA હેઠળ નોંધાયેલી લગભગ અડધી જાતો ખેડૂતોની જાતો હતી. તેમણે આનુવંશિક સંસાધનોનું સંરક્ષણ કરતા સમુદાયોને વાજબી વળતર સુનિશ્ચિત કરવામાં લાભ-વહેંચણી (બેનિફિટ-શેરિંગ)ની જોગવાઈઓ અને નેશનલ જીન ફંડની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.
ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે ICAR-NBPGR ખાતેની નેશનલ જીનબેંક વિશ્વની બીજી સૌથી મોટી જીનબેંક છે અને નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ સિસ્ટમ હેઠળ આબોહવા-અનુકૂળ પાકની આશરે 3,000 જાતો વિકસાવવામાં આવી છે. તેમણે વિશિષ્ટ કૃષિ ઉત્પાદનો માટે આર્થિક તકો ઊભી કરવામાં ભૌગોલિક સંકેતોની ક્ષમતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
ડૉ. મિશ્રાએ ઇન્ટરનેશનલ ટ્રીટી ઓન પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ ફોર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, નવી દિલ્હી ખાતેના 2022ના ગવર્નિંગ બોડી સત્ર અને ખેડૂતોના અધિકારો પરના 2023ના વૈશ્વિક પરિસંવાદ સાથેના જોડાણ દ્વારા ખેડૂતોના અધિકારો પરના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભારતના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે BRICS કૃષિ મંત્રીઓ દ્વારા અપનાવવામાં આવેલા ઇન્દોર ઘોષણાપત્ર અને બિયારણ પ્રણાલીઓમાં ખેડૂતોના અધિકારો પરના વૈશ્વિક મંચની સ્થાપનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
માન્યતાથી સશક્તિકરણ તરફ આગળ વધવાનું આહ્વાન કરતા ડૉ. મિશ્રાએ સામુદાયિક બિયારણ બેંકો અને ફિલ્ડ જીન બેંકોને મજબૂત કરવા, પરંપરાગત જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સાથે જોડવા અને ખેડૂતોની જાતોને ગુણવત્તાયુક્ત બિયારણ પ્રણાલીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) અને વિશાળ બજારો સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને વાજબી તથા પારદર્શક લાભ-વહેંચણી સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી જેથી સંરક્ષણ ટકાઉ આર્થિક તકોમાં પરિવર્તિત થાય.
પોતાના સંબોધનનું સમાપન કરતા ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ભારતના કૃષિ પરિવર્તનમાં માત્ર ભાગીદાર તરીકે જ નહીં, પરંતુ તેના યોગદાનકર્તા અને લાભાર્થી તરીકે પણ ઓળખ મળવી જોઈએ. પરંપરાગત જાતોનું સંરક્ષણ કરતા ખેડૂતો માટે સતત આર્થિક વળતરની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે અવલોકન કર્યું હતું કે: “એવોર્ડ ખેડૂતનું એકવાર સન્માન કરે છે; પરંતુ બિયારણની સાંકળ, બજાર અને લાભોનો વાજબી હિસ્સો ખેડૂતને દરેક સિઝનમાં ટકાવી રાખે છે.” તેમણે કહ્યું હતું કે કૃષિ વિવિધતાનું રક્ષણ કરવું એ ખેડૂતો, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ, ઉદ્યોગો, રાજ્ય અને સમાજની સહિયારી જવાબદારી છે, અને તેમણે ઓથોરિટી તથા તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
SM/NP/JD