પોસ્ટેડ ઓન:
12 NOV 2026 3:37PM by PIB Ahmedabad
જલ શક્તિ મંત્રાલયે જળ સંચય જન ભાગીદારી (JSJB) 2.0 પોર્ટલ પર નાગરિક પ્રતિસાદ (સિટિઝન ફીડબેક) સબમિટ કરવાની સમયમર્યાદા 30 નવેમ્બર 2026 સુધી લંબાવી છે. આ નાગરિક પ્રતિસાદ પોર્ટલ 26 જાન્યુઆરી 2026 થી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે દેશભરના નાગરિકોને JSJB 2.0 પહેલ હેઠળ નોંધાયેલા જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ અને સંગ્રહના કાર્યો પર તેમનો પ્રતિસાદ શેર કરવાની તક પૂરી પાડે છે. આ સમયમર્યાદા લંબાવવાથી નાગરિકો આ પહેલ હેઠળ બનાવવામાં આવેલા કૃત્રિમ રિચાર્જ અને સંગ્રહ માળખાઓ પર પ્રતિસાદ આપવાનું ચાલુ રાખી શકશે.
JSJB ના બીજા તબક્કાએ સક્રિય જનભાગીદારી દ્વારા જળ સંરક્ષણને સાચા જન આંદોલનમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ્ય સાથે 6 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના સુરત ખાતે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પના કરાયેલ રાષ્ટ્રવ્યાપી જળ સંરક્ષણ ચળવળને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ચિહ્નિત કર્યું છે. 31 મે 2026 સુધીમાં, આ પહેલ હેઠળ દેશભરમાં 1.5 કરોડથી વધુ વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ, જળ સંરક્ષણ અને સંગ્રહ માળખાઓની નોંધણી કરવામાં આવી છે.
JSJB 2.0 પોર્ટલ પરની નાગરિક પ્રતિસાદ પ્રણાલી નાગરિકોને નોંધાયેલા કાર્યો પર પ્રતિસાદ આપવા સક્ષમ બનાવીને જન ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. તેમના મૂલ્યવાન સૂચનો દ્વારા, નાગરિકો જાળવણીની જરૂરિયાતોને ઓળખવામાં, માળખાઓની કાર્યક્ષમતા પર દેખરેખ રાખવામાં અને તેમની લાંબા ગાળાની અસરકારકતા સુધારવામાં યોગદાન આપી શકે છે.
નાગરિકો તરફથી મળતો પ્રતિસાદ આ પહેલ હેઠળ નોંધાયેલી અસ્કયામતોની ચકાસણી અને મૂલ્યાંકનને પણ સમર્થન આપશે. આ પહેલ હેઠળ પૂર્ણ થયેલા કૃત્રિમ રિચાર્જ અને સંગ્રહ કાર્યોની સંખ્યાના આધારે જિલ્લાઓ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકોને માન્યતા આપવામાં આવતી હોવાથી, પ્રતિસાદમાં નાગરિકોની ભાગીદારી ખાસ મહત્વપૂર્ણ છે. આ પ્રણાલી રિપોર્ટિંગની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં વધારો કરશે, અમલીકરણમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપશે, અને જિલ્લાઓ તથા શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) ને બનાવવામાં આવેલા માળખાઓની યોગ્ય જાળવણી અને સતત કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા છે.
નાગરિકો અને હિતધારકો તેમના સૂચનો અને પ્રતિસાદ JSJB 2.0 પોર્ટલ દ્વારા અહીં સબમિટ કરી શકે છે:
https://jsjb.mowr.gov.in/DashboardJsjb.aspx
આ પહેલ દ્વારા, મંત્રાલયનો ઉદ્દેશ્ય જળ સંરક્ષણ માળખાઓની સામુદાયિક માલિકીને મજબૂત કરવાનો અને ટકાઉ જળ વ્યવસ્થાપન તથા જળ સુરક્ષા તરફની રાષ્ટ્રવ્યાપી ચળવળને વધુ આગળ વધારવાનો છે.
SM/BS/JD