કૃષિ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવતીકાલે 'ખેત બચાવો અભિયાન – રવિ 2026' નો પ્રારંભ કરશે; આ અભિયાન 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કરનાલ, હરિયાણાથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે
સંતુલિત ખાતરના ઉપયોગ, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે 'ખેત બચાવો અભિયાન – રવિ 2026'
તમામ વહીવટી સ્તરે ખેડૂત સંમેલનો, કિસાન ચોપાલ, તાલીમ સત્રો અને ફીલ્ડ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવશે
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 6:56PM by PIB Ahmedabad
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા, જમીનની સુખાકારી (સોઈલ હેલ્થ) સુધારવા અને કૃષિ સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026 દરમિયાન દેશવ્યાપી 'ખેત બચાવો અભિયાન - રવિ 2026' નો પ્રારંભ કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કરનાલ, હરિયાણાથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે.
આ અભિયાનનો ઉદ્દેશ્ય જમીન પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ)ના આધારે ખાતરો અને અન્ય કૃષિ ઇનપુટ્સના સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો છે. તે તેલીબિયાં, કઠોળ અને બાગાયતી મિશનો દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપશે, ડાંગરની લણણી પછી ખાલી પડેલા ખેતરોના અસરોકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે અને પાકના અવશેષોના યોગ્ય વ્યવસ્થાપનને વેગ આપશે. આ અભિયાન જૈવિક અને બાયો-આધારિત કૃષિ ઉત્પાદનોના યોગ્ય ઉપયોગ અંગે ખેડૂતોને તાલીમ આપવા અને જાગૃતિ કાર્યક્રમો, તાલીમ સત્રો તથા ફીલ્ડ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, તે જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ પર ભાર મૂકશે, જ્યારે કુદરતી સંસાધનોની જાળવણી અને ખેતીની લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરશે.
આ અભિયાન જમીનની સુખાકારી સુધારવા, ખાતરો અને અન્ય કૃષિ ઇનપુટ્સના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા, પાણીના ઉપયોગની ક્ષમતા વધારવા અને સંસાધન-કાર્યક્ષમ તથા આબોહવા-સાનુકૂળ (ક્લાઇમેટ-રેઝિલિયન્ટ) ખેતી પદ્ધતિઓ અપનાવવાની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રીન એમોનિયા અને જૈવિક ઉત્પાદનો સહિત ખાતરોના યોગ્ય ઉપયોગ; જળ સંરક્ષણ; યોગ્ય પાકો અને જાતો સાથે પાક વૈવિધ્યકરણ અને આંતરપાક; ડાંગર લણણી પછીની ખાલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ; કુદરતી ખેતી; અને સંકલિત ખેતી પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ક્ષમતા વર્ધન, કૃષિ યાંત્રિકીકરણ અને પુનરુત્પાદક કૃષિ પદ્ધતિઓ સહિતની સુધારેલી તકનીકોના ફીલ્ડ ડેમોન્સ્ટ્રેશન પણ આ અભિયાનના મુખ્ય ઘટકો બનશે.
મુખ્ય વિષયોમાં પાકના અવશેષોનું વ્યવસ્થાપન, સંકલિત જીવાત વ્યવસ્થાપન, જમીન સુખાકારી વ્યવસ્થાપન, આબોહવા-સાનુકૂળ કૃષિ, તેલીબિયાં અને કઠોળનું પ્રોત્સાહન અને બિયારણ વિતરણનો સમાવેશ થશે. આ અભિયાન ફાર્મર આઈડી બનાવવાની પ્રક્રિયા સરળ બનાવશે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) હેઠળ પાક વીમા વિશે જાગૃતિ વધારશે, સેચ્યુરેશન પ્રયાસો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના હેઠળ કવરેજનો વિસ્તાર કરશે અને વેપાર કરારોથી થતા લાભો તથા તકો વિશે માહિતીનો પ્રસાર કરશે.
અભિયાનના ભાગરૂપે રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગ્રામ પંચાયત સ્તરે જાગૃતિ કાર્યક્રમો, ખેડૂત સંમેલનો, કિસાન ચોપાલ, તાલીમ સત્રો અને ફીલ્ડ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs), ICAR સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીઓ (ATMA) કૃષિ વૈજ્ઞાનિકો, ATMA ના અધિકારીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs), સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો (SHGs) અને પ્રગતિશીલ ખેડૂતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સહયોગ કરશે. સ્થાનિક ભાષાની સાહિત્ય સામગ્રી, રેડિયો, દૂરદર્શન, સોશિયલ મીડિયા અને અન્ય IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર-પ્રસાર આ પહોંચને વધુ મજબૂત બનાવશે અને ખેડૂતોમાં માહિતીનો વ્યાપક પ્રસાર સુનિશ્ચિત કરશે.
આ અભિયાનમાં ATMA અને ICAR દ્વારા આશરે એક કરોડ સહભાગીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને KVKs તથા ATMA ને આવરી લેતી કુલ 4,150 ટીમોની રચના કરવાની યોજના છે, જેમાં 12,000 થી વધુ વૈજ્ઞાનિકો અને ATMA ના અધિકારીઓ યોગદાન આપે તેવી અપેક્ષા છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ખેડૂતોની ભાગીદારી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા પર વિશેષ ભાર મૂકીને અભિયાનનું અસરોકારક અમલીકરણ અને નિયમિત દેખરેખ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો, ICAR સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે સંકલન કરશે.
'ખેત બચાવો અભિયાન' દ્વારા સરકાર જમીન અને જળ સંરક્ષણને મજબૂત કરવા, કાર્યક્ષમ અને કરકસરયુક્ત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, કૃષિ ટકાઉપણું સુધારવા અને ખેડૂતોની લાંબા ગાળાની સમૃદ્ધિ તથા વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા માંગે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2326220)
મુલાકાતી સંખ્યા : 18