નાણા મંત્રાલય
પૂર્વીય ક્ષેત્રમાં બાંગ્લાદેશથી થતી સોનાની દાણચોરી પર DRIએ કાર્યવાહી કરી; 7.8 કિલોગ્રામથી વધુ વિદેશી સોનું જપ્ત કર્યું; છ વ્યક્તિઓની ધરપકડ કરી
ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા એક ઓપરેશનમાં બાણપુર સરહદી વિસ્તાર અને ત્રિપુરાથી કોલકાતાને જોડતા રૂટ પરથી સોનાની દાણચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો
પોસ્ટેડ ઓન:
11 OCT 2026 10:26AM by PIB Ahmedabad
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા બાંગ્લાદેશમાંથી થતી સરહદ પારની સોનાની દાણચોરી સામેની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે પૂર્વ ક્ષેત્રમાં 08-09 ઓક્ટોબર 2026ના રોજ હાથ ધરવામાં આવેલી ગુપ્તચર માહિતી આધારિત કામગીરીમાં રૂ. 11.50 કરોડથી વધુી કિંમતનું અંદાજે 7.8 કિગ્રા વિદેશી મૂળનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશનોમાં સરહદી વિસ્તારોમાંથી કોલકાતા તરફ દાણચોરીના સોનાની હેરફેર કરવા માટે રોડ અને રેલવે નેટવર્કના ઉપયોગનો પર્દાફાશ થયો છે, જેના પરિણામે છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

DRI કોલકાતા દ્વારા ઓપરેશનોમાં જપ્ત કરાયેલું સોનું
DRIના અધિકારીઓએ ડાનકુની ટોલ પ્લાઝા ખાતે એક ફોર-વ્હીલર વાહનને અટકાવ્યું હતું. ચાર વ્યક્તિઓને લઈને જઈ રહેલું આ વાહન બાંગ્લાદેશની સરહદ પાસે આવેલા બનપુરથી કોલકાતા તરફ જઈ રહ્યું હતું. વાહન અને તેમાં સવાર લોકોની તલાશી લેતા 50 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા, જેનું વજન આશરે 6.8 કિગ્રા હતું અને તેની કિંમત અંદાજે રૂ. 10 કરોડ હતી. કેટલાક સોનાના બિસ્કિટ પર વિદેશી નિશાનો અંકિત થયેલી હતી. વાહનમાં સવાર લોકો સોનાના કાયદેસરના કબજાને સમર્થન આપતા કોઈ લાયસન્સવાળા દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમના નિવેદનોમાં, તેઓએ બાંગ્લાદેશ થઈને ભારતમાં વિદેશી મૂળના સોનાની દાણચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ખાસ નોંધનીય બાબત એ છે કે, બનપુર સરહદી વિસ્તારમાં સક્રિય સિન્ડિકેટનો સરગના પણ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓમાં સામેલ હતો.
તે જ દિવસે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં DRIની ટીમોએ માલદા ટાઉન રેલવે સ્ટેશન અને ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશન એમ બે રેલવે સ્ટેશનો પર ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને અટકાવ્યા હતા અને તેમના કબજામાંથી અંદાજે રૂ. 1.5 કરોડની કિંમતનું આશરે 1 કિગ્રા વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું હતું. કાયદેસરની ખરીદીને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા પછી બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે બંગડીઓ અને સોનાના બિસ્કિટના સ્વરૂપમાં રહેલું જપ્ત કરાયેલું સોનું ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદેથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું.
આ ઓપરેશનો બાંગ્લાદેશને અડીને આવેલા સરહદી વિસ્તારો તેમજ ઉત્તર-પૂર્વને કોલકાતા જેવા મોટા બજારો સાથે જોડતા રોડ અને રેલવે કોરિડોરનો દાણચોરીના સોનાની હેરફેર માટે સતત ઉપયોગ થતો હોવાનું રેખાંકિત કરે છે. ગુપ્તચર આધારિત અમલીકરણ અને સંકલિત કાર્યવાહી દ્વારા સંગઠિત દાણચોરી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે DRI પ્રતિબદ્ધ છે.
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2321911)
મુલાકાતી સંખ્યા : 8