રેલવે મંત્રાલય
ભારતીય રેલવે દ્વારા વડોદરા ડિવિઝનના અલકાપુરી ખાતે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ₹166.5 કરોડ મંજૂર કરાયા
ચાર-લેન ગ્રેડ-સેપરેટેડ રોડ સુવિધા અલકાપુરી રોડ કનેક્ટિવિટીમાં વધારો કરશે અને ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલશે
પોસ્ટેડ ઓન:
24 SEP 2026 3:21PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના અલકાપુરી ખાતે રાજ્ય સરકાર સાથે ખર્ચની ભાગીદારીના ધોરણે કુલ ₹166.5 કરોડના ખર્ચે ચાર-લેન રોડ ઓવર બ્રિજ (ROB)ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ભારતીય રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. રેલવેનો હિસ્સો આશરે ₹83.2769 કરોડ રહેશે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો પણ આશરે ₹83.2769 કરોડ રહેશે.
ફોર લેન ROBથી હાલની માર્ગ જોડાણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે
વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલો હાલનો અલકાપુરી રોડ અંડર બ્રિજ (RUB), વડોદરા શહેરના અલકાપુરી અને કાળાઘોડા વિસ્તારો વચ્ચે પૂર્વ-પશ્ચિમ માર્ગ જોડાણ માટે મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે. જોકે, હાલના RUBમાં આશરે 3.0 મીટરની જ ઊભી ઊંચાઈ (વર્ટિકલ ક્લિયરન્સ) હોવાથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહે છે અને ચોમાસા દરમિયાન વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
આ મર્યાદાઓને કારણે ટ્રાફિકની ભીડ, વાહનવ્યવહાર સંબંધિત મુશ્કેલીઓ અને માર્ગ વપરાશકર્તાઓને અસુવિધાનો સામનો કરવો પડે છે. ફોર લેન ગ્રેડ-સેપરેટેડ માર્ગ સુવિધાના નિર્માણથી હાલની માર્ગ ક્રોસિંગ વ્યવસ્થાની ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો થશે.
મહત્વપૂર્ણ પરિવહન સુવિધાઓ માટે સુધારેલી કનેક્ટિવિટી
આ ROB રેલવે કામગીરીને ખલેલ પહોંચાડ્યા વિના સુધારેલી અને વધુ અસરકારક ક્રોસિંગ સુવિધા પૂરી પાડશે. તે વડોદરા રેલવે સ્ટેશન, GSRTC બસ સ્ટેશન અને આગામી હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) સ્ટેશનને પણ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પૂરી પાડશે.
વધતી જતી ટ્રાફિક જરૂરિયાતોનો ઉકેલ
ટ્રાફિકના મૂલ્યાંકન મુજબ, પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1,600થી વધુ PCUનો ટ્રાફિક નોંધાય છે. આ ઉપરાંત, અનેક સ્થળોએ ટ્રાફિકના પરસ્પર સંઘર્ષના બિંદુઓ તેમજ રાહદારીઓ માટેની અપૂરતી સુવિધાઓ જોવા મળે છે. પરિણામે, હાલનો RUB વિસ્તારની વર્તમાન તેમજ ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતો સાબિત થઈ રહ્યો છે.
આ ચાર-લેન ગ્રેડ-સેપરેટેડ સુવિધા હાલના RUBની કાર્યકારી મર્યાદાઓને દૂર કરશે અને સાથે જ વડોદરાના આ મહત્વપૂર્ણ ભાગમાં રોડ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે.
આ પ્રોજેક્ટ વડોદરા રેલવે સ્ટેશન આસપાસની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે, જ્યારે વધુ અસરકારક ક્રોસિંગ વ્યવસ્થા પૂરી પાડશે અને હાલના અલકાપુરી RUBની મર્યાદાઓને દૂર કરશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2314384)
મુલાકાતી સંખ્યા : 28