પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા યોજના હેઠળ હપ્તો જાહેર કરતા સમયે સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 2:23PM by PIB Ahmedabad

નમોષ્કાર

બંગાળની મારી માતાઓ-બહેનોને મારા પ્રણામ અને શુભેચ્છાઓ!

આજે આ વિશેષ અવસર પર આપ સૌની સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. બંગાળની માતાઓ-બહેનો પાસેથી મને હંમેશાં ખૂબ જ સ્નેહ મળ્યો છે. તમારો વિશ્વાસ અને પોતાપણું, મારા માટે ખૂબ મોટી શક્તિ છે. આપનાર ભરોસા આમાર શક્તિ !!!

આજે વિશ્વકર્મા પૂજાનો પાવન અવસર પણ છે. હું આપ સૌને વિશ્વકર્મા પૂજાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.

સાથીઓ,

આ જ પાવન સમયે, આજે બંગાળમાં એક નવી પરંપરા સશક્ત થઈ રહી છે. આજે અન્નપૂર્ણા યોજનાના રૂપમાં બંગાળની માતાઓ-બહેનો સાથે નવું સામર્થ્ય જોડાયું છે. હું આ યોજનાથી લાભ મેળવનારી દરેક બહેનને વધાઈ આપું છું, મારી શુભેચ્છાઓ આપું છું.

સાથીઓ,

ઘરમાં મારી માતાઓ-બહેનોના ખભા પર ઘણી બધી જવાબદારીઓ હોય છે. અનેક નાના-મોટા નિર્ણયો વચ્ચે એક મહિલા દરેક રીતે પરિવારનું ધ્યાન રાખે છે અને જ્યારે તેમની પાસે જરૂરી ખર્ચાઓની ચિંતા ઓછી હોય છે, તો તેમનો આત્મવિશ્વાસ પણ વધુ વધી જાય છે. અન્નપૂર્ણા યોજના, બંગાળની મહિલાઓના આત્મવિશ્વાસને મજબૂતી આપવાનો એવો જ મહત્વપૂર્ણ પ્રયાસ છે. બંગાળની મારી બહેનોના બેંક ખાતાઓમાં દર મહિને એક નિશ્ચિત રકમ પહોંચે. એવી રકમ, જેના માટે તેમને કોઈને કહેવું ન પડે, આ તેમના જીવન માટે ખૂબ મોટો ટેકો છે. એટી એકટી બોડો શાહાજ્જો !!!

સાથીઓ,

આજે આશરે દોઢ કરોડ બહેનોના ખાતામાં અન્નપૂર્ણા યોજનાનો ચોથો હપ્તો પહોંચી રહ્યો છે. એટલે કે દર મહિને 3 હજાર રૂપિયા. આ કોઈ મા માટે બાળકના ભણતરનો ખર્ચ હોઈ શકે છે. કોઈ બહેન માટે દવા કે ઘરની જરૂરી વસ્તુ ખરીદવાનો સહારો હોઈ શકે છે.

સાથીઓ,

અમારો વિચાર છે, બંગાળની મહિલાઓ પાસે નિર્ણયની તાકાત પણ હોય અને આગળ વધવાનો હોંસલો પણ હોય. અને આમાં અન્નપૂર્ણા યોજનાની મોટી ભૂમિકા છે. હું અન્નપૂર્ણા યોજનાના લાભાર્થી તમામ માતાઓ-બહેનોને ખૂબ-ખૂબ વધાઈ આપું છું.

સાથીઓ,

આ વર્ષે ચાર મેના રોજ બંગાળે પરિવર્તનનો એક નવો રસ્તો પસંદ કર્યો અને હું જાણું છું, આ પરિવર્તનમાં સૌથી અગત્યની ભૂમિકા બંગાળની માતાઓ-બહેનોની રહી છે. તમે તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ જોઈ છે. ઘણી બધી વસ્તુઓ માટે રાહ જોઈ છે. એટલા માટે અમારી નવી સરકાર સામે સૌથી પહેલી કસોટી એ જ રહી કે બંગાળની મહિલાઓનું જીવન સરળ બને, તેમના જીવનમાં Ease of Living વધે. એટલા માટે અમે જે મૂળ મંત્ર લઈને ચાલ્યા, તે છે- કોથા કોમ, કાજ બેશી !

સાથીઓ,

અન્નપૂર્ણા યોજનાની શરૂઆત આ જ વિચાર સાથે થઈ છે. સરકાર બનવાના કેટલાક જ દિવસોની અંદર આ યોજના પર કામ શરૂ થયું અને આજે, આટલી મોટી સંખ્યામાં મહિલાઓ સુધી સીધા બેંકમાં પૈસા પહોંચવાના શરૂ થઈ ગયા છે. કોઈ કટ મની નહીં, કોઈ વચેટિયા નહીં. એખોન બાંગ્લાએ કાટમાની ચોલે ના !!!

અમારી સરકારનો આ પણ લક્ષ્યાંક છે કે એક પણ પાત્ર મહિલા અન્નપૂર્ણા યોજનાના લાભથી વંચિત ન રહે. આના માટે પણ અહીં ઝડપથી કામ થઈ રહ્યું છે.

સાથીઓ,

માતાઓ-બહેનો-દીકરીઓના જીવન ચક્ર સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઉકેલ લાવવો એ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. ગર્ભાસ્થા દરમિયાન શિશુને પૌષ્ટિક ખોરાક મળે, આના માટે અમે માતૃવંદના યોજના ચલાવી, મહિલાઓના બેંક ખાતામાં પૈસા મોકલવાના શરૂ કર્યા. દીકરીને ગર્ભમાં જ સમાપ્ત ન કરી દેવામાં આવે, આના માટે બેટી બચાવો-બેટી પઢાવો જેવા જનઆંદોલન શરૂ કર્યા. દીકરી જ્યારે મોટી થઈને શાળાએ જવા લાગે, તો શૌચાલય ન હોવાના કારણે શાળા ન છોડે, આના માટે કરોડો શૌચાલય બનાવ્યા. દીકરીનું શિક્ષણ ચાલુ રહે, આના માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આટલું બધું વ્યાજ આપ્યું. દીકરી જો સૈનિક સ્કૂલ જવા ઈચ્છે, તો તેના માટે અમે સૈનિક સ્કૂલના દ્વાર ખોલી દીધા. દીકરી મોટી થઈને પોતાનું કઈંક કામ કરી શકે, આના માટે વિના ગેરંટી લોન આપનારી મુદ્રા યોજના શરૂ કરી. મા બન્યા પછી પણ તે પોતાની નોકરી ચાલુ રાખી શકે, આના માટે માતૃત્વ રજાઓમાં વધારો કર્યો. દીકરીને ગામમાં કમાણીની નવી તકો મળે, આના માટે સેલ્ફ હેલ્પ ગ્રુપને મળનારી સહાયતામાં રેકોર્ડ વધારો કરવામાં આવ્યો. દીકરીને રસોડામાં લાકડાનો ધુમાડો ન સહન કરવો પડે, આના માટે ઉજ્જવલાનું ગેસ કનેક્શન આપ્યું. દીકરીને પાણીની વ્યવસ્થામાં હેરાન ન થવું પડે, આના માટે અમે હર ઘર નલ સે જલ આપવાની યોજના શરૂ કરી. દીકરીને અંધારામાં ન રહેવું પડે, આના માટે અમે સૌભાગ્ય યોજનાથી મફત વીજળી કનેક્શન આપ્યું. દીકરી પૈસાની કમીના કારણે પોતાની બીમારી છુપાવે નહીં, એટલા માટે અમે તેને આયુષ્માન કાર્ડની તાકાત આપી. દીકરીને બેંકોનો લાભ મળે, આના માટે જનધન યોજના હેઠળ મોટી સંખ્યામાં બેંક ખાતા ખોલ્યા. દીકરીનો ઘરની મિલકત પર પણ અધિકાર હોય, આના માટે પીએમ આવાસના ઘરોમાં તેને સંયુક્ત ભાગીદારી આપી.

સાથીઓ,

બંગાળના લોકોની એક મોટી પીડા એ પણ રહી છે કે વિતેલા 12 વર્ષોમાં કેન્દ્રની એવી ઘણી યોજનાઓનો લાભ અહીં સમયસર પહોંચી શક્યો નહીં. આનાથી ગરીબ પરિવારોને સૌથી વધુ નુકસાન થયું. હવે ભાજપ સરકારમાં આ રોકાયેલી યોજનાઓને ઝડપી ગતિથી આગળ વધારવામાં આવી છે. જેમ કે એક ઉદાહરણ પીએમ આવાસ યોજનાનું છે. બંગાળમાં ભાજપ સરકાર બન્યા પછી 50 લાખથી વધુ એવા નવા ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવી છે, જેમને પીએમ આવાસ યોજનાના પાકા ઘર આપવામાં આવશે. પીએમ વિશ્વકર્મા યોજનાને પણ અહીં લાગુ કરવામાં આવી છે. દરેક લંબિત યોજના, દરેક અટકેલી પરિયોજના, હવે બંગાળમાં નવી ગતિ પકડી રહી છે. અને આમાં બંગાળની મહિલાઓનો, અહીંના લોકોનો આશીર્વાદ ભાજપ સાથે છે. એટલા માટે જ, હું ખૂબ વિશ્વાસ સાથે કહું છું, આમરા એકશોન્ગે ગોડબો નોતુન બાંગ્લા! આપણે સૌ મળીને બનાવીશું નવું બંગાળ.

સાથીઓ,

દેશે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે. મને વિશ્વાસ છે, બંગાળની માતાઓ-બહેનો વિકાસની યાત્રાને આ જ રીતે નવી ગતિ આપશે. વિકસિત બંગાળના સામર્થ્યથી, વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત થશે.

સાથીઓ,

આપ સૌનો સ્નેહ, આપના આશીર્વાદ, અમને નિરંતર સેવાની પ્રેરણા આપે છે. એક વાર ફરી, આપ સૌને અન્નપૂર્ણા દિવસની ખૂબ-ખૂબ વધાઈ. વિશ્વકર્મા પૂજાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ! ધન્યવાદ!

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2311343) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी