ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પણજીમાં મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે ગોવા સંબંધિત મુદ્દાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


ત્રણ નવા ન્યાય સંહિતા અને ICJS ના અસરકારક અમલીકરણના પરિણામે ગોવામાં દોષિત ઠેરવવાનો દર (કન્વિક્શન રેટ) અગાઉના 22% થી વધીને 53% થયો છે

ઘણા કિસ્સાઓમાં, અદાલતો હવે 6 થી 8 મહિનામાં ફોજદારી બાબતોનો નિકાલ લાવવા માટે સક્ષમ છે

ગૃહ મંત્રીએ કાયદો અને વ્યવસ્થા તથા દરિયાઈ સુરક્ષા જાળવવા માટે ગોવા સરકાર અને રાજ્ય પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી

મહત્વપૂર્ણ પ્રવાહો અને પેટર્ન, અપરાધોના આંતરિક જોડાણો, ગુનેગારોની આંતર-રાજ્ય હિલચાલ અને દરિયાઈ સુરક્ષાના સતત નિરીક્ષણ પર ભાર મૂક્યો

MHA અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં એ સુનિશ્ચિત કરવા જોઈએ કે ગોવા દેશમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ટોચનું રાજ્ય બને

મોદી સરકાર વિકસિત ભારત માટે વહીવટી બાબતો, ક્ષમતા નિર્માણ અને વિકાસમાં નાના રાજ્યોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે

ગોવામાં દેશમાં એક મોડેલ રાજ્ય બનવાની સંપૂર્ણ ક્ષમતા છે

પોસ્ટેડ ઓન: 06 SEP 2026 6:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પણજીમાં મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે ગોવા રાજ્ય સંબંધિત મુદ્દાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર, ઈન્ટેલિજન્સ બ્યુરો અને ગૃહ મંત્રાલય, ગોવા, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

CR5_0223.JPG.jpeg

બેઠક દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહને ગોવાના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લગતી મહત્વપૂર્ણ બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. એજન્ડામાં ત્રણ નવા ન્યાય સંહિતાના અમલીકરણ, NDPS ને લગતી બાબતો, દરિયાઈ સુરક્ષા, ભાગેડુઓના મુદ્દા, આપત્તિ વ્યવસ્થાપન, પોલીસ આધુનિકીકરણ, શત્રુ સંપત્તિનું વહીવટ અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ, ખાસ કરીને જેઓ ગુનાઓ અને નાર્કોટિક્સ તથા ડ્રગ્સના ગુનાઓમાં સામેલ છે તેમને દેશનિકાલ કરવા અંગે અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવાનો સમાવેશ થતો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તથા દરિયાઈ સુરક્ષા જાળવવા માટે સંખ્યાબંધ મહત્વના પગલાં લેવા બદલ ગોવા સરકાર અને રાજ્ય પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસોએ ગોવાને 'નશા મુક્ત' બનાવવા અને સાયબર ક્રાઇમ સામે સફળતાપૂર્વક નિપટવામાં યોગદાન આપ્યું છે. શ્રી શાહે રાજ્ય સરકાર અને તમામ હિતધારકોને ઉભરતા સુરક્ષા પડકારો સંબંધિત વ્યાપક સુરક્ષા મૂલ્યાંકન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ પ્રવાહો અને પેટર્ન, વિવિધ પ્રકારના ગુનાઓના આંતરિક જોડાણો, ગુનેગારોની આંતર-રાજ્ય હિલચાલ અને દરિયાઈ સુરક્ષાનું સતત નિરીક્ષણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે. શ્રી શાહે જણાવ્યું હતું કે MHA અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં એ સુનિશ્ચિત કરવા જોઈએ કે ગોવા દેશમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ટોચનું રાજ્ય બને.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે નાના રાજ્યોને તમામ વહીવટી બાબતો, ક્ષમતા નિર્માણ અને વિકાસ સંબંધિત મુદ્દાઓમાં સંપૂર્ણ ટેકો અને વ્યાવસાયિક સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગોવામાં દેશમાં એક મોડેલ રાજ્ય બનવાની સંપૂર્ણ ક્ષમતા છે અને આ સુંદર રાજ્ય, સુરક્ષા અને વિકાસના તમામ લક્ષ્યાંકો હાંસલ કરીને "ભારત માતા કે માથે કી બિંદિયા" બનશે.

ગોવા સરકારના અધિકારીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રીને માહિતગાર કર્યા હતા કે રાજ્યમાં હિંસક ગુનાઓમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે, રાજ્યમાં સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ અને વિદેશીઓને લગતા ઉલ્લંઘનો સામે સખત કાર્યવાહીની જરૂર છે. DGP, ગોવાએ માહિતી આપી હતી કે દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સની બાબતો પર ગોવા સરકાર દ્વારા વ્યાપકપણે પહેલ કરવામાં આવી રહી છે.

DGP એ એમ પણ માહિતગાર કર્યા હતા કે ત્રણ નવા ન્યાય સંહિતાના અમલીકરણ અને ICJS ના અસરકારક અમલીકરણ પછી, રાજ્યમાં દોષિત ઠેરવવાનો દર (કન્વિક્શન રેટ) 22% થી વધીને 53% થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં, અદાલતો હવે 6 થી 8 મહિનામાં ફોજદારી બાબતોનો નિકાલ લાવવા માટે સક્ષમ છે.

ગોવાના મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર ગોવાને તમામ પાસાઓમાં મોડેલ રાજ્ય બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્ર સરકાર સાથે નજીકના સંકલનમાં કામ કરશે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2307201) મુલાકાતી સંખ્યા : 16