વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના વૈશ્વિક વેપાર ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે દેશવ્યાપી FTA ઉપયોગિતા અભિયાનનું આહ્વાન કર્યું


લગભગ 60 ટ્રિલિયન ડોલર જીડીપી ધરાવતા અર્થતંત્રોને આવરી લેતા ભારતના નવ એફટીએ વૈશ્વિક વેપારના લગભગ બે-તૃતીયાંશ હિસ્સા સુધી પ્રેફરેન્શિયલ એક્સેસ પૂરી પાડશે: શ્રી ગોયલ

આગામી એફટીએ અને બજાર પહોંચ વધુ ગાઠ કરવાના પ્રયાસો સાથે મળીને, ભારત સ્પર્ધકો કરતાં ઓછા દરે વૈશ્વિક વેપારના 75% સુધી પહોંચ મેળવી શકે છે

એપ્રિલ-જુલાઈ દરમિયાન ભારતની નિકાસ લગભગ $317 બિલિયન પર પહોંચી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં $36-37 બિલિયન વધુ છે

દરેક જિલ્લા, એમએસએમઈ (MSME), વેપારી, ઉદ્યોગસાહસિક, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક સુધી એફટીએ આઉટરીચ પહોંચાડવા આહ્વાન કર્યું

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 1:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે વિશ્વભરમાં ભારતના વેપારનો વિસ્તાર કરવા અને ઉચ્ચ બજાર પહોંચના લાભો દેશભરના વ્યવસાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs - મુક્ત વેપાર કરારો) ના ઉપયોગને મહત્તમ કરવા માટે ધ્યાન કેન્દ્રિત, સમાવેશી અને દેશવ્યાપી પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું. આજે નવી દિલ્હી ખાતે "લેવરેજિંગ એફટીએ એન આઉટરીચ પ્રોગ્રામ" વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધતા શ્રી ગોયલે ભારત નવતર એફટીએ નેટવર્કને દેશભરના વ્યવસાયો માટે મોટી નિકાસ તકોમાં રૂપાંતરિત કરવા માટે સંકલિત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ પહેલ દેશભરમાં ઝડપથી આગળ વધવી જોઈએ અને તમામ 780 નાના-મોટા જિલ્લાઓમાં છેવાડાના વ્યક્તિ, નાનામાં નાના વેપારી, ઉદ્યોગસાહસિક, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક સુધી પહોંચવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતને મોટે ભાગે અંદર તરફ જોતા સ્થાનિક અર્થતંત્રમાંથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પરિવર્તિત કરવાના મોટા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં દરેક નાનું કે મોટું યોગદાન અમૂલ્ય હશે.

દિવસભર ચાલેલી આ કાર્યશાળામાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (નિકાસ પ્રોત્સાહન પરિષદો) અને ઉદ્યોગ મંડળોને એકસાથે લાવવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય ભારતના મુક્ત વેપાર કરારોના વિસ્તારિત નેટવર્કને ભારતીય નિકાસકારો, ખાસ કરીને એમએસએમઈ અને પ્રથમ વાર નિકાસ કરનારાઓ માટે માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરવાનો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતે તેના યોગદાન માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત અને આદરણીય અર્થતંત્ર અને વિશ્વનું વિશ્વસનીય ભાગીદાર બનવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિશ્વાસ મૂલ્યમાં પરિણમવો જોઈએ અને આ મૂલ્ય દરખાસ્ત દેશભરમાં 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં થતા સામૂહિક પ્રયાસોમાંથી ઉભરી આવવી જોઈએ, જેમાં આંતરરાષ્ટ્રીય વેપારનો ઘણો મોટો હિસ્સો હશે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત તેની આર્થિક યાત્રાના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને સ્થિર ભાવે પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી દર 7.8% ને રેખાંકિત કર્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વભરમાં અનિશ્ચિતતા અને પ્રચંડ અશાંતિ વચ્ચે 7.8% જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત કરવી એ એક નોંધપાત્ર ક્ષમતા છે. તેમણે લોકોને "નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો (naysayers)" થી ભ્રમિત ન થવાની વિનંતી કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીડીપીના આંકડા સરકાર, મંત્રીઓ કે અમલદારો દ્વારા બનાવવામાં આવતા નથી, પરંતુ આંકડાશાસ્ત્ર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી એક વિગતવાર, ગ્રાઉન્ડ-અપ અને સ્વતંત્ર પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે, જે દાયકાઓથી કાર્યરત છે.

મંત્રીશ્રીએ સતત, સુસંગત, અવિરત અને પરિણામ-લક્ષી પ્રયાસો માટે આહ્વાન કર્યું હતું, જેમાં સમગ્ર દેશને સાથે રાખીને, નવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજારો તરફ જોવા અને જે પ્રચંડ તકો ખુલી છે તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે વધુ સમાવેશીતા લાવવાની વાત કરી હતી.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે લગભગ $60 ટ્રિલિયન જીડીપીનું પ્રતિનિધિત્વ કરતા અર્થતંત્રોને આવરી લેતા ભારતના નવ એફટીએ (FTAs) વૈશ્વિક વેપારના લગભગ બે-તૃતીયાંશ હિસ્સા સુધી પ્રેફરેન્શિયલ એક્સેસ પૂરી પાડશે. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો, ચિલી, મર્કોસુર (Mercosur), એસએસીયુ (SACU), જીસીસી (GCC) અને ઈઝરાયેલ સહિતના અન્ય એફટીએ જે ભારત આગામી કેટલાક મહિનાઓ અને બે વર્ષમાં પૂર્ણ કરશે, તે એશિયાન (ASEAN), કોરિયા અને જાપાનની સમીક્ષા કરવા અથવા વધુ બજાર પહોંચ મેળવવા માટેના અન્ય પગલાં સાથે મળીને, ભારતને તેના સ્પર્ધકો કરતાં ઓછા દરે વૈશ્વિક વેપારના 75% સુધી પહોંચ આપશે.

તેમણે કહ્યું કે પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ (PTA), FTA અથવા બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) એ આખરે ભારતના સ્પર્ધકો કરતાં વધુ સારો દર મેળવવા વિશે છે. નિરપેક્ષ ટેરિફ નંબર બિનમહત્વપૂર્ણ હતો અને તેને સ્પર્ધાના સંદર્ભમાં ધ્યાનમાં લેવો પડતો હતો.

શ્રી ગોયલે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનની વેપાર પદ્ધતિઓ અલગ-અલગ છે, જેમાં સંચાલન ખર્ચ અને શ્રમ ખર્ચ સંપૂર્ણપણે અલગ છે. તેથી ભારતે અન્ય બજારોમાં વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધક દેશો દ્વારા ચૂકવવામાં આવતા દરોનું આંકલન કરવું પડ્યું હતું.

ટેક્સટાઈલ (કાપડ) ઉદ્યોગનું ઉદાહરણ આપતા શ્રી ગોયલે કહ્યું કે ભારતે વર્ષોથી બાંગ્લાદેશ અને વિયેટનામ સાથે સ્પર્ધા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમને અનુક્રમે LDC સ્ટેટસ અને એફટીએનો લાભ મળ્યો હતો, જેનાથી તેઓ શૂન્ય અથવા ઓછા દરે વિકસિત બજારોમાં પ્રવેશ મેળવી શક્યા હતા, જ્યારે ભારતને ઊંચી ડ્યુટીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ભારતે લગભગ તમામ વિકસિત બજારોમાં સ્પર્ધક દેશો કરતાં વધુ સારા દર પ્રાપ્ત કર્યા છે, જેના કારણે પ્રદર્શન સિવાય કોઈ બહાનું બચ્યું નથી, જે ઉત્પાદન ક્ષમતા (scale), ગુણવત્તા, ખંત, ગ્રાહક વિશ્વાસ જાળવવા અને ગુણવત્તા, સમયપત્રક તથા પેકેજિંગના સંદર્ભમાં સમયસર ડિલિવરી પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું, "હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે આપણા પક્ષમાં છે."

શ્રી ગોયલે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસોમાં વાણિજ્ય વિભાગ અને ડીપીઆઈઆઈટી (DPIIT) આગેવાની લેશે, અને તેની સાથે તમામ સંબંધિત મંત્રાલયો જોડાયેલા રહેશે. તેમણે કહ્યું કે ધીમે ધીમે, જોડાણો દ્વારા, તમામ મહત્વપૂર્ણ મંત્રાલયોને સામેલ કરવા જોઈએ, જેમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ શામેલ છે, જે ભારતની આ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અગાઉથી કાર્યરત એફટીએ અને અમલમાં આવી રહેલા એફટીએ અંગે, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ માટે એક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક લેવામાં આવ્યો છે. 15 જુલાઈથી ભારત-યુકે એફટીએ અમલી બનવા સાથે, મોરેશિયસ, ઓમાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને યુકે પહેલેથી જ કાર્યરત છે. ચાર દેશોનો સમાવેશ કરતું EFTA પણ અમલી બનશે, જ્યારે ન્યુઝીલેન્ડ ટૂંક સમયમાં અમલી બનશે, ત્યારબાદ યુરોપિયન યુનિયનના 27 દેશો આવશે.

તેમણે કહ્યું કે જેવું યુનાઇટેડ સ્ટેટ્સ ભારતને તેની સ્પર્ધાની સરખામણીમાં પ્રેફરેન્શિયલ રેટ આપવા માટે સક્ષમ બનશે, બીટીએ (BTA) ને અંતિમ રૂપ આપવામાં આવશે અને તેની વિગતવાર વિગતો જાહેર કરવામાં આવશે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતે તમામ નવ એફટીએમાં સારો સોદો કર્યો છે. તેમણે કહ્યું કે દરેક કરાર બંને પક્ષો માટે વિન-વિન (લાભદાયી) છે, જ્યારે ખેડૂતો, માછીમારો, એમએસએમઈ અને કામદારો માટે સંવેદનશીલ ક્ષેત્રો તેમજ ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, પ્રોસેસ્ડ એગ્રી-ફૂડ્સ અને કૃષિ ઉત્પાદનો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સહિત દરેક સંવેદનશીલ ક્ષેત્રને સારો સોદો આપવામાં આવ્યો છે જેના પર ભારત ગર્વ કરી શકે છે.

તેમણે કહ્યું કે આ કરારો પ્રગાઢ હિસ્સેદારોના જોડાણ અને સલાહ-સૂચન દ્વારા સારી રીતે વાટાઘાટો કરીને કરવામાં આવ્યા છે, જેમાં સંવેદનશીલ ક્ષેત્રોને નોંધપાત્ર સુરક્ષા અને ભારતના રસ અને શક્તિના ક્ષેત્રોમાં નિકાસ કરવાની ક્ષમતા છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતે ચાલુ વર્ષ માટે $1 ટ્રિલિયનનો નિકાસ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે લગભગ 16% ની વૃદ્ધિ દર્શાવે છે.

તેમણે કહ્યું કે ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન નિકાસ લગભગ $317 બિલિયન પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના એપ્રિલ-જુલાઈ દરમિયાન $280 બિલિયન હતી, જે પ્રથમ ચાર મહિનામાં જ $36-37 બિલિયનનો વધારો દર્શાવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જેમ જેમ દેશ નાતાલની નજીક આવે છે તેમ તેમ નિકાસમાં સામાન્ય રીતે ઝડપ આવે છે અને જાન્યુઆરીથી માર્ચ સુધીના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં પીક (મહત્તમ) પર પહોંચે છે. તેમણે કહ્યું કે વર્તમાન ટ્રેન્ડ એ એક સારો સંકેત છે અને વૃદ્ધિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ઓગસ્ટના અત્યાર સુધી ઉપલબ્ધ આંકડાઓનો સંદર્ભ આપતા શ્રી ગોયલે કહ્યું કે ભારત યોગ્ય માર્ગ પર હોય તેવું લાગે છે. સામૂહિક પ્રયાસો અને વધુ તકો ખુલવાની સાથે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ તકો દરેક જિલ્લા અને વર્તમાન તથા ભવિષ્યની ક્ષમતા ધરાવતા દરેક ક્ષેત્ર સુધી પહોંચશે.

તેમણે કહ્યું કે ભારત તેની ઉત્પાદન બાસ્કેટનો વિસ્તાર કરશે, નવા નિકાસકારોને પ્રોત્સાહિત કરશે, નાના નિકાસકારોને મોટા નિકાસકાર બનવામાં મદદ કરશે અને મોટા નિકાસકારોને પણ શક્ય તેટલી દરેક રીતે ટેકો આપશે.

શ્રી ગોયલે એક્સપોર્ટ પ્રમોશન મિશન માટે સમર્થન માગ્યું હતું અને કાર્યશાળા દરમિયાન નવીન અને સ્માર્ટ વિચારો માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે નિયમનકારી મંજૂરીઓ, એસપીએસ (SPS) અને ટીબીટી (TBT) મંજૂરીઓ અને પહાડી વિસ્તારો અથવા ઉત્તર-પૂર્વમાંથી નિકાસ માટે નૂર વળતર, જેમાં કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ શામેલ છે, જ્યાં તેમની કેટલીક મુશ્કેલીઓને દૂર કરવા માટે ટેકાની જરૂર હોય તેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સરકાર વિચારો અને સૂચનો માટે ખુલ્લી છે.

તેમણે કહ્યું કે જ્યાં પણ હોર્મુઝની સામુદ્રધુની સમસ્યા સર્જે છે, ત્યાં ખાસ કરીને નાના નિકાસકારોને ટેકો આપવાના માર્ગો શોધવા જોઈએ.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં, હવેથી ચાર વર્ષ પછી, ભારતે ઘણા વર્ષો પહેલા નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવાની આકાંક્ષા રાખવી જોઈએ. તેમણે સ્વીકાર્યું કે ભારતે કોવિડ, બે યુદ્ધો અને ઘણી સવલોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેમણે કહ્યું કે પ્રયાસો કેન્દ્રિત રહેવા જોઈએ અને ભારતે $2 ટ્રિલિયનના લક્ષ્યાંકને છોડવો જોઈએ નહીં.

તેમણે કહ્યું કે જો લક્ષ્યાંક મોટો હશે તો પ્રદર્શન પણ સારું રહેશે. જો નાની-મોટી ખામીઓ હોય તો પણ પરિણામ $2 ટ્રિલિયનની જેટલું શક્ય હોય તેટલું નજીક હોવું જોઈએ. તેમણે કહ્યું કે $1.2 ટ્રિલિયન અથવા $1.3 ટ્રિલિયનનો લક્ષ્યાંક નિર્ધારિત કરવો અને તેને પ્રાપ્ત કરવો એ દેશની સેવા કરવા, લાખો લોકોને રોજગારી પૂરી પાડવા અને નવા ઉદ્યોગસાહસિકો બનાવવા માટે પૂરતો રહેશે નહીં.

શ્રી ગોયલે કચેરીઓના કો-લોકેશન માટે પણ આહ્વાન કર્યું હતું, જેમાં નોંધ્યું હતું કે આ કચેરીઓ રાજ્યોમાં છે અને તેમણે ભવિષ્યમાં રાજ્ય સ્તરે ટેકો પૂરો પાડવાની જરૂર પડશે. તેમણે કહ્યું કે આ ગતિ અને ઉત્સાહને જાળવી રાખવાની જરૂર છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, મરીન, કૃષિ, રત્નો અને આભૂષણો અને લેધર સહિતના દરેક ક્ષેત્રમાં તકો અસ્તિત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે આ યાદી અનંત છે.

તેમણે સેવાઓના ક્ષેત્રમાં ક્ષેત્રો ખુલવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નાણાંનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે દરેક દેશ ચંદ્ર પર જઈ રહ્યો છે.

શ્રી ગોયલે ટેકનિકલ ધોરણો અને સેનિટરી તથા એસપીએસ ધોરણોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત એવી કોઈ પણ વસ્તુ માટે માધ્યમ ન બનવું જોઈએ જે નૈતિક ન હોય અને વિશ્વનું વિશ્વસનીય ભાગીદાર બનવું જ જોઈએ.

તેમણે કહ્યું કે ભારતે સાચું મૂલ્ય ઉમેરવું પડશે અને કન્ટ્રી-ઓફ-ઓરિજિન (મૂળ દેશ) પ્રમાણપત્રનું મૂલ્ય હોવું જોઈએ.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નિકાસકારોને આગામી 100 ભવ્ય (BHAVYA) પાર્ક માટે પ્રાથમિકતાના ધોરણે ટેકો આપવામાં આવશે. ઉચ્ચ સ્તરની પ્રતિબદ્ધતા દર્શાવનારાઓને ફાળવણી માટે નિકાસકારોને છૂટછાટો આપવામાં આવશે. પ્લગ-એન્ડ-પ્લે કામગીરી માટે નિકાસકારોને જોઈતી સુવિધાઓ લાવવામાં આવશે. એક્સપોર્ટ પ્રમોશન મિશન અથવા ઔદ્યોગિક પાર્ક દ્વારા હાલના ક્લસ્ટરોને પણ ટેકો આપવામાં આવશે.

શ્રી ગોયલે ગયા મહિને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનને ટાંક્યું હતું, જેમાં સાહસોને એ સુનિશ્ચિત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું કે તમામ ક્ષેત્રોના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને માત્ર પહોંચી વળવાને બદલે તેનાથી આગળ વધે.

તેમણે કહ્યું કે આ આગળ વધવાનો માર્ગ છે અને દેશે આ પ્રયાસને મિશન મોડમાં આગળ ધપાવવો પડશે.

પોતાના સંબોધનનું સમાપન કરતા શ્રી ગોયલે કેટલાક સૂચનો આપ્યા હતા.

પ્રથમ, દરેક રાજ્યએ એવા ઉત્પાદનો અને ક્લસ્ટરોની ઓળખ કરવી જોઈએ જ્યાં એફટીએથી વ્યવસાયોને ફાયદો થઈ રહ્યો છે અને જ્યાં લાભોનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી સરકાર આંકલન કરી શકે કે શું ટેકો પૂરો પાડી શકાય છે.

બીજું, પ્રથમ વાર નિકાસ કરનારા અને નવા ઉત્પાદનોની ઓળખ થવી જોઈએ. તેમણે કહ્યું કે ઈ-કોમર્સ એમએસએમઈ અને પ્રથમ વાર નિકાસ કરનારાઓને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશવા માટે ઓછી અડચણ ધરાવતો માર્ગ પ્રદાન કરે છે અને ઈ-કોમર્સને મોટા પાયે નિકાસ શરૂ કરવા પ્રોત્સાહિત કરવા માટે ફેરફારો કરવામાં આવ્યા છે.

ત્રીજું, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EPCs) વચ્ચેનું સંકલન મજબૂત થવું જોઈએ અને EPCs એ તેમના ઉદ્યોગ સુધી પહોંચવું જોઈએ. શ્રી ગોયલે કહ્યું કે તેઓ ચિંતિત છે કે EPCs અને ઉદ્યોગ વચ્ચેનું જોડાણ પિરામિડના તળિયા સુધી, છેવાડાના માઇલ સુધી અને ફ્રન્ટલાઇન નિકાસકાર સુધી પહોંચતું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે EPCs નિકાસકારો અને ઉદ્યોગ સુધી તેમના સંદેશાઓ કેટલા પહોંચાડી રહ્યા છે.

તેમણે કહ્યું કે ઉદ્યોગ મંડળોએ પણ આ જ રીતે છેવાડાના વ્યક્તિ અને નાનામાં નાના એકમ સુધી પહોંચવું પડશે. સરકાર, મંડળો અને EPCs વચ્ચેનું સંકલન મજબૂત થવું જોઈએ, જેમાં યોગ્ય બજારોમાં યોગ્ય ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોમાં દેશના વિવિધ ભાગોમાંથી અને દરેક જિલ્લામાંથી વધુ ને વધુ લોકોને લઈ જવા જોઈએ. ખાસ કરીને ક્ષેત્રીય પ્રતિનિધિમંડળો વધારવા જોઈએ.

ચોથું, ઉદ્યોગ મંડળોએ પોતાના માટે લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જોઈએ, જ્યારે EPCs એ વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જોઈએ, તેમના સભ્યો અને એમએસએમઈ સુધી સ્થાનિક ભાષાઓમાં અને સરળતાથી સમજી શકાય તેવી સામગ્રી દ્વારા માહિતી પહોંચાડવી જોઈએ, વધુ સભ્યો નોંધવા જોઈએ અને સરકાર તથા નિકાસકારો વચ્ચેના જોડાણમાં ટેકાનું કેન્દ્રબિંદુ અને સાચી ધાર બનવું જોઈએ.

છેલ્લે, શ્રી ગોયલે જણાવ્યું હતું કે વિભાગે ક્ષેત્ર- અથવા ક્લસ્ટર-વાર કાર્યશાળાઓ અને જિલ્લા અથવા રાજ્ય સ્તરે સંપર્ક સત્ર સાથેની સુવિધા મિકેનિઝમ સ્થાપિત કરવી જોઈએ. ટેકા માટે સંપર્ક કરતા નિકાસકારો માટે પ્રતિભાવનો સમય ખૂબ ઝડપી હોવો જોઈએ, જ્યાં શક્ય હોય ત્યાં ત્વરિત અને દરેક કિસ્સામાં ઓનલાઈન હોવો જોઈએ, જેથી દરેક વખતે પ્રવાસ કરવાની જરૂર ન પડે.

શ્રી ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાથે મળીને કામ કરવાથી જમીની સ્તરે લાખો રોજગારીનું સર્જન થશે, દેશ માટે કરોડો ડોલરનું વિદેશી હૂંડિયામણ કમાઈ શકાશે અને ભવિષ્યની પેઢીઓને ખૂબ મોટા પાયે નિકાસ વ્યવસાયમાં પ્રવેશવા માટે પ્રેરણા મળશે.

તેમણે કહ્યું કે ભારત આજે અમૃત કાલમાં એક વિકસશીલ રાષ્ટ્રમાંથી 2047 સુધીમાં $30 ટ્રિલિયનની આર્થિક છાપ સાથે વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

પોતાના સંબોધનમાં, વાણિજ્ય વિભાગના સચિવ શ્રી રાજેશ અગ્રવાલે કાર્યશાળાના મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો, EPCs, ઉદ્યોગ સંસ્થાઓ સહિત તમામ હિસ્સેદારોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રેકઆઉટ સત્રો તમામ રાજ્યોને તેમના ઉદ્યોગો માટે વિવિધ ક્ષેત્રોમાં ઉભરી આવતી ચોક્કસ તકો વિશે માહિતી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

આ સંબોધનોએ નિકાસ પ્રોત્સાહન માટે સરકારની સતત, રાજ્ય-ભાગીદારીવાળા અભિગમ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી અને આગામી વર્ષોમાં એફટીએ ઉપયોગિતાને મજબૂત બનાવવા માટે વિભાગનો રોડમેપ દર્શાવ્યો.

એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) અને ડિસ્ટ્રિક્ટ્સ એઝ એક્સપોર્ટ હબ્સ (DEH) પહેલ પરના વિશિષ્ટ સંબોધનમાં રેખાંકિત કરવામાં આવ્યું હતું કે મિશન એવા સ્તંભો પર નિર્મિત છે જે નિકાસ ધિરાણ સુધી સરળ પહોંચ, સરળ અને ડિજિટાઇઝ્ડ પાલન, અને રૂલ્સ-ઓફ-ઓરિજિન પ્રમાણપત્ર સહિત એફટીએ દસ્તાવેજીકરણ માટે પ્રત્યક્ષ ટેકો પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ મિશન પ્રાદેશિક સત્તાધિકારીઓની જાગરૂકતા મજબૂત કરે છે અને માહિતીની ખાધ પૂરે છે જેની પ્રથમ પેઢીના અને એમએસએમઈ નિકાસકારોને સૌથી વધુ જરૂર હોય છે.

આઈટીપીઓ (ITPO) ના ચેરમેન શ્રી જાવેદ અશરફ દ્વારા એક વિશિષ્ટ સંબોધનમાં ભારતીય નિકાસકારો માટે બજાર જોડાણો મજબૂત કરવા પર આવરી લેવામાં આવ્યું હતું. તેમણે નિકાસ પ્રોત્સાહન માટે સહયોગી કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય નિકાસકારોને ટેકો આપવામાં આઈટીપીઓ જે પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહ્યું છે તેને પણ રેખાંકિત કરી હતી.

અન્ય એક પ્રેઝન્ટેશન ભારતના તાજેતરના એફટીએથી ઉદ્ભવતી બજાર તકો પર કેન્દ્રિત હતું. નિકાસ સુવિધામાં જમીની અનુભવને આધારે રાજસ્થાન રાજ્ય દ્વારા એફટીએનો લાભ લેવા અંગે રાજ્ય-સ્તરનો પરિપ્રેક્ષ્ય પણ રજૂ કરવામાં આવ્યો હતો.

બપોરના સત્રમાં છ સમાંતર, રાજ્ય-કેન્દ્રિત બ્રેકઆઉટ જૂથોનો સમાવેશ થતો હતો, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રાદેશિક રીતે સંગઠિત હતા અને દરેક સત્રની સહ-અધ્યક્ષતા વાણિજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી અને હાજર વરિષ્ઠતમ રાજ્ય અધિકારી દ્વારા કરવામાં આવી હતી. દરેક જૂથમાં ચર્ચાઓ ચોક્કસ નિકાસ ક્લસ્ટરો અને ઉત્પાદનોની ઓળખ કરવા, એફટીએ લાભોનો ઉપયોગ કરવામાં નિકાસકારો સામનો કરી રહ્યા હોય તેવી વ્યવહારુ મર્યાદાઓ અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી ફોલો-અપ સપોર્ટ પર કેન્દ્રિત હતી. દરેક બ્રેકઆઉટ ગ્રુપના મુખ્ય એક્શન પોઈન્ટ્સ સમાપન સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આભાર વિધિ કરવામાં આવી હતી.

આ કાર્યશાળા નિકાસ પ્રોત્સાહન પર કેન્દ્ર-રાજ્ય સંકલનને મજબૂત કરવા અને ભારતના મુક્ત વેપાર કરારોના લાભો દેશભરના જિલ્લા અને ક્લસ્ટર સ્તરે ઉત્પાદકો અને નિકાસકારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વાણિજ્ય વિભાગના સતત પ્રયાસનો એક ભાગ છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2306367) મુલાકાતી સંખ્યા : 11