ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને LBSNAA, મસુરી ખાતે 2024 બેચના IAS ઓફિસર ટ્રેઇનીઓને સંબોધિત કર્યા
નાગરિક સેવકો વિકસિત ભારત @ 2047ના વિઝનને વાસ્તવિકતામાં બદલવા માટે એક મહત્વપૂર્ણ કડી છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ IAS અધિકારીઓને ટીમ ઉત્કૃષ્ટતા, સત્યનિષ્ઠા અને નાગરિક-કેન્દ્રિત સુશાસનને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો
"સેવા ભાવ અને કર્તવ્ય બોધને તમારો માર્ગદર્શક મંત્ર બનાવો": ઉપરાષ્ટ્રપતિ
"સાચું નેતૃત્વ શક્તિ કે પદ દ્વારા માપવામાં આવતું નથી, પરંતુ નૈતિક રીતે કાર્ય કરવાની ક્ષમતા દ્વારા માપવામાં આવે છે": ઉપરાષ્ટ્રપતિ
ભવિષ્ય માટે સજ્જ નાગરિક સેવાઓ માટે ટેકનોલોજી, સતત શીખવાની પ્રક્રિયા અને અનુકૂલનક્ષમતા આવશ્યક છે: ઉપરાષ્ટ્રપતિ
પોસ્ટેડ ઓન:
20 AUG 2026 2:28PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસુરી ખાતે 2024 બેચના IAS ઓફિસર ટ્રેઇનીઓના ફેઝ-II તાલીમના સમાપન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ઓફિસર ટ્રેઇનીઓને અભિનંદન આપતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિવિલ સેવાઓએ દેશના વિકાસમાં અપાર યોગદાન આપ્યું છે અને તે નીતિ તથા તળિયાના સ્તરે તેના અમલીકરણ વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી બની રહી છે.
વિકસિત ભારત @ 2047 તરફની યાત્રાનો ઉલ્લેખ કરતાં શ્રી સી. પી. રાધાકૃષ્ણને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે અને સમાવેશી હોય. તેમણે અધિકારીઓને "સેવા ભાવ અને કર્તવ્ય બોધ" ને તેમનો માર્ગદર્શક મંત્ર બનાવવા આહ્વાન કર્યું હતું.
ટીમવર્ક પર ભાર મૂકતાં ઉપરાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને વ્યક્તિગત કે જૂથ ઉત્કૃષ્ટતાના બદલે ટીમ ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે મજબૂત ટીમો બનાવવાની, સહકર્મીઓને પ્રોત્સાહિત કરવાની અને તેમના પુરોગામીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સારી પદ્ધતિઓને આગળ ધપાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સિવિલ સેવાઓમાં મહિલાઓના વધતા જતા પ્રતિનિધિત્વ પર પ્રકાશ પાડતાં શ્રી સી. પી. રાધાકૃષ્ણને નોંધ્યું હતું કે 2024ની બેચના આશરે 41 ટકા ટ્રેઇનીઓ મહિલાઓ છે. તેમણે આ પ્રગતિને 'નારી શક્તિ' ના એક શક્તિશાળી પુરાવા તરીકે વર્ણવી હતી, જ્યાં પ્રતિભા રૂઢિચુસ્ત વિચારોથી ઉપર ઊઠે છે અને દ્રઢ નિશ્ચય અવરોધો પર વિજય મેળવે છે.
ઉપરાષ્ટ્રપતિએ કાર્યક્ષમતા, પારદર્શિતા અને નાગરિક સેવા વિતરણમાં સુધારો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, મશીન લર્નિંગ અને બ્લોકચેન સહિતની ઉભરતી ટેકનોલોજીને અપનાવવા અધિકારીઓને આહ્વાન કર્યું હતું. તેમણે સતત શીખવાની પ્રક્રિયા, અનુકૂલનક્ષમતા અને ભવિષ્ય માટે સજ્જ હોવા પર ભાર મૂક્યો હતો.
ચારિત્ર્ય અને સત્યનિષ્ઠા એ જાહેર સેવાના પાયા છે તે વાત પર ભાર મૂકતાં શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સાચું નેતૃત્વ સત્તા કે હોદ્દાથી નથી મપાતું, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નૈતિક રીતે કાર્ય કરવાની ક્ષમતાથી મપાય છે.
પોતાના સંબોધનનું સમાપન કરતાં ઉપપ્રમુખે અધિકારીઓને દેશના દૂરના વિસ્તારોમાં લોકોના જીવનમાં પરિવર્તન લાવીને અને દરેક ફરિયાદો સાંભળવામાં આવે તથા દરેક નાગરિક સક્ષમ બને તે સુનિશ્ચિત કરીને પોતાની સેવાને અર્થપૂર્ણ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ; ઉત્તરાખંડ સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા સૈનિક કલ્યાણ મંત્રી શ્રી ગણેશ જોશી; IGNFAના નિયામક ડૉ. બી. રાજેન્દર ઉપસ્થિત રહ્યા હતા.






SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2301505)
મુલાકાતી સંખ્યા : 12