કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી અર્જુન રામ મેઘવાળે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ ખાતે સુધારેલા 'ઇન્ડિયા કોડ પોર્ટલ'નું લોન્ચિંગ કર્યું


સુધારેલું પોર્ટલ કાયદાઓ સુધીની પહોંચને સરળ, ઝડપી અને વધુ નાગરિક-કેન્દ્રી બનાવશે

એઆઈ (AI)-સહાયિત શોધ, સેમન્ટીક અને સ્પીચ સર્ચ, સુધારેલું નેવિગેશન અને બહુભાષી પ્લેટફોર્મ મુખ્ય વિશેષતાઓમાં સામેલ

प्रविष्टि तिथि: 13 AUG 2026 8:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારો) શ્રી અર્જુન રામ મેઘવાળે આજે, 13 ઓગસ્ટ, 2026 ના રોજ, કર્તવ્ય ભવન 2, નવી દિલ્હી ખાતે ભારતના એટોર્ની જનરલ શ્રી આર. વેંકટરામણી, લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ અને લીગલ અફેર્સ ડિપાર્ટમેન્ટના સચિવ ડૉ. રાજીવ મણી, એડિશનલ સેક્રેટરી ડૉ. મનોજ કુમાર અને લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સુધારેલા (Revamped) ઇન્ડિયા કોડ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ડિરેક્ટર જનરલ શ્રી પ્રિયંક ભારતી, ઇન્ડિયા-એઆઈ (IndiaAI) મિશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી સુદીપ શ્રીવાસ્તવ અને NIC ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સુધારેલું આ પોર્ટલ સમકાલીન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાયદાઓ સુધીની પહોંચને વધુ સરળ, ઝડપી, વ્યાપક અને વધુ નાગરિક-કેન્દ્રી બનાવવાના સરકારના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

સભાને સંબોધતા શ્રી અર્જુન રામ મેઘવાળે બંધારણના મહત્વ પર અને કાયદાઓ તમામ હિતધારકો માટે સરળતાથી ઉપલબ્ધ, સમજી શકાય તેવા અને સુલભ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અવલોકન કર્યું હતું કે ઇન્ડિયા કોડ પોર્ટલ બંધારણ, કેન્દ્રીય કાયદાઓ (Central Acts), નિયમો અને અન્ય કાયદાકીય માહિતી માટે નાગરિક-સાનુકૂળ પહોંચ પૂરું પાડતું એક વિશ્વસનીય અને વ્યાપક મંચ તરીકે સેવા આપે છે. કાયદા સુધીની પહોંચને મજબૂત કરવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા, તેમણે પુનઃરચનાના ખ્યાલ, સંકલન અને દેખરેખ માટે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓના સમર્પિત પ્રયાસો તેમજ તેની તકનીકી કુશળતા અને વિકાસ સહયોગ માટે NIC ટીમની પ્રશંસા કરી હતી. શ્રી મેઘવાળે નોંધ્યું હતું કે આ સહયોગી પ્રયાસ કાયદાકીય માહિતીની સુલભતા, પારદર્શિતા અને નાગરિક-કેન્દ્રી પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે.

ભારતના એટોર્ની જનરલ શ્રી આર. વેંકટરામણીએ કાયદાઓ મેળવવાની ભૌતિક (Physical) થી ડિજિટલ પ્રક્રિયા તરફના પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો અને લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી અને નાગરિક-સાનુકૂળ વિશેષતા સાથે વિકસાવવામાં આવેલા સુધારેલા ઇન્ડિયા કોડ પોર્ટલની પ્રશંસા કરી હતી. તેમણે પોર્ટલને તકનીકી રીતે અદ્યતન રાખવા અને ઉભરતી જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવશીલ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ, અસરકારક અને ગુણવત્તાયુક્ત કાયદા ઘડતરમાં યોગદાન આપવાની કાયદાકીય અધિકારીઓની જવાબદારી પર પણ ભાર મૂક્યો હતો અને કાયદાઓ સુધી વ્યાપક અને અનુકૂળ પહોંચ સુનિશ્ચિત કરવાના મહત્વને રેખાંકિત કર્યું હતું. તેમણે સુધારેલા પોર્ટલને વિકસાવવામાં લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ અને તકનીકી ટીમના સમન્વયિત પ્રયાસોની પ્રશંસા કરી હતી, જે પારદર્શિતા અને કાયદાકીય માહિતી સુધી જાહેર પહોંચને વધુ મજબૂત કરશે.

લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ અને લીગલ અફેર્સ ડિપાર્ટમેન્ટના સચિવ ડૉ. રાજીવ મણીએ ઇન્ડિયા કોડ પોર્ટલના વિકાસ અને નાગરિકો, કાનૂની વ્યાવસાયિકો, સરકારી વિભાગો અને અન્ય હિતધારકો માટે અધિકૃત અને અદ્યતન કાયદાકીય માહિતી સરળતાથી સુલભ બનાવવાના પ્રયાસોની રૂપરેખા આપી હતી. કાયદાઓના પ્રસાર અને પહોંચને સુધારવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા, તેમણે સુધારેલા પોર્ટલની મુખ્ય વિશેષતાઓની રૂપરેખા આપી હતી, જેમાં તેનું વધુ યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને સુધારેલ સર્ચ, નેવિગેશન અને સુલભતાનો સમાવેશ થાય છે. તેમણે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સમન્વયિત પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુધારેલું પ્લેટફોર્મ વિશ્વસનીય કાયદાકીય માહિતી સુધી વ્યાપક અને સરળ જાહેર પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત કરશે.

લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી ડૉ. મનોજ કુમારે સુધારેલા ઇન્ડિયા કોડ પોર્ટલનો પરિચય આપ્યો હતો અને તેની મુખ્ય વિશેષતાઓ તથા તેના પરિવર્તન પાછળના વ્યાપક વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે અવલોકન કર્યું કે કાયદા સુધીની પહોંચ એ ન્યાય સુધી પહોંચવાનું પ્રથમ પગલું છે અને કાયદાઓ માત્ર ઉપલબ્ધ હોવા પૂરતા નથી, પરંતુ તે શોધવા, નેવિગેટ કરવા, સમજવા અને ઉપયોગ કરવા માટે સરળ હોવા જોઈએ. તેમણે રેખાંકિત કર્યું હતું કે આ સુધારેલું પોર્ટલ ઇન્ડિયા કોડને માત્ર કાયદાકીય દસ્તાવેજોના સંગ્રહસ્થાનથી આગળ વધારીને કાયદા માટે એક સુલભ, પરસ્પર જોડાયેલા અને નાગરિક-કેન્દ્રી ડિજિટલ ગેટવે બનાવવા માગે છે. આમાં સુધારેલી શોધ અને નેવિગેશન, કાયદાઓ અને ગૌણ કાયદાઓ વચ્ચેના જોડાણો, ઇ-ગેઝેટ (e-Gazette) ઇકોસિસ્ટમ સાથે સંકલન, AI-સહાયિત અને સેમન્ટીક સર્ચ, વોઇસ-સક્ષમ (speech-enabled) પહોંચ અને બહુભાષી ક્ષમતાઓ શામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજીએ કાયદા અને નાગરિક વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ અને કાયદાકીય માહિતીને વધુ શોધી શકાય તેવી, આંતર-ઓપરેટેબલ અને ઉપયોગી બનાવવી જોઈએ, જેથી પારદર્શિતા, કાનૂની જાગરૂકતા અને નાગરિક-કેન્દ્રી શાસનને મજબૂત કરી શકાય.

ઇન્ડિયા કોડ પોર્ટલ કેન્દ્રીય કાયદાઓ અને તેના ગૌણ કાયદાઓ, રાજ્યના કાયદાઓ અને તેના ગૌણ કાયદાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના કાયદાઓ અને નિયમોનું એકીકૃત ડિજિટલ સંગ્રહસ્થાન પૂરું પાડે છે. સુધારેલું પોર્ટલ નાગરિકો, કાનૂની વ્યાવસાયિકો, સંશોધકો, ન્યાયતંત્ર અને સરકાર જે રીતે કાયદાકીય માહિતી શોધી, નેવિગેટ કરી અને મેળવી શકે છે તેમાં સુધારેલી અને બુદ્ધિશાળી સર્ચ ક્ષમતાઓ, AI-સહાયિત સર્ચ અને ક્રિયાપ્રતિક્રિયા, સેમન્ટીક અને વોઇસ-આધારિત સર્ચ, કાયદાઓમાં સરળ નેવિગેશન, સુધારા અને કાયદાકીય ઇતિહાસ સુધી પહોંચ, સંબંધિત ગૌણ કાયદા સાથે કાયદાઓનું જોડાણ, ઇ-ગેઝેટ ઇકોસિસ્ટમ સાથે સંકલન, સુધારેલ દસ્તાવેજ વિઝ્યુલાઇઝેશન, QR-સક્ષમ પહોંચ અને સંરચિત નાગરિક-પ્રતિસાદ (feedback) પદ્ધતિ દ્વારા નોંધપાત્ર સુધારો કરે છે. તે બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ 22 ભાષાઓમાં કાયદાઓ સુધી AI-સહાયિત બહુભાષી પહોંચ પણ સક્ષમ કરવા માગે છે, જેનાથી સમગ્ર ભારતમાં કાયદા સુધીની પહોંચ વધુ વ્યાપક, સરળ અને નાગરિક-કેન્દ્રી બનશે.

આ તકનીકી સુધારણા ઇન્ડિયા કોડને માત્ર કાયદાના ઓનલાઈન સંગ્રહસ્થાનમાંથી એક ડિજિટલ ગેટવેમાં રૂપાંતરિત કરવા માગે છે, જેને વધુને વધુ પરસ્પર જોડાયેલા અને નાગરિક-સાનુકૂળ કાનૂની માહિતી માળખા દ્વારા સમર્થન પ્રાપ્ત છે.

આ પહેલ કાયદા સુધી પહોંચવાની સરળતા, પારદર્શિતા, વ્યાપક નાગરિક ભાગીદારી અને કાનૂની તથા સાર્વજનિક સેવાઓની સુધારેલી ડિલિવરી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના વ્યાપક ઉદ્દેશ્ય સાથે સુસંગત છે.

સુધારેલું ઇન્ડિયા કોડ પોર્ટલ ભારત માટે એક વિશ્વસનીય અને તકનીકી રીતે સક્ષમ કાનૂની માહિતી ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જ્યાં કાયદાઓ વધુને વધુ શોધી શકાય તેવા, સુલભ, પરસ્પર જોડાયેલા અને નાગરિકોને તેમની સહુથી અનુકૂળ ભાષા અને સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે.

SM/JD


(रिलीज़ आईडी: 2299233) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी