સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

TRAIએ યુટિલિટીઝ, કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે 1601-સિરીઝના તબક્કાવાર અમલીકરણની શરૂઆત કરી

પોસ્ટેડ ઓન: 10 AUG 2026 4:28PM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઈન્સ્યોરન્સ (BFSI) ક્ષેત્ર અને સરકારી સંસ્થાઓ સિવાયના ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે 1601 સિરીઝના નંબરના ઉપયોગ અંગે નિર્દેશ જારી કર્યો છે, જ્યારે BFSI ક્ષેત્ર અને સરકારી સંસ્થાઓ અગાઉ જારી કરાયેલ 1600 સિરીઝના નંબરનો ઉપયોગ કરે છે. BFSI ક્ષેત્ર અને સરકારની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સંચારના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને, અન્ય ક્ષેત્રોના સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સ સાથે મહત્વપૂર્ણ નાણાકીય વોઈસ કોલ્સના મિશ્રણને ટાળવા માટે BFSI અને સરકાર સિવાયના ક્ષેત્રો માટે આ અલગ સિરીઝ જારી કરવામાં આવી છે.

BFSI ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે 1600-સિરીઝના નંબરોને વ્યાપકપણે અપનાવ્યા પછી, જેણે અન્ય ક્ષેત્રોમાં પણ વિશ્વસનીય નંબરિંગ ફ્રેમવર્કને વિસ્તૃત કરવા માટે મૂલ્યવાન અનુભવ પૂરો પાડ્યો છે, ટ્રાઈ (TRAI) એ હવે BFSI ક્ષેત્ર અને સરકાર સિવાયના ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા આવા જ કોલ્સ માટે દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ફાળવવામાં આવેલી 1601-સિરીઝનું તબક્કાવાર અમલીકરણ શરૂ કર્યું છે. હિતધારકો સાથેના પરામર્શના આધારે, ફેઝ-I હેઠળ યુટિલિટીઝ, કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોની સંસ્થાઓને આવરી લઈને આ સિરીઝનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1601-સિરીઝના નંબરો ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા યોગ્ય ચકાસણી પછી પાત્ર સંસ્થાઓને સીધા જ ફાળવવામાં આવશે, મધ્યસ્થીઓ કે એગ્રીગેટર્સને નહીં. તેથી, તેમનું અમલીકરણ એવા ઠગ લોકો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી (impersonation) સામે લડવામાં એક મહત્વપૂર્ણ સાધન બનવાની અપેક્ષા છે જેઓ સામાન્ય 10-અંકના નંબરનો ઉપયોગ કરે છે અને કાયદેસરના વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરવાનો ખોટો દાવો કરે છે. તદુપરાંત, અલગ નંબરિંગ ઓળખ ગ્રાહકોને કાયદેસરના સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સને સરળતાથી ઓળખવા માટે સક્ષમ બનાવશે, જેનાથી આવા વોઈસ-આધારિત સંચારમાં વિશ્વાસ મજબૂત થશે.

નિર્દેશની મુખ્ય જોગવાઈઓ

A. ફેઝ-I ક્ષેત્રો: 1601-સિરીઝ શરૂઆતમાં નીચેના ક્ષેત્રોની પાત્ર સંસ્થાઓને ફાળવવામાં આવશે: i. યુટિલિટીઝ - વીજ વિતરણ કંપનીઓ, વોટર યુટિલિટીઝ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ, એલપીજી વિતરણ સંસ્થાઓ અને આવી અન્ય યુટિલિટી સેવા પ્રદાતાઓ. ii. લોજિસ્ટિક્સ અને કુરિયર સેવાઓ - કુરિયર કંપનીઓ, એક્સપ્રેસ લોજિસ્ટિક્સ કંપનીઓ, પાર્સલ ડિલિવરી સેવા પ્રદાતાઓ, કન્સાઇનમેન્ટની ડિલિવરીમાં રોકાયેલા ફ્રેઇટ અને લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ.

B. સમયબદ્ધ ઓનબોર્ડિંગ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) ને ઓર્ડર જારી કર્યાની તારીખથી 90 દિવસની અંદર ફેઝ-I હેઠળ આવરી લેવાયેલી પાત્ર સંસ્થાઓનું સ્થળાંતર (migration) અને ઓનબોર્ડિંગ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

C. ચકાસણી અને વિશિષ્ટ ઉપયોગ TSPs 1601-સિરીઝના નંબર સોંપતા પહેલા સંસ્થાઓની પાત્રતા ચકાસશે, અને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ વોઈસ કોલ્સ માટે આ નંબરના વિશિષ્ટ ઉપયોગ અંગે તેમની પાસેથી બાંહેધરી મેળવશે. આ નંબરનો ઉપયોગ કોઈપણ સંસ્થા દ્વારા  વોઈસ કોલ્સ માટે કરવામાં આવશે નહીં.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2297223) મુલાકાતી સંખ્યા : 62