કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
હૈદરાબાદમાં બીજી BRICS ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ
સચિવ રચના શાહે ફરાર અપરાધીઓનો સામનો કરવા અને ગેરકાયદેસર સંપત્તિ રિકવર કરવા માટે મજબૂત BRICS સહયોગનું આહ્વાન કર્યું
प्रविष्टि तिथि:
04 AUG 2026 2:02PM by PIB Ahmedabad
બે દિવસીય બીજી BRICS ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ (ACWG) ની બેઠક આજે હૈદરાબાદમાં શરૂ થઈ. 4 અને 5 ઓગસ્ટ, 2026ના રોજ યોજાઈ રહેલી આ બેઠકમાં એસેટ રિકવરી પર BRICS નિષ્ણાત નેટવર્કની બીજી બેઠકનો પણ સમાવેશ થાય છે.
ભારત સરકારના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના સચિવ શ્રીમતી રચના શાહ હૈદરાબાદ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ હતા.
પ્રતિનિધિઓને સંબોધતા, સચિવ રચના શાહે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ટકાઉ અને સમાવેશી વિકાસમાં એક મોટો અવરોધ બની રહ્યો છે. તેમણે નોંધ્યું કે તે હોસ્પિટલો, શાળાઓ અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી દુર્લભ જાહેર સંસાધનોને દૂર કરે છે અને જાહેર જનતાના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ દેશ ભ્રષ્ટાચારના પડકારથી મુક્ત નથી અને કોઈ પણ દેશ એકલો તેનો સામનો કરી શકતો નથી. તેમણે ગેરકાયદેસર નાણાકીય પ્રવાહને રોકવા, જાહેર સંસાધનોનું રક્ષણ કરવા અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી માળખાને મજબૂત કરવા માટે સામુહિક, સંકલિત અને સતત આંતરરાષ્ટ્રીય સહયોગનું આહ્વાન કર્યું હતું.
સચિવ રચના શાહે જણાવ્યું હતું કે બીજી BRICS ACWG બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સત્યનિષ્ઠા, જવાબદારી, આંતરરાષ્ટ્રીય સહયોગ અને નવીનતાને મજબૂત બનાવવાનું અતિ મહત્વનું બની ગયું છે. તેમણે કહ્યું કે BRICS એ સરહદ પારના ભ્રષ્ટાચારનો સામનો કરવા માટેના તેના સહિયારા જનાદેશને વ્યાવહારિક સહયોગ અને મૂર્ત પરિણામોમાં પરિવર્તિત કરવો જોઈએ.
ભાગેડુ આર્થિક અપરાધીઓ દ્વારા ઊભા થતા પડકાર પર પ્રકાશ પાડતા, સચિવે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે કોઈ પણ અધિકારક્ષેત્ર ગુનામાંથી લાભ મેળવનારાઓ માટે આશ્રયસ્થાન ન બને. તેમણે ફરાર અપરાધીઓની શોધ કરવા, પ્રત્યાર્પણને સમર્થન આપવા, ચોરાયેલી સંપત્તિ રિકવર કરવા અને અપરાધીઓ તેમજ ગેરકાયદેસર ભંડોળની સરહદ પારની અવરજવરને સક્ષમ કરતી ખામીઓને બંધ કરવા માટે વધુ મજબૂત સહયોગ માટે આહ્વાન કર્યું હતું.
તેમણે ભ્રષ્ટાચાર માટે માંગવામાં આવેલા ભાગેડુ અપરાધીઓની શોધ કરવા અને પ્રત્યાર્પણને સમર્થન આપવા માટે અનૌપચારિક સહયોગ પરના BRICS રેપોઝિટરી પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું. તેમણે BRICS દેશો વચ્ચે ભ્રષ્ટાચાર માટે માંગવામાં આવેલા ભાગોડુ અપરાધીઓ અને પ્રત્યાર્પણને સમર્થન આપવા અંગે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે લો એન્ફોર્સમેન્ટ પ્રેક્ટિશનર્સના BRICS નેટવર્ક પરની ચર્ચાનું પણ સ્વાગત કર્યું, અને સભ્યોને નક્કર પરિણામો તરફ કામ કરવા વિનંતી કરી.
સચિવે એસેટ રિકવરી પરના BRICS નિષ્ણાત નેટવર્કને કાર્યરત કરવાનું વધુ સ્વાગત કર્યું. તેમણે નોંધ્યું કે માહિતીના અનૌપચારિક આદાનપ્રદાન માટેનું પ્રમાણભૂત ટેમ્પલેટ, સ્થાનિક ફોકલ પોઈન્ટ્સ અને પ્રેક્ટિશનરોની ડિરેક્ટરી સાથે મળીને, કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે વધુ ઝડપી, વધુ પ્રત્યક્ષ અને વધુ અસરકારક સહયોગની સુવિધા આપશે.
નિવારક સતર્કતા અને ટેકનોલોજી આધારિત સુશાસન પર ભાર મુકતા, સચિવ રચના શાહે જણાવ્યું હતું કે ટેકનોલોજી એ વિકસતા ભ્રષ્ટાચારના જોખમોના ઉકેલનો એક આવશ્યક ભાગ છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઓળખ, ઇલેક્ટ્રોનિક સેવા વિતરણ, ડિજિટલ ચૂકવણી અને પારદર્શક ખરીદી પ્રણાલીઓ લીકેજ ઘટાડી શકે છે, વિવેકાધીન સત્તાઓ પર અંકુશ લગાવી શકે છે અને જાહેર સમીક્ષાને મજબૂત બનાવી શકે છે.
તેમણે ટેકનોલોજી-સંચાલિત સુધારાઓના ઉદાહરણો તરીકે દેશના રાષ્ટ્રીય જાહેર ખરીદી પોર્ટલ 'ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ' (GeM) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) કાર્યક્રમ પર પ્રકાશ પાડ્યો. તેમણે કરવેરા અને અન્ય સાર્વજનિક પ્રક્રિયાઓની ફેસલેસ અને પેપરલેસ સિસ્ટમ્સ, ટેકનોલોજી-સક્ષમ વિજિલન્સ, ડેટા-ડ્રિવન મોનિટરિંગ અને મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓનો પણ ઉલ્લેખ કર્યો.
સચિવે જણાવ્યું હતું કે ઇનોવેશન અને ટેક-ડ્રિવન સિસ્ટમ્સ દ્વારા નૈતિક સુશાસન પરની સાઇડ ઇવેન્ટ સભ્યોને સ્કેલેબલ વિજિલન્સ પદ્ધતિઓ, ટેકનોલોજી-સક્ષમ ઉકેલો અને નિવારક દેખરેખ પદ્ધતિઓ પરના અનુભવોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.
બે દિવસીય કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર માટે માંગવામાં આવેલા ભાગેડુ અપરાધીઓની શોધ કરવા અને પ્રત્યાર્પણને સમર્થન આપવા માટે અનૌપચારિક સહયોગ પરના BRICS રેપોઝિટરી, લો એન્ફોર્સમેન્ટ પ્રેક્ટિશનર્સના BRICS નેટવર્ક, અને એસેટ રિકવરી પર BRICS નિષ્ણાત નેટવર્કની બીજી બેઠક પર વિચાર-વિમર્શનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ઇનોવેશન અને ટેક-ડ્રિવન સિસ્ટમ્સ દ્વારા નૈતિક સુશાસન પરની એક સાઇડ ઇવેન્ટ, અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી (FinTech) અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDAs) માંથી ઉભરતા જોખમો: ભ્રષ્ટાચારની કમાણીને છુપાવવામાં અને મની લોન્ડરિંગમાં તેમના દુરુપયોગને રોકવા પરના એક સત્રનો પણ સમાવેશ થાય છે.
અગાઉ, તેમની પ્રારંભિક ટિપ્પણીઓમાં, BRICS ACWG ના ચેરમેન શ્રી જે. અશોક કુમારે પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું અને તેમના સતત જોડાણ, રચનાત્મક યોગદાન અને સહયોગી ભાવના બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં થયેલી પ્રગતિ સતત સંવાદના મૂલ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી સહયોગને મજબૂત કરવા માટે BRICS દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
શ્રી કુમારે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાનનું કાર્ય હયાત પદ્ધતિઓ સાથે કોઈ પુનરાવર્તન (ડુપ્લિકેશન) ન થાય તે સુનિશ્ચિત કરવાની સાથે BRICS દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે વ્યાવહારિક સાધનો અને પદ્ધતિઓ વિકસાવવા પર કેન્દ્રિત રહ્યું છે.


SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2294225)
आगंतुक पटल : 16