સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
નશા મુક્ત ભારત અભિયાનની 6ઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે 18 ઓગસ્ટ 2026ના રોજ નશીલા પદાર્થોના દુરુપયોગ વિરુદ્ધ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા લેવાશે
12 કરોડથી વધુ નાગરિકો દેશવ્યાપી પ્રતિજ્ઞા લે તેવી શક્યતા
प्रविष्टि तिथि:
10 JUL 2026 5:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે નશા મુક્ત ભારત અભિયાન (NMBA)ની 6ઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે 18 ઓગસ્ટ 2026ના રોજ નશીલા પદાર્થોના દુરુપયોગ વિરુદ્ધ દેશવ્યાપી રાષ્ટ્રીય સામૂહિક પ્રતિજ્ઞા (નેશનલ માસ પ્લેજ) લેવાની જાહેરાત કરી છે. મંત્રાલયનો ઉદ્દેશ્ય પ્રત્યક્ષ અને ઓનલાઈન બંને માધ્યમો દ્વારા 12 કરોડથી વધુ નાગરિકોને એકત્ર કરવાનો છે, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રતિજ્ઞાનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે.
અમલીકરણની વ્યૂહરચના આખરી કરવા માટે રાષ્ટ્રીય પાટનગરમાં સંયુક્ત સચિવ (ડ્રગ પ્રિવેન્શન) ડૉ. સંદીપ રેવાજી રાઠોડની અધ્યક્ષતામાં વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નશા મુક્ત ભારત અભિયાનના ઉદ્દેશ્યોને અનુરૂપ ભૌતિક અને ઓનલાઈન મોડ દ્વારા દેશવ્યાપી પ્રતિજ્ઞામાં લક્ષિત સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની યોજના અને વ્યાપક વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં દેશવ્યાપી પ્રતિજ્ઞા માટે અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્વયંસેવકો અને અન્ય હિતધારકોને એકત્ર કરવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રેલવે, સંરક્ષણ, પોલીસ, સીએપીએફ (CAPF), આયુષ (AYUSH), ગ્રામીણ વિકાસ, મહેસૂલ ઉપરાંત સામાજિક, સ્વૈચ્છિક, આધ્યાત્મિક સંસ્થાઓ અને સોશિયલ ઈન્ફ્લુએન્સર્સ સહિતના સંબંધિત મંત્રાલયો અને વિભાગો હેઠળની તમામ સંલગ્ન કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) અને ફિલ્ડ ફોર્મેશનમાં પ્રતિજ્ઞા સમારોહનું આયોજન કરવા અંગે ચર્ચા થઈ હતી.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ સાથે સંકલન માટે નોડલ અધિકારીઓની નિમણૂક અને ભાગીદારીની વિગતો તથા આઉટરીચ સબમિટ કરવા માટે યુનિફોર્મ રિપોર્ટિંગ મિકેનિઝમ (સમાન રિપોર્ટિંગ પદ્ધતિ) અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના અને સંકલિત વ્યૂહરચના પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સંબંધિત વિભાગો અને મંત્રાલયોના તમામ પ્રતિનિધિઓ દ્વારા સક્રિય ચર્ચા-વિચારણા જોવા મળી હતી.
NMBA પ્રતિજ્ઞા એ નશાની લતના ભોગ બનેલા લોકો સુધી પહોંચવા માટે સ્વયંસેવક બનવાની એક પહેલ છે. આ પ્રતિજ્ઞાનો હેતુ લોકોને નશાથી દૂર રહેવા માટે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને તેમનામાં જવાબદારીની ભાવના કેળવવાનો છે, તેમજ એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવા માટે હિતધારકોને પ્રોત્સાહિત કરવા એકતા અને પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રતિજ્ઞા નશા મુક્ત સમાજના નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે યુવાનોને વધુ સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે.
બેઠકમાં હેલ્પલાઇન—14446 દ્વારા નશામુક્તિને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવાના મજબૂત સંદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા 'નશા મુક્તિ મિત્ર' તરીકે નોંધણી કરાવીને નાગરિકોમાં સ્વયંસેવક તરીકે કામ કરવાની વિકસતી ભાવના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે દેશમાં નશાની માંગનો સામનો કરવા માટે 15 ઓગસ્ટ 2020 ના રોજ નશા મુક્ત ભારત અભિયાન (NMBA) શરૂ કર્યું હતું. સામૂહિક પ્રવૃત્તિની તાતી જરૂરિયાતને સ્વીકારીને, મંત્રાલય નિવારણ, મૂલ્યાંકન, સારવાર, પુનર્વસન, આફ્ટરકેર, જાહેર માહિતી પ્રસાર અને સામુદાયિક જાગૃતિ સહિતની વિવિધ પહેલોનું સંકલન કરે છે.
ભારતમાં નશાની લત લાંબા સમયથી એક શાંત કટોકટી રહી છે જે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને અસર કરે છે, તેથી NMBA એ શરૂઆતમાં 272 સંવેદનશીલ જિલ્લાઓને લક્ષ્યાંક બનાવ્યા હતા. આજની તારીખે, NMBA દેશભરમાં વિસ્તર્યું છે અને 29.26 કરોડથી વધુ વ્યક્તિઓ સુધી પહોંચ્યું છે, જેમાં 11.17 કરોડથી વધુ યુવાનો, 7.90 કરોડ મહિલાઓ સામેલ છે. આ સાથે જ 28.30 લાખ લોકોની સારવાર અને પુનર્વસન કરવામાં આવ્યું છે, જ્યારે દેશભરની 21.34 લાખ શૈક્ષણિક સંસ્થાઓમાં આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે અને આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ રાષ્ટ્ર નિર્માણની એક મુખ્ય પહેલ છે જે સ્વસ્થ અને શિસ્તબદ્ધ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે NMBA એ નાર્કોટિક્સ બ્યુરો જેવી નિયામક એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા સરકાર, પોલીસ, એનજીઓ (NGOs), હોસ્પિટલો વગેરેને ભારતને નશા મુક્ત બનાવવા માટે સંકલિત રીતે સાથે મળીને કામ કરવા માટે એક મંચ પર લાવ્યા છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ માદક દ્રવ્યોના દુરુપયોગ પ્રત્યે પુરાવા-આધારિત અભિગમને વધારવા માટેનું એક ફ્લેગશિપ (મુખ્ય) અભિયાન છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો અભિગમ યુવાનોને જોડવા માટે સમકાલીન છે અને ભારતને માદક દ્રવ્યોના દુરુપયોગથી મુક્ત કરવાના સામાન્ય ધ્યેય માટે તમામ હિતધારકો દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના સંકલન માટે વ્યાપક છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માએ જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ નશા મુક્ત ભારત હાંસલ કરવા પર કેન્દ્રિત એક રાષ્ટ્રીય પહેલ છે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, યુવા ક્લબો અને મહિલા જૂથો પર વિશેષ ભાર મૂકીને યુવાનો, મહિલાઓ અને સમુદાયના સભ્યોને સક્રિયપણે જોડે છે. તેમણે કહ્યું કે આ ઝુંબેશનો હેતુ માદક દ્રવ્યોના દુરુપયોગના જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો અને દરેક નાગરિક સુધી પહોંચવાનો છે. શ્રી વર્માએ ઉમેર્યું હતું કે વહેલા નિવારણ અને સામુદાયિક જોડાણ દ્વારા, આ આંદોલન માદક દ્રવ્યોના દુરુપયોગને નાબૂદ કરવા માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કરીને તંદુરસ્ત અને સુખી સમાજનું નિર્માણ કરવા મથે છે.
SM/JD
(रिलीज़ आईडी: 2283416)
आगंतुक पटल : 10