લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી
કેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
06 JUL 2026 5:56PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં સંસદ સભ્યોની આગેવાની કરીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ; કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન; કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજૂ; કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન; રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ; સંસદ સભ્યો, પૂર્વ સંસદ સભ્યો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્તપલ કુમાર સિંહ; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદી અને અન્ય મહાનુભાવોએ પણ ડૉ. મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી એક પ્રતિષ્ઠિત સંસદસભ્ય, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, જાણીતા રાજનેતા અને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના પ્રખર સમર્થક હતા. 6 જુલાઈ 1901ના રોજ જન્મેલા, તેમણે જાહેર જીવન, શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે કલકત્તા યુનિવર્સિટીના સૌથી નાની વયના વાઇસ ચાન્સેલર (કુલપતિ) તરીકે સેવા આપી હતી અને પાછળથી ભારતના રાજકીય અને સંસદીય જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ડૉ. મુખર્જી પ્રથમ લોકસભાના સભ્ય હતા અને તેમની વક્તૃત્વ શૈલી, બૌદ્ધિક ઊંડાણ અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા. સંસદીય ચર્ચાઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓમાં તેમના યોગદાનને કારણે તેમને તેમના સમયના સૌથી પ્રતિષ્ઠિત સંસદસભ્યોમાંના એક તરીકે ઓળખ મળી હતી. તેઓ રાષ્ટ્રીય એકતા અને જનસેવા પ્રત્યેના તેમના અડગ સમર્પણ માટે યાદ કરવામાં આવે છે.
સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું પેઇન્ટિંગ શ્રી એન. એસ. સુબ્બાકૃષ્ણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું અનાવરણ 31 મે 1991ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન દ્વારા કરવામાં આવ્યું હતું.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2281817)
आगंतुक पटल : 6