કૃષિ મંત્રાલય
તોતાપુરી કેરીના ઘટતા ભાવો પર ત્વરિત પગલાં; સમગ્ર વેલ્યુ ચેઈનની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આંધ્રપ્રદેશના કેરી ઉત્પાદકોની આવક વધારવા માટે મિશન શરૂ કર્યું; ICAR ની નિષ્ણાત ટીમ સ્થળ પર આકારણી કરશે
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આંધ્રના કેરી ક્ષેત્રને મજબૂત કરવા વ્યાપક યોજના શરૂ કરતાં ICAR ની ટીમને સક્રિય કરવામાં આવી
કેન્દ્રે આંધ્રપ્રદેશના તોતાપુરી કેરીના ખેડૂતો માટે ટકાઉ ઉકેલો વિકસાવવા ICAR ના નિષ્ણાતોને તૈનાત કર્યા
प्रविष्टि तिथि:
03 JUL 2026 4:09PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં તોતાપુરી કેરી પકવતા ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોની તપાસ કરવા અને આ ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસ માટે યોગ્ય પગલાંની ભલામણ કરવા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) હેઠળ એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય કેન્દ્રીય મંત્રીની તાજેતરની આંધ્રપ્રદેશ મુલાકાત બાદ લેવામાં આવ્યો છે, જે દરમિયાન તેમણે તોતાપુરી કેરીના ઉત્પાદકો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ખેડૂતોએ મંત્રીને માહિતી આપી હતી કે તોતાપુરી કેરીની જાત, જે પ્રોસેસિંગ (પ્રક્રિયા) ઉદ્યોગ માટે વ્યાપકપણે વાવવામાં આવે છે, તેના ભાવોમાં તાજેતરના મહિનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે ભાવોમાં સતત થઈ રહેલા ઘટાડાએ તેમની આવક પર પ્રતિકૂળ અસર કરી છે અને રાજ્યના કેરી ઉત્પાદક ખેડૂતોમાં મોટો નાણાંકીય તણાવ ઊભો કર્યો છે.
આ બાબતની તાત્કાલિક સંજ્ઞાન લેતા, શ્રી ચૌહાણે તોતાપુરી કેરી ક્ષેત્રનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિકો અને સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓની બનેલી એક નિષ્ણાત સમિતિની રચના કરવા ICAR ને નિર્દેશ આપ્યો હતો. ખેડૂતોના વળતરમાં સુધારો કરવા અને ટકાઉ ધોરણે આ ક્ષેત્રને મજબૂત કરવા માટે ખેતી અને પ્રોસેસિંગથી લઈને માર્કેટિંગ, સ્થાનિક વેપાર અને નિકાસ સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન (મૂલ્ય શૃંખલા) ની તપાસ કરવાની અને યોગ્ય હસ્તક્ષેપોની ભલામણ કરવાની જવાબદારી સમિતિને સોંપવામાં આવી છે.
ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર (CISH), લખનૌ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ ઓર્ડર અનુસાર, આ સમિતિના અધ્યક્ષ ડૉ. ટી. દામોદરન, ડાયરેક્ટર, ICAR-CISH, લખનૌ રહેશે. સમિતિના અન્ય સભ્યોમાં ડૉ. એમ. શંકરન, વડા, ફ્રુટ ક્રોપ્સ ડિવિઝન, ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ, બેંગલુરુ; ડૉ. એચ. એસ. સિંગ, પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ, ICAR-CISH, લખનૌ; ડૉ. ડી. શ્રીનિવાસ રેડ્ડી, પ્રોફેસર, કોલેજ ઓફ હોર્ટિકલ્ચર, અનંતરાજુપેટા, ડૉ. YSR હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટી, આંધ્રપ્રદેશ; અને હોર્ટિકલ્ચર ડાયરેક્ટર, આંધ્રપ્રદેશ સરકાર અથવા તેમના નોમિની (પ્રતિનિધિ) નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીએ સમિતિને આગામી 10 દિવસમાં આંધ્રપ્રદેશના મુખ્ય તોતાપુરી કેરી ઉત્પાદક પ્રદેશોની સ્થળ મુલાકાત કરવાનો નિર્દેશ આપ્યો છે. મુલાકાત દરમિયાન, સમિતિ પ્રવર્તમાન પરિસ્થિતિની વ્યાપક સમજ મેળવવા માટે ખેડૂતો, પ્રોસેસિંગ ઉદ્યોગના પ્રતિનિધિઓ, નિકાસકારો, રાજ્યના બાગાયત વિભાગના અધિકારીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે.
સમિતિ તોતાપુરી કેરીની ખેતીની વર્તમાન સ્થિતિ, ઉત્પાદન ખર્ચ, ખેડૂતોની આવક, પ્રોસેસિંગ ક્ષમતા અને તેનો ઉપયોગ, માંગ-પુરવઠાની ગતિશીલતા અને સ્થાનિક તેમજ નિકાસ બજારોમાં તાજેતરમાં ભાવોમાં થયેલા ઘટાડા માટે જવાબદાર પરિબળોની તપાસ કરશે. તે વેલ્યુ ચેઈનના વિવિધ તબક્કાઓને અસર કરતા પડકારોનું પણ મૂલ્યાંકન કરશે અને કાર્યક્ષમતા, સ્પર્ધાત્મકતા અને બજારની પહોંચ સુધારવાની તકો ઓળખશે. સ્થળ પરના અવલોકનો, હિતધરાકોની પરામર્શ અને વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે, સમિતિ પુરાવા-આધારિત નીતિ વિષયક હસ્તક્ષેપોને સરળ બનાવવા માટે ભાવોમાં ઘટાડા માટે જવાબદાર પરિબળોનું વિગતવાર મૂલ્યાંકન તૈયાર કરશે.
સ્થળ પરનો અભ્યાસ પૂર્ણ થયા પછી, સમિતિ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીને એક વ્યાપક અહેવાલ સુપરત કરશે. આ અહેવાલમાં ભાવોના સ્થિરીકરણ, મૂલ્યવર્ધનને પ્રોત્સાહન, પ્રોસેસિંગ અને નિકાસ ક્ષમતાઓમાં વધારો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, પ્રોસેસર્સ અને નિકાસકારો વચ્ચે સંકલન મજબૂત કરવા માટેના પગલાં અને તોતાપુરી કેરી ક્ષેત્રના લાંબા ગાળાના અને ટકાઉ વિકાસ માટે જરૂરી નીતિ વિષયક હસ્તક્ષેપો અંગેની ભલામણો શામેલ હોવાની અપેક્ષા છે. આ ભલામણો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંકલિત પગલાં લેવા માટેનો આધાર બનશે.
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે તોતાપુરી કેરી પકવતા ખેડૂતોની આવક અને આજીવિકાનું રક્ષણ કરવું એ સરકારની અગ્રતા છે. તેમણે જણાવ્યું હતું કે કેરી ઉત્પાદકોને ટકાઉ ટેકો આપવા, વેલ્યુ ચેઈનને મજબૂત કરવા અને આ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, નિકાસ, રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે સમિતિની ભલામણોના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2280764)
आगंतुक पटल : 16