ગ્રામીણ વિકાસ મંત્રાલય
28-29 જૂનના રોજ દિલ્હીમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ યોજાશે
શિવરાજ સિંહ ચૌહાણ 'વિકસિત ગ્રામ, વિકસિત ભારત' પર રાષ્ટ્રીય કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે
રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ અગ્રણી (ફ્લેગશિપ) યોજનાઓની સમીક્ષા કરશે, ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામીણ પરિવર્તનના સહિયારા વિઝન માટે કેન્દ્ર અને રાજ્યો એકજૂથ થશે
આવાસ, રસ્તા, આજીવિકા, લખપતિ દીદી અને એઆઈ (AI) રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ એજન્ડાને વેગ આપશે
प्रविष्टि तिथि:
26 JUN 2026 6:55PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 ની અધ્યક્ષતા કરશે, જે આગામી 28-29 જૂનના રોજ ભારત રત્ન સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ, પુસા, નવી દિલ્હી ખાતે યોજાવાની છે. આ બે દિવસીય પરિષદ સમગ્ર ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસ પર વિચાર-વિમર્શ કરવા, મુખ્ય ફ્લેગશિપ કાર્યક્રમોની સમીક્ષા કરવા અને ગ્રામીણ ભારત માટે ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નિષ્ણાતોને એક મંચ પર લાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતમાં સર્વસમાવેશી, ટકાઉ અને પરિવર્તનકારી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વ્યાપક રાષ્ટ્રીય વિચાર-વિમર્શ હાથ ધરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં, આ પ્રકારની આ પ્રથમ મોટા પાયાની રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ હશે, જે ગામડાઓના વિકાસ માટે સહિયારી વ્યુહરચના વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્યોને સાથે લાવશે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ પરિષદ 'વિકસિત ગ્રામ, વિકસિત ભારત' ના વિઝનને વાસ્તવિકતામાં બદલવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી રહી છે. આ ચર્ચાઓ VB-GRAMG એક્ટ, 2025 ના અસરકારક અમલીકરણ, ગ્રામ પંચાયત સ્તરે આયોજન પ્રક્રિયાઓને મજબૂત કરવા અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પરિષદ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગ્રામીણ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સહિતના મુખ્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમોના અમલીકરણ અને પ્રગતિની વ્યાપક સમીક્ષા કરશે.

તમામ રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ ભાગ લેશે
આ પરિષદની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓની ભાગીદારી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ અને વિવિધ ગ્રામીણ વિકાસ કાર્યક્રમો સાથે જોડાયેલા વિષય નિષ્ણાતો પણ આ વિચાર-વિમર્શમાં ભાગ લેશે. આ રાષ્ટ્રીય મંચ રાજ્યોના અનુભવો, નવતર પ્રયોગો (ઇનોવેશન્સ) અને પાયાના સ્તરના પડકારો પર ખુલ્લી ચર્ચાને સરળ બનાવશે, જેથી વધુ મજબૂત અને વ્યવહારુ નીતિગત હસ્તક્ષેપો તૈયાર કરી શકાય.

વિષયવાર સત્રો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસીસ) પર ધ્યાન
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ પરિષદમાં ગ્રામીણ આવાસ, રોડ કનેક્ટિવિટી, આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામાજિક સુરક્ષાને આવરી લેતા શ્રેણીબદ્ધ વિષયવાર (થેમેટિક) અને બ્રેકઆઉટ સત્રો યોજાશે. વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી સફળ પહેલો અને નવતર પદ્ધતિઓ પ્રદર્શિત કરવામાં આવશે જેથી કરીને સમગ્ર દેશમાં તેનું પુનરાવર્તન કરી શકાય. તેમણે કહ્યું કે 'લખપતિ દીદી' પહેલ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેમાં સ્વયં સહાય જૂથો (SHGs) દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણને મજબૂત કરવા, ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને રોજગારીની તકો વિસ્તૃત કરવા પર ચર્ચા કેન્દ્રિત રહેશે. આ પરિષદ ગ્રામીણ યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને બજાર જોડાણો (માર્કેટ લિંકેજીસ) વધારવા પર પણ વિચાર-વિમર્શ કરશે.
ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર
આ પરિષદ ગ્રામીણ વિકાસ કાર્યક્રમોમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને વિશેષ મહત્વ આપશે. કાર્યક્રમોના અમલીકરણની ગતિ અને અસરકારકતામાં સુધારો કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલોની સાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ, રિયલ-ટાઇમ મોનિટરિંગ, પારદર્શિતા અને જવાબદારી પર ચર્ચાઓ કેન્દ્રિત રહેશે.
ભવિષ્ય માટે રોડમેપ
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પરિષદના બીજા દિવસે, 29 જૂનના રોજ, ભવિષ્યની કાર્યયોજનાને આખરી ઓપ આપતા પહેલા તમામ રાજ્યો પાસેથી સૂચનો મેળવવા માટે પૂર્ણાહુતિ સત્રો (પ્લેનરી સેશન્સ) અને મંત્રી સ્તરની ચર્ચાઓ યોજવામાં આવશે. સમાપન સત્ર દરમિયાન, કેન્દ્રીય મંત્રી પરિષદના મુખ્ય પરિણામો રજૂ કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં ગામડાઓની મુખ્ય ભૂમિકાની રૂપરેખા આપશે.
ગ્રામીણ ભારત માટે નવી પ્રતિબદ્ધતાઓ અને કાર્યયોજના- કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિષદ માત્ર એક સમીક્ષા પ્રક્રિયા નથી પરંતુ ગ્રામીણ ભારત માટે નવી પ્રતિબદ્ધતાઓ અને નક્કર કાર્યયોજના તૈયાર કરવાની એક તક છે. આનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારની પ્રાથમિકતાઓને અનુરૂપ, દરેક ગામ દેશની વિકાસ યાત્રાનો અભિન્ન હિસ્સો બને તે સુનિશ્ચિત કરવાનો છે.

ગ્રામીણ વિકાસના મુખ્ય પ્રકાશનોનું અનાવરણ કરવામાં આવશે
આ પરિષદમાં જળ સુરક્ષા, ગ્રામ વિકાસ યોજનાઓ, મહિલા સશક્તિકરણ, ગ્રામીણ આજીવિકા અને પ્રેરણાદાયી સફળતાની વાર્તાઓ જેવા ક્ષેત્રોને આવરી લેતા ગ્રામીણ વિકાસ પરના અગ્રણી પ્રકાશનોની શ્રેણી પણ બહાર પાડવામાં આવશે. આ પ્રકાશનો વ્યવહારુ જ્ઞાનના સંસાધનો તરીકે સેવા આપવા માટેના આશયથી તૈયાર કરાયા છે, જે રાજ્યો અને ગ્રામ પંચાયતોને ગ્રામીણ વિકાસ પહેલોના વધુ અસરકારક આયોજન, અમલીકરણ અને શાસન (ગવર્નન્સ) માટે માર્ગદર્શન અને શ્રેષ્ઠ પદ્ધતિઓ પૂરી પાડશે.
SM/GP/JD
(रिलीज़ आईडी: 2278300)
आगंतुक पटल : 19