ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઋષિ-મુનિઓ જ ભારતના સાચા એકતાના શિલ્પી હતા: પુસ્તક ‘અગથિયાર – ધ યુનિફાયર’ ના વિમોચન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન


અગથિયાર ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતની એકતા એ કોઈ આધુનિક વિચાર નથી પરંતુ એક પ્રાચીન સભ્યતાની વાસ્તવિકતા છે: ઉપરાષ્ટ્રપતિ

તમિલ ભાષા દ્વારા ઘણા લોકો સમૃદ્ધ થયા છે, પરંતુ જેમણે તમિલ માટે કામ કર્યું છે તેઓને આજે હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે: ઉપરાષ્ટ્રપતિ

કોઈપણ તાકાત ભારતમાં ભાગલા પાડી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 15 JUN 2026 6:46PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં “અગથિયાર  – ધ યુનિફાયર” (Agatthiyar – The Unifier) પુસ્તકનું વિમોચન કર્યું હતું.

ભારતની સભ્યતાની એકતા વિશે વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય એકીકરણની ચર્ચાઓમાં અવારનવાર રાજાઓ અને રાજકીય સંસ્થાઓને યાદ કરવામાં આવે છે, પરંતુ ભારતની એકતાના સાચા શિલ્પીઓ દેશના સંતો, ઋષિઓ અને મુનિઓ હતા. તેમણે જણાવ્યું કે, આ મહાનુભાવોમાં મહર્ષિ અગથિયાર  (અગસ્ત્ય ઋષિ) ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના સૌથી મોટા પ્રતીકોમાંના એક તરીકે ઉભરી આવે છે.

તેમણે નોંધ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ભારત બંનેની પરંપરાઓમાં સમાન રીતે આદરણીય એવા મહર્ષિ અગથિયાર  હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી વિસ્તરેલી ભારતની એકતાનું પ્રતીક છે. તમિલનાડુની પોથિગાઈ ટેકરીઓ અને કાવેરી નદીનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, તેઓ આજે પણ મહર્ષિ અગથિયારની સ્મૃતિ જીવંત રાખે છે. તેમણે તમિલ વ્યાકરણ અને તમિલ સંગમ પરંપરાના વિકાસમાં અગથિયારના નોંધપાત્ર યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને તેમને ઉત્તર તેમજ દક્ષિણ ભારતીય સંસ્કૃતિઓ વચ્ચેના સેતુ તરીકે વર્ણવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, મહર્ષિ અગથિયારનો વારસો દર્શાવે છે કે ભારતની ભાષાઓ પરસ્પર હરીફ નથી પરંતુ ભગિની (બહેન) ભાષાઓ છે, જેણે સદીઓના સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરસ્પર આદર દ્વારા એકબીજાને સમૃદ્ધ બનાવી છે.

તમિલ ભાષાથી ઘણા લોકોને ફાયદો થયો હોવા છતાં, જેમણે પોતાનું જીવન તમિલના હિત માટે સમર્પિત કર્યું છે તેમને આજે યોગ્ય માન્યતા મળી રહી નથી તે અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણનને 'તમિલ થાથા' યુ. વી. સ્વામિનાથ અય્યરના યોગદાન અને બલિદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે સ્વામિનાથ અય્યરની તમિલ ભાષા પ્રત્યેની સેવા સામાન્ય જનતા સુધી યોગ્ય રીતે પહોંચી નથી અને તેમણે સ્વામિનાથ અય્યરને એવા વિદ્વાન તરીકે બિરદાવ્યા હતા જેમણે અમૂલ્ય તમિલ સાહિત્યિક ખજાનાને નાશ પામતા અને વિસ્મૃતિમાં જતા બચાવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ ટિપ્પણી કરી હતી કે, ભારતની એકતા એ કોઈ સમકાલીન (આધુનિક) રચના નથી પરંતુ ઋષિઓ અને પ્રબુદ્ધ વિચારકો દ્વારા હજારો વર્ષોથી પોષવામાં આવેલી એક પ્રાચીન સભ્યતાની વાસ્તવિકતા છે. તેમણે કહ્યું કે, મહર્ષિ અગથિયારનું જીવન અને તેમનો વારસો આ શાશ્વત સત્યની યાદ અપાવે છે.

દરેક ભાષા પોતાની આગવી શક્તિ ધરાવે છે તેમ નોંધતા શ્રી સી. પી. રાધાકૃષ્ણનને ચેતવણી આપી હતી કે, કેટલાક લોકો ભાષાકીય ભેદભાવને પ્રોત્સાહન આપે છે અને બિનજરૂરી વિવાદો તેમજ વિભાજનકારી વલણોને ઉત્તેજન આપે છે.

ભારતમાં કોઈ પણ શક્તિ વિભાજન પેદા કરી શકે નહીં તેમ ભારપૂર્વક જણાવતા, તેમણે યુવાનોમાં ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વારસા વિશે હકારાત્મક સમજ કેળવાય તેવી ચર્ચાઓ કરવા હાકલ કરી હતી.

તેમણે એ પણ નોંધ્યું હતું કે તમિલનાડુમાં સો કરતાં વધુ મંદિરો મહર્ષિ અગથિયારને સમર્પિત છે જે 'અગત્યેશ્વરર મંદિરો' તરીકે ઓળખાય છે. કાશી અને તમિલનાડુ બંને જગ્યાએ સમાન નામના મંદિરોનું અસ્તિત્વ હોવું એ ભારતની સાંસ્કૃતિક એકતાની સાબિતી છે.

બ્રિટિશ શાસન વિના ભારત એક થઈ શક્યું ન હોત તેવા વિચારને ઉપરાષ્ટ્રપતિએ નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાએ હંમેશા તેના લોકોને વિવિધ પ્રદેશો અને પેઢીઓથી એક તાંતણે બાંધી રાખ્યા છે.

પુસ્તકના લેખકોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તેમણે સંશોધન દ્વારા ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પ્રદેશોમાં મહર્ષિ અગથિયાર  સાથે સંબંધિત પરંપરાઓ, વાર્તાઓ અને સંદર્ભોની વ્યાપક ઉપસ્થિતિને ખૂબ જ ઝીણવટપૂર્વક દસ્તાવેજીબદ્ધ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પુસ્તક અગથિયાર ની મહાનતા અને ભારતની સાંસ્કૃતિક એકતાનો સંદેશ વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ કાર્ય સાબિત થશે.

ઉપરાષ્ટ્રપતિએ આ પુસ્તક પ્રકાશિત કરવા બદલ 'કલાઈમગલ' (Kalaimagal) સામયિકની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલાઈમગલ 95 વર્ષથી વધુ સમયથી શ્રેષ્ઠ સેવા આપી રહ્યું છે, જે ભાવી પેઢીઓ માટે તમિલ સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાનું જતન અને સંવર્ધન કરે છે. તેમણે યાદ કર્યું કે અનેક તમિલ વિદ્વાનો, ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો અને રાષ્ટ્રીય નેતાઓએ પોતાના લખાણો દ્વારા આ સામયિકની ગુણવત્તા અને વિશ્વસનીયતાને સમૃદ્ધ બનાવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલ આંબેકર; કલાઈમગલ સામયિકના તંત્રી શ્રી કીલમ્બુર શંકરા સુબ્રમણિયન; વરિષ્ઠ લેખક અને પત્રકાર શ્રી માલન; પુસ્તકના લેખકો શ્રી ઓ. શ્યામા ભટ અને ડૉ. એમ. એન. સુધા; તેમજ આ પુસ્તકનો તમિલમાં અનુવાદ કરનાર પ્રોફેસર કલ્યાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2273220) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam