નીતિ આયોગ
નીતિ આયોગ દ્વારા ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પરસ્પર સંવાદ યોજાયો
તમામ 8 ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો
प्रविष्टि तिथि:
12 JUN 2026 5:52PM by PIB Ahmedabad
નીતિ આયોગે આજે ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક પરસ્પર સંવાદ યોજ્યો હતો. તમામ 8 રાજ્યો - અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના પ્રતિનિધિઓએ આમાં ભાગ લીધો હતો અને વિકાસની પ્રાથમિકતાઓ, નવીનતાઓ તેમજ પડકારો પર ચર્ચા-વિચારણા કરી હતી. નીતિ આયોગના વાઇસ ચેરપર્સન શ્રી અશોક લાહિરી, નીતિ આયોગના સભ્યો અને નીતિ આયોગના સીઈઓ (CEO) દ્વારા યોજાયેલા આ સંવાદમાં ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ચર્ચા-વિચારણા રચનાત્મક અને પરિણામલક્ષી રહી હતી.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ હાઇલાઇટ કર્યું હતું કે ઉત્તર પૂર્વ એક મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને વિકાસના મુખ્ય એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. તેમણે રાજ્યની અપાર સંભાવનાઓ, ખાસ કરીને જળઊર્જા (હાઇડ્રોપાવર) પર તેમજ તેના માનવ સંસાધનોની કુશળતા અને ક્ષમતા નિર્માણને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી રહેલી નવીન શાસન પહલો જેવી કે 'સરકાર આપકે દ્વાર', 'સેવા આપકે દ્વાર' અને 'કેબિનેટ આપકે દ્વાર' પણ શેર કરી હતી, જેનો ઉદ્દેશ્ય કાર્યક્ષમ સેવા વિતરણ અને જાહેર ફરિયાદોનું ઝડપી નિવારણ સુનિશ્ચિત કરવાનો છે.
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ અભિપ્રાય આપ્યો હતો કે પ્રાદેશિક અસમાનતાઓને ટાળવા અને સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વિકાસ સંતુલિત હોવો જોઈએ. તેમણે આસામ-નાગાલેન્ડ સરહદી વિસ્તારોમાં ખનિજ તેલની કામગીરી સુવિધાજનક બનાવવા માટે ભારત સરકાર, આસામ અને નાગાલેન્ડ વચ્ચે ગઈકાલે હસ્તાક્ષર કરાયેલા ઐતિહાસિક ત્રિપક્ષીય એમઓયુ (MoU) ની પ્રશંસા કરી હતી અને તેને સહકારી વિકાસના મોડેલ તરીકે હાઇલાઇટ કર્યું હતું. શ્રી સરમાએ એ પણ નોંધ્યું હતું કે સામાજિક વિકાસના સૂચકાંકોમાં નોંધપાત્ર પ્રગતિ કરવાની સાથે આસામ દેશમાં સૌથી ઝડપથી વિકસતું રાજ્ય બનીને ઉભર્યું છે. તેમણે આ પ્રગતિને ટકાવી રાખવા અને વેગ આપવા માટે પ્રાદેશિક જરૂરિયાતોને પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ સંવાદ દરમિયાન, મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે. સંગમાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક વિકાસ સાર્થક માનવ વિકાસમાં પરિવર્તિત થવો જોઈએ. તેમણે 'ટ્રાન્સફોર્મેશન જર્ની 2032' ના સ્વરૂપમાં મેઘાલયનું વિઝન શેર કર્યું હતું જેનો ઉદ્દેશ્ય વિકસિત મેઘાલયના લક્ષ્યને સાકાર કરવાનો છે. શ્રી સંગમાએ મહત્વપૂર્ણ અસ્કયામતોના સર્જન અને વિકાસને વેગ આપવા માટે બાહ્ય સહાયતા પ્રાપ્ત પ્રોજેક્ટ્સ (એક્સ્ટર્નલી એઇડેડ પ્રોજેક્ટ્સ) ની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પ્રદેશની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ નીતિઓની આવશ્યકતા પર ભાર મૂકવાની સાથે વેપાર, નિકાસ અને પર્યાવરણીય ટકાઉપણુંના ક્ષેત્રોમાં ઉત્તર પૂર્વીય રાજ્યો વચ્ચે વધુ સહયોગની હિમાયત કરી હતી.
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ તેમના સંબોધનમાં રાજ્યની અપાર પ્રવાસન ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો અને સ્વ-સહાય જૂથો (સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ) અને સ્થાનિક સમુદાયો દ્વારા સંચાલિત તેના સફળ સમુદાય-આધારિત પ્રવાસન મોડેલને શેર કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં મિઝોરમમાં પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. તેમણે 'મિઝોરમ આદુ મિશન' (Mizoram Ginger Mission) માટે પણ સમર્થન માંગ્યું હતું અને ઉત્તર પૂર્વીય રાજ્યો દ્વારા અવારનવાર સામનો કરવામાં આવતા પાત્રતાના પડકારોને ઉકેલવા માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં વધુ સુગમતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોએ રાજ્યની વિકાસની ગતિને જાળવી રાખવા માટે 15મા નાણાં પંચ દ્વારા પૂરા પાડવામાં આવતા સમર્થનને ચાલુ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર, તેલ અને ગેસ સંશોધન અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી રિયોએ નાગાલેન્ડ કોફી જેવી પ્રોડક્ટ્સ માટે બહેતર પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉન્નત વૈશ્વિક બજાર પહોંચની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સહકારી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરતા, તેમણે વિકસિત ભારતના સહિયારા વિઝનને હાંસલ કરવા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
મણિપુરના મુખ્યમંત્રી શ્રી વાય. ખેમચંદ સિંહે રાજ્યમાં પુનર્વસન અને પુનઃસ્થાપન પગલાં સાથે સંકળાયેલા ચાલુ પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પુનઃનિર્માણ અને આવાસ પહલોના સમયસર અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે મજબૂત મોનિટરિંગ પ્રણાલીના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને પ્રભાવિત સમુદાયોને ટેકો આપવા તેમજ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત રેખાંકિત કરી હતી.
સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગે રાજ્યના વિકાસને આગળ ધપાવવામાં પ્રવાસન, કનેક્ટિવિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. તેમણે સમગ્ર પ્રદેશમાં સુલભતા અને આર્થિક તકો વધારવા માટે વ્યાવસાયિક રીતે વ્યવહાર્ય હવાઈ કનેક્ટિવિટી અને સુધારેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી તમાંગે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, રોકાણો આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે 'નોર્થ ઈસ્ટ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સ્કીમ' (NEIDS) ચાલુ રાખવાની પણ માંગ કરી હતી. તેમણે ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાની સાથે ઉત્તર પૂર્વીય પ્રદેશની અનન્ય વસ્તી વિષયક અને પર્યાવરણીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતા નીતિગત માળખાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યની ભૌગોલિક મર્યાદાઓ, વ્યાપક આંતરરાષ્ટ્રીય સરહદ અને કૌશલ્યની ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો, અને આર્થિક વિકાસ તેમજ રોકાણને વેગ આપવા માટે લક્ષિત હસ્તક્ષેપોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અવલોકન કર્યું કે સંકલિત ચેક પોસ્ટ્સ, રેલવે સેવાઓ અને હવાઈ કનેક્ટિવિટી સહિત વેપાર અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. ડૉ. સાહાએ વાંસ, રબર, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, રમતગમત અને પ્રવાસન જેવા ક્ષેત્રોની સંભાવનાઓ પર પણ ભાર મૂક્યો હતો અને કૌશલ્ય વિકાસ, નવીનતા, મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) અને નિકાસ પ્રોત્સાહન માટે વધુ સમર્થનની માંગ કરી હતી. તેમણે આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો, જ્યારે એ પણ નોંધ્યું હતું કે ત્રિપુરા તેના 'વિકસિત ત્રિપુરા' વિઝન દસ્તાવેજ તૈયાર કરનારા રાજ્યોમાં સામેલ છે.
આ ચર્ચા કૃષિ, ગ્રામીણ વિકાસ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, પ્રવાસન, આજીવિકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા ક્ષેત્રોમાં સફળ પહલો, નીતિગત નવીનતાઓ અને પ્રભાવશાળી વિકાસ યોજનાઓ શેર કરવા પર કેન્દ્રિત હતી.
તેમના સમાપન સંબોધનમાં, નીતિ આયોગના સભ્ય સુશ્રી જોરામ અનીયાએ દરેકનો ભાગ લેવા અને પોતપોતાના રાજ્યોની પ્રગતિ, સિદ્ધિઓ અને વિકાસલક્ષી પ્રાથમિકતાઓ શેર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે પરસ્પર સંવાદ દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને સૂચનોની નોંધ લીધી અને જણાવ્યું કે નીતિ આયોગ ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસને સુવિધાજનક બનાવવા માટે ભારત સરકારના સંબંધિત મંત્રાલયો અને વિભાગો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
SM/JD
(रिलीज़ आईडी: 2272284)
आगंतुक पटल : 9