સંસ્કૃતિ મંત્રાલય
ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્યોના પવિત્ર અવશેષો મોંગોલિયામાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા
ગંદાનતેગચેનલિંગ મઠ (Gandantegchenling Monastery) ખાતે “વેસેલ્સ ઓફ લાઇટ” પ્રદર્શન ખુલ્લું મુકાયું
પોસ્ટેડ ઓન:
31 MAY 2026 8:06PM by PIB Ahmedabad
ભારત-મોંગોલિયાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટનામાં, બુદ્ધ પૂર્ણિમા (વેસાક દિવસ) 2026 ના પાવન અવસરે, ભગવાન બુદ્ધના બે મુખ્ય શિષ્યો અર્હત સારીપુત્ર અને અર્હત મહામોગ્ગલ્લાનમના પવિત્ર અવશેષોને મોંગોલિયાના ઉલાનબાતારમાં ગંદાનતેગચેનલિંગ મઠ ખાતે ઔપચારિક રીતે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા.

ભારતથી 31st મે થી 10th જૂન 2026 સુધીના દસ દિવસીય પ્રદર્શન માટે લાવવામાં આવેલા પવિત્ર અવશેષોનું હજારો ભક્તો અને સંઘના સભ્યો દ્વારા ઊંડા આદર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન આસામના માનનીય રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, મોંગોલિયામાં ભારતના રાજદૂત શ્રી અતુલ મલ્હારી ગોત્સૂર્વે, મોંગોલિયા સરકારના વરિષ્ઠ મહાનુભાવો, પ્રતિષ્ઠિત બૌદ્ધ નેતાઓ, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC), શ્રીલંકાની મહાબોધિ સોસાયટી અને બૌદ્ધ જગતના પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનની જાહેરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓકટોબર 2025 માં મોંગોલિયાના રાષ્ટ્રપતિ શ્રી ઉખનાગિન ખુરેલસુખની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ પહેલ ભગવાન બુદ્ધના ઉપદેશોમાં રહેલા ભારત અને મોંગોલિયા વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને સભ્યતાના સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આ અવસરને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ પવિત્ર અવશેષો જ્ઞાનના જીવંત પ્રકાશને મૂર્ત સ્વરૂપ આપે છે, જે શાંતિ, કરુણા અને સંવાદિતાનો સાર્વત્રિક સંદેશ વહન કરે છે. તેમણે નોંધ્યું હતું કે સાંચીના પવિત્ર સ્તૂપોમાં સદીઓથી સુરક્ષિત રાખવામાં આવેલા અર્હત સારીપુત્ર અને અર્હત મહામોગ્ગલ્લાનમના અવશેષો ભારતની સૌથી કિંમતી સભ્યતાના વારસામાંના એક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોંગોલિયામાં તેમનું પ્રદર્શન એ બંને દેશો વચ્ચેના વિશ્વાસ, આદર અને મિત્રતાનો એક ગંભીર સંકેત છે.
ભારત-મોંગોલિયાની કાયમી ભાગીદારીનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ શ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના એ અવલોકનને યાદ કર્યું હતું કે ભારત અને મોંગોલિયા “આધ્યાત્મિક પડોશીઓ” છે જે સદીઓથી બૌદ્ધ ધર્મ દ્વારા જોડાયેલા છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે આ પ્રદર્શન એવા મહત્વપૂર્ણ સમયે યોજાઈ રહ્યું છે જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારી (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
આ અવસરે, મોંગોલિયામાં ભારતના રાજદૂત શ્રી.અતુલ મલ્હારી ગોત્સૂર્વે શાંતિ, સંવાદિતા, સામાજિક ન્યાય અને તાર્કિક વિચારસરણીના ભગવાન બુદ્ધના ઉપદેશોની કાયમી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભારત અને મોંગોલિયા, વ્યૂહાત્મક ભાગીદારો અને આધ્યાત્મિક ભાઈ-બહેનો તરીકે, પવિત્ર કંજૂર હસ્તપ્રતોની ભેટ, ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ, એશિયન બુદ્ધિસ્ટ સમિટ, બૌદ્ધ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન અને નાલંદા યુનિવર્સિટી તેમજ ગંદાનતેગચેનલિંગ મઠ વચ્ચે શૈક્ષણિક સહયોગ જેવી પહેલો દ્વારા બૌદ્ધ વારસાની જાળવણી અને તેને પ્રોત્સાહન આપવામાં સહયોગને વધુ ઊંડો બનાવી રહ્યા છે.
રાજદૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે અર્હત સારીપુત્ર અને અર્હત મહામોગ્ગલ્લાનમના અવશેષો અગાઉ માત્ર એક જ વાર વિદેશ પ્રવાસે ગયા છે, જે 2024 માં થાઈલેન્ડ ખાતે હતો, જેનાથી મોંગોલિયામાં આ પ્રદર્શન ખાસ કરીને મહત્વપૂર્ણ અવસર બને છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે આ અવશેષો, જેમને પ્રોટોકોલ અને સુરક્ષાની દ્રષ્ટિએ રાષ્ટ્રાધ્યક્ષ (હેડ ઓફ સ્ટેટ) નો દરજ્જો આપવામાં આવ્યો છે, તેઓ ઇન્ડિયન એર ફોર્સના ખાસ IL-76 (ગજરાજ) વિમાનમાં મોંગોલિયા પહોંચ્યા હતા.

ગંદાનતેગચેનલિંગ મઠના પરિસરમાં “વેસેલ્સ ઓફ લાઇટ: આઇકોનોગ્રાફી, રેલિક્સ એન્ડ પાથ ઓફ ધમ્મા – શાક્યમુનિ બુદ્ધાસ જર્ની થ્રુ મ્યુઝિયમ કલેક્શન્સ ઓફ ઇન્ડિયા” શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી દ્વારા ક્યુરેટ કરાયેલું આ પ્રદર્શન ભારતના મ્યુઝિયમ સંગ્રહોમાંથી પસંદ કરાયેલા અમૂલ્ય ખજાના દ્વારા ભગવાન બુદ્ધના જીવન, ઉપદેશો અને કલાત્મક રજૂઆતોનું સમૃદ્ધ દ્રશ્ય વર્ણન રજૂ કરે છે. આ પ્રદર્શન ભારતની સમૃદ્ધ બૌદ્ધ વિરાસત અને સમકાલીન સમયમાં તેની સતત પ્રાસંગિકતા પર પ્રકાશ પાડે છે.
આ પ્રદર્શન અને પ્રદર્શન પ્રક્રિયા (એક્સ્પોઝિશન) નું આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી, મધ્ય પ્રદેશ સરકાર, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC), શ્રીલંકાની મહાબોધિ સોસાયટી અને ગંદાનતેગચેનલિંગ મઠના સંયુક્ત પ્રયાસો તેમજ ભારત અને મોંગોલિયાની સરકારોના સમર્થનથી કરવામાં આવ્યું છે.
આ પવિત્ર અવશેષો સમગ્ર મોંગોલિયાના શ્રદ્ધાળુઓના દર્શનાર્થે 10 June 2026 સુધી જાહેર પ્રદર્શન માટે રહેશે. આ પ્રદર્શનમાં હજારો બૌદ્ધ અનુયાયીઓ અને મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે ભારત અને મોંગોલિયા વચ્ચેના સદીઓ જૂના આધ્યાત્મિક બંધનને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોના લોકોને જોડતા સહિયારા બૌદ્ધ વારસાની પુષ્ટિ કરશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2267333)
મુલાકાતી સંખ્યા : 14