યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

મેઘાલયમાં નેશનલ ગેમ્સ 2027 એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે: ડૉ. મનસુખ માંડવિયા; મેઘાલયમાં ₹150-કરોડના હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેનિંગ સેન્ટરની જાહેરાત કરવામાં આવી


અષ્ટલક્ષ્મી રાજ્યો 39મી નેશનલ ગેમ્સ માટે સજ્જ થયા: ડૉ. માંડવિયાએ તૈયારીઓની સમીક્ષા કરી, રમતગમતના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોત્સાહનનું અનાવરણ કર્યું

ભારતના રમતગમતના ઉત્થાનના કેન્દ્રમાં ઉત્તર પૂર્વ: માંડવિયાએ નેશનલ ગેમ્સની સજ્જતાની સમીક્ષા કરી, શિલોંગમાં મલ્ટિપર્પઝ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 30 MAY 2026 4:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે 2027 માં 39મી નેશનલ ગેમ્સ ની યજમાની માટે મેઘાલયની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, યુવા બાબતો અને રમતગમતના રાજ્ય મંત્રી રક્ષા ખડસે, IOA ના અધ્યક્ષ પી.ટી. ઉષા, મેઘાલયના રમતગમત મંત્રી વાઈલામિકી શિલા, આઠ ઉત્તર પૂર્વીય રાજ્યોના રમતગમતના અધિકારીઓ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન, ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, 39મી નેશનલ ગેમ્સ માત્ર એક અગ્રણી રમતગમતની ઇવેન્ટ તરીકે જ નહીં પરંતુ મેઘાલય અને સમગ્ર ઉત્તર પૂર્વીય ક્ષેત્રની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, વિવિધતા અને અનન્ય ઓળખને દેશ અને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેના એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવી જોઈએ. આ ગેમ્સને ભારતીય રમતગમત માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ બનાવવા માટે વિશ્વસ્તરીય રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ આયોજન અને વ્યાપક જનભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો.


"ટકાઉપણું અને વિવિધતા એ 2027 માં મેઘાલયમાં યોજાનારી 39મી નેશનલ ગેમ્સ માટેનો અમારો સંદેશ છે," એમ ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું. રમતોની યજમાની માટે વિવિધ રાજ્યો તરફથી વધેલી ભાગીદારીને જોતાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સમાં પ્રતિભા ઓળખવા અને સ્કાઉટિંગ (ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ સ્કાઉટિંગ) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. "નેશનલ ગેમ્સનો ઉપયોગ ડોપિંગ અંગે જાગૃતિ ફેલાવવા માટેની તક તરીકે પણ થવો જોઈએ. એથ્લેટ્સને ડોપિંગની અસરો વિશે માહિતગાર કરવા જ જોઈએ," તેમણે ઉમેર્યું હતું. ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે મેઘાલયમાં નેશનલ ગેમ્સ દરમિયાન MY Bharat ના સ્વયંસેવકો (વોલન્ટીયર્સ) ને જોડવા જોઈએ. કેન્દ્રીય મંત્રીએ અષ્ટલક્ષ્મી (ઉત્તર પૂર્વીય) રાજ્યોમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, મંત્રી સમક્ષ રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સ્થિતિ, વેન્યુ (સ્થળ) ની સજ્જતા અને 39મી નેશનલ ગેમ્સ 2027 ની એકંદર તૈયારીઓ પર વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેને પૂર્ણ કરવાની સમયરેખા અને ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉત્તર પૂર્વની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ડૉ. માંડવિયાએ આજે શિલોંગમાં અત્યાધુનિક મલ્ટિપર્પઝ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ (Multipurpose Integrated Sports Indoor Hall) નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે આ સુવિધા યુવા એથ્લેટ્સ માટે તકોના નવા માર્ગો ખોલશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વીય પ્રદેશમાં રમતગમતના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જ્યારે રમતગમતની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને રમતગમતની આગામી પેઢીની પ્રતિભાઓને પોષશે. ડૉ. માંડવિયાએ એવી પણ જાહેરાત કરી હતી કે મેઘાલયમાં ટૂંક સમયમાં ₹150 કરોડના ખર્ચે એક અત્યાધુનિક, વિશ્વસ્તરીય હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેનિંગ સેન્ટર (High-altitude training centre) સ્થાપવામાં આવશે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પ્રશંસા કરતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે તેમના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં રાજ્યએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. "તેમણે મેઘાલયમાં રમતગમતની વ્યવસ્થાને મજબૂત કરવા માટે વ્યાપક અને દૂરદર્શી પ્રયાસો કર્યા છે. સ્પોર્ટ્સ સાયન્સ અને આધુનિક તાલીમ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાથી લઈને મજબૂત ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ગ્રાસરૂટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ સ્થાપવા સુધી, મુખ્યમંત્રીએ અન્ય રાજ્યો માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે," તેમ મંત્રીએ જણાવ્યું હતું.


ભારતના રમતગમતના પરિદ્રશ્યમાં ઉત્તર પૂર્વના વધતા જતા મહત્વ પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે મેઘાલય જેવું રાજ્ય નેશનલ ગેમ્સની યજમાની કરવા માટે આગળ આવે છે, ત્યારે તે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. તેમણે નોંધ્યું હતું કે આ પ્રદેશે સતત અસાધારણ રમત પ્રતિભાઓ પેદા કરી છે અને ગેમ્સની યજમાની કરવાથી રમતગમતના વિકાસને વધુ વેગ મળશે, યુવા એથ્લેટ્સ પ્રેરિત થશે અને દેશના બાકીના ભાગો સમક્ષ ઉત્તર પૂર્વની સમૃદ્ધ સંસ્કૃતિ, આતિથ્ય અને ક્ષમતાનું પ્રદર્શન થશે.

"મેં મેઘાલયમાં 39મી નેશનલ ગેમ્સ માટે ચાલી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ અને તૈયારીઓના કાર્યોની સમીક્ષા કરી છે, અને હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે નેશનલ ગેમ્સ 2027 આ ઇવેન્ટના ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે," તેમ મંત્રીએ ઉમેર્યું હતું. ઉત્તર પૂર્વીય પ્રદેશમાં રમતગમતના વિકાસ પર કેન્દ્રના નવેસરથી કેન્દ્રિત થયેલા ધ્યાન પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રમતગમતના સંસાધનો અને તકોની ફાળવણીમાં રાજ્યનું કદ કે વસ્તી હવે નિર્ણાયક પરિબળ નથી. "આજે, ભારતીય વસ્તીમાં ઉત્તર પૂર્વનો હિસ્સો માત્ર 4 ટકા જેટલો જ છે, છતાં દેશના તમામ ખેલો ઇન્ડિયા કેન્દ્રોમાંથી લગભગ 25 ટકા કેન્દ્રો આ પ્રદેશમાં આવેલા છે.


આ ઉત્તર પૂર્વની અપાર રમતગમતની ક્ષમતાઓને અનલૉક કરવા માટે ભારત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં એક ખેલો ઇન્ડિયા કેન્દ્ર છે, ત્યારે ઉત્તર પૂર્વના કેટલાક જિલ્લાઓમાં બે કેન્દ્રો પૂરા પાડવામાં આવ્યા છે, જે તાલીમ, કોચિંગ અને ગ્રાસરૂટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ સુધી વધુ પહોંચ સુનિશ્ચિત કરે છે. આ સમગ્ર પ્રદેશમાં પ્રતિભાઓને પોષવા અને મજબૂત રમતગમતની વ્યવસ્થા ઊભી કરવા માટેના અમારા કેન્દ્રિત પ્રયાસોને દર્શાવે છે," એમ તેમણે કહ્યું હતું.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2267020) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: Khasi , English , Urdu , हिन्दी , Malayalam