વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર તાત્કાલિક અસરથી કેન્દ્રીય વિજ્ઞાન અને ઇનોવેશન (નવીનતા) યોજનાઓ લાગુ કરશે
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં વિજ્ઞાન સંબંધિત પહેલોના સમયબદ્ધ વિસ્તરણ અંગે ચર્ચા કરી
પશ્ચિમ બંગાળમાં ઇન્સપાયર (INSPIRE), વિજ્ઞાન જ્યોતિ, વાઇઝ (WISE) અને કિરણ (KIRAN) યોજનાઓનો વ્યાપ વધારવામાં આવશે; કોલકાતાની બેઠકમાં આર્સેનિક પોઇઝનિંગ (ઝેર) પર સંશોધન અને કેન્સરની દવાઓના ટ્રાયલ (પરીક્ષણ) મુખ્ય પરિણામો તરીકે ઉભરી આવ્યા
પશ્ચિમ બંગાળમાં ક્લિનિકલ રિસર્ચ (તબીબી સંશોધન) પર વૈજ્ઞાનિક સંસ્થાઓ, મેડિકલ કોલેજો અને એમ્સ (AIIMS) નેટવર્ક સહયોગ કરશે
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 5:13PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), પર્સનલ, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે એક વ્યાપક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિજ્ઞાન, સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ સંબંધિત તમામ મુખ્ય કેન્દ્રીય યોજનાઓ પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રાદેશિક મહત્વના બે મુખ્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જેમાં સીએસઆઈઆર (CSIR) સંસ્થાઓ દ્વારા પશ્ચિમ બંગાળના અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્સેનિક પોઇઝનિંગ પર સમર્પિત અભ્યાસ શરૂ કરવો, અને અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ, સરકારી મેડિકલ કોલેજો, કેન્સર હોસ્પિટલો અને એઇમ્સ-લિંક્ડ મેડિકલ નેટવર્ક્સને સાંકળીને કેન્સર અને એન્ટિમાઇક્રોબાયલ થેરાપી પર સહયોગી ક્લિનિકલ અને ડ્રગ ટ્રાયલ-સંબંધિત સંશોધન શરૂ કરવાનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત વૈજ્ઞાનિક સંસ્થાઓના નિયામકો (ડાયરેક્ટર્સ) અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સમગ્ર રાજ્યમાં વૈજ્ઞાનિક સંશોધન, ઇનોવેશન, બાયોટેકનોલોજી, ક્લિનિકલ અભ્યાસ, સ્ટાર્ટઅપ પ્રમોશન અને વિજ્ઞાન શિક્ષણના પ્રસારના વિસ્તરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલિત માળખું ઊભું કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત કરવામાં આવી હતી.
ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ મજબૂત વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની સંસ્થાઓ દેશભરમાં કાર્યરત હોવાની સાથે રાજ્યમાં પણ પહેલેથી જ કાર્યરત છે અને સંશોધનના અદ્યતન ક્ષેત્રોમાં યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સંશોધન સંસ્થાઓ, મેડિકલ કોલેજો અને હેલ્થકેર નેટવર્કને સાંકળતા વૈજ્ઞાનિક સંશોધનો, ક્લિનિકલ ટ્રાયલ્સ અને ઇનોવેશન-આધારિત સહયોગ માટે પ્રચંડ સંભાવનાઓ ધરાવે છે.
ચર્ચાઓનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળની શાળાઓ અને કોલેજોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની વિદ્યાર્થી-કેન્દ્રીય અને મહિલા-કેન્દ્રીય યોજનાઓનો અમલ કરવાનો હતો. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભિગમ, ઇનોવેશન અને વિદ્યાર્થીઓ તથા મહિલાઓની ભાગીદારીને મજબૂત કરવા માટે ઇન્સપાયર (INSPIRE), ઇન્સપાયર માનક (INSPIRE MANAK), વિજ્ઞાન જ્યોતિ, કિરણ (KIRAN) અને વાઇઝ (WISE) સહિતના ફ્લેગશિપ કાર્યક્રમોનો વિસ્તાર કરવામાં આવશે અને તેને સંકલિત રીતે લાગુ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કેન્દ્રીય વૈજ્ઞાનિક યોજનાઓનું સંકલન યુવાનોમાં ઇનોવેશન, વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશોધન-લક્ષી પ્રતિભાના વિકાસ માટે એક મજબૂત માર્ગ બનાવવામાં મદદ કરશે.
બેઠકમાં પ્રદેશ-વિશિષ્ટ વૈજ્ઞાનિક હસ્તક્ષેપો પર પણ ચર્ચા કરવામાં આવી હતી, ખાસ કરીને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં જાહેર આરોગ્યને અસર કરતા ક્ષેત્રોમાં. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નોંધાયેલા આર્સેનિક પોઇઝનિંગ પર CSIR ની આગેવાની હેઠળનો વૈજ્ઞાનિક અભ્યાસ તાત્કાલિક શરૂ કરવામાં આવશે. સાથે જ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, સરકારી મેડિકલ કોલેજો, કેન્સર હોસ્પિટલો અને અગ્રણી હેલ્થકેર સંસ્થાઓ વચ્ચેના સંકલન દ્વારા કેન્સરની દવાઓ, એન્ટિમાઇક્રોબાયલ થેરાપી અને ક્લિનિકલ સંશોધન સંબંધિત સહયોગી સંશોધન પ્રયાસોને પણ આગળ ધપાવવામાં આવશે.
ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંસ્થાઓ, શિક્ષણ જગત, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન ઇકોસિસ્ટમનું સંકલન પૂર્વીય ભારતમાં વિજ્ઞાન આધારિત પ્રાદેશિક વિકાસનું એક નવું મોડલ બનાવી શકે છે. તેમણે ઉમેર્યું કે સંશોધન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સંકલિત ભાગીદારી ભારતના વિસ્તરતા જ્ઞાન અને ઇનોવેશન અર્થતંત્રમાં રાજ્યના યોગદાનને મજબૂત કરવામાં મદદ કરશે.
વધુમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને કેન્દ્રીય વૈજ્ઞાનિક મંત્રાલયો તથા વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને સાંકળતી એક પ્રારંભિક સંકલન બેઠક આગામી થોડા દિવસોમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ આ પહેલોની પ્રગતિની સમીક્ષા કરવા અને સહયોગના વધારાના ક્ષેત્રો ઓળખવા માટે મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરનો સંવાદ કરવામાં આવશે.
ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો રાજ્યમાં વૈજ્ઞાનિક વિકાસ, સંશોધન સહયોગ, સ્ટાર્ટઅપ વિકાસ અને ટેકનોલોજી આધારિત જાહેર કલ્યાણની પહેલોને વેગ આપવા માટે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.




SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265555)
મુલાકાતી સંખ્યા : 15