માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં અદ્યતન કન્સલ્ટન્સી સપોર્ટ માટે NHAIએ નોર્વેજીયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે MoU કર્યા

प्रविष्टि तिथि: 22 MAY 2026 3:03PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાના વિકાસ માટે ટેકનિકલ કુશળતાને મજબૂત બનાવવા માટે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ તાજેતરમાં ઓસ્લો ખાતે નોર્વેજીયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (NGI), નોર્વે સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ NHAI ની ભૂ-તકનીકી એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડામાં NGI ની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને, ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે ખાસ કરીને ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ અને પડકારજનક ભૂપ્રદેશોમાં એન્જિનિયરિંગ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ એમઓયુનો ઉદ્દેશ ટનલ બાંધકામ, સ્લોપ સ્ટેબિલિટી વિશ્લેષણ, ઢાળનું નિરીક્ષણ તેમજ સંસ્થાકીય ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સના આયોજન, ડિઝાઇન, મૂલ્યાંકન અને દેખરેખને ટેકો આપવા માટે અદ્યતન આંતરરાષ્ટ્રીય કુશળતાનો ઉપયોગ કરવાનો છે. એમઓયુ હેઠળ, NGI વિવિધ કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરશે જેમાં ટનલ પ્રોજેક્ટ્સ માટે સાઇટ કેરેક્ટરાઇઝેશન (સ્થળની લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન), આગામી ટનલ પ્રોજેક્ટ્સ માટે ફિઝિબિલિટી સ્ટડીઝ (વ્યવહારુતા અભ્યાસ) અને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો (DPRs) તૈયાર કરવા, કાર્યરત ટનલોનું માળખાકીય મૂલ્યાંકન અને સેફ્ટી ઓડિટ તેમજ સંભવિત જોખમોને ઓળખવા અને યોગ્ય શમનના પગલાંની ભલામણ કરવા માટે અદ્યતન સ્લોપ સ્ટેબિલિટી મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. આ સહયોગમાં ઢોળાવ માટેના ઇનસાર (InSAR) ડેટાનું વિશ્લેષણ અને અર્થઘટન તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષામાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી વહેલી ચેતવણી આપતી પ્રણાલીઓ (અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ)નો વિકાસ પણ સામેલ હશે.

વધુમાં, MoU સંસ્થાકીય ક્ષમતા નિર્માણ અને જ્ઞાનના આદાનપ્રદાન પર ભાર મૂકે છે. બંને સંસ્થાઓ કુદરતી જોખમોને ઘટાડવા સંબંધિત સંશોધન અને વિકાસ (R&D)ની પહેલો પર સહયોગ કરશે. સંયુક્ત વર્કશોપ, સેમિનાર, ટેકનિકલ તાલીમ કાર્યક્રમો અને વિશિષ્ટ ટેકનિકલ સાહિત્યના પ્રકાશન દ્વારા હાઇવે સેક્ટરની તકનીકી ક્ષમતાઓમાં વધારો કરવામાં આવશે.

જ્યારે બંને સંસ્થાઓ ઓળખવામાં આવેલા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરશે, ત્યારે આ વ્યવસ્થા બિન-વિશિષ્ટ (નોન-એક્સક્લુઝિવ) અને પ્રોજેક્ટ-ટુ-પ્રોજેક્ટના ધોરણે રહેશે જે દરેક પક્ષને જરૂરિયાત મુજબ અન્ય સંસ્થાઓ સાથે સ્વતંત્ર રીતે સહયોગ કરવાની સુગમતા આપે છે. આ એમઓયુ પાંચ વર્ષના ગાળા માટે માન્ય રહેશે.

NHAI અને NGI વચ્ચેનો આ સહયોગ સુરક્ષિત, ટકાઉ અને વિશ્વસ્તરીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં તકનીકી ક્ષમતાઓને મજબૂત કરશે. આ ભાગીદારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટેકનોલોજી આદાનપ્રદાન અને ટકાઉ એન્જિનિયરિંગ પદ્ધતિઓના ક્ષેત્રમાં ભારત અને નોર્વે વચ્ચે વધી રહેલા સહકારને પણ પ્રતિબિંબિત કરે છે, જે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને લાંબા ગાળાના સંસ્થાકીય સહયોગને પ્રોત્સાહન આપે છે.

IJ/BS/JD


(रिलीज़ आईडी: 2264108) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu , Kannada