પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રોમમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) પાસેથી એગ્રિકોલા મેડલ સ્વીકાર્યો

પોસ્ટેડ ઓન: 20 MAY 2026 10:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રોમમાં ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના મુખ્યાલય ખાતે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત 'એગ્રિકોલા મેડલ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં અને વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ગ્રામીણ વિકાસને સંબોધવા માટે તેમના અસાધારણ નેતૃત્વની માન્યતા રૂપે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ FAOના મહાનિદેશક ડૉ. ક્યુ ડોંગ્યુ પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. તેમણે આ સન્માન ભારતના ખેડૂતો અને ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સમુદાયને સમર્પિત કર્યું હતું, જેઓ ભારતીયો અને વિશ્વભરના લોકો માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે અથાક કાર્ય કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે આ માન્યતા માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને અંજલિ સમાન છે. ભારતમાં કૃષિ જીવનની કેન્દ્રીયતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ એ ધરતી માતા અને ભારતના લોકો વચ્ચેનો એક પવિત્ર સંબંધ છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ખેતી માટે ભારતનો વૈજ્ઞાનિક અને નવીનતા-આધારિત અભિગમ એક ટકાઉ, આબોહવા-સ્થિતિસ્થાપક (ક્લાઇમેટ-રેઝિલિયન્ટ) અને ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ પ્રયાસમાં, તેમણે વ્યક્ત કર્યું કેપર ડ્રોપ મોર ક્રોપ’ (પ્રતિ ટીંપું વધુ પાક) જેવી પદ્ધતિઓ અને સૂક્ષ્મ-સિંચાઈ તેમજ ચોકસાઈપૂર્વકની ખેતી (પ્રિસિઝન ફાર્મિંગ) માટેનો મિશન-આધારિત અભિગમ તેની કૃષિ નીતિઓને માર્ગદર્શન આપી રહ્યા છે. ટેકનોલોજી-આધારિત ખેતીના ઉકેલો વિશે વિગતવાર જણાવતા તેમણે કહ્યું કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI-આધારિત સલાહકાર પ્રણાલીઓ, ડ્રોન, રિમોટ-સેન્સિંગ ટેકનોલોજી અને સેન્સર-આધારિત મશીનરી ભારતીય ખેડૂતોને સમૃદ્ધ લણણી અને વધુ કૃષિ આવક મેળવવામાં મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે આશરે 3,000 જેટલી આબોહવા-સ્થિતિસ્થાપક પાકની જાતો વિકસાવી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતની વિજ્ઞાન-આધારિત કૃષિ વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને મજબૂત કરી રહી છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) ના દેશો માટે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે FAOના સ્થાપક સભ્ય તરીકે, ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ભૂખમરા મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવા માટે આ સંગઠન સાથે કામ કરવાનું ગૌરવ ધરાવે છે. તેમણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ)ની ઉજવણી દ્વારા તંદુરસ્ત ખાદ્ય પસંદગીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે કામ કરવા બદલ FAOનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદીની FAO મુખ્યાલયની મુલાકાત છેલ્લા 30 વર્ષમાં કોઈ ભારતીય સરકારના વડા દ્વારા લેવાયેલી પ્રથમ મુલાકાત હતી.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2263543) મુલાકાતી સંખ્યા : 9