મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ શ્રીલંકા સરકારના મહિલા અને બાળ બાબતોના મંત્રી મહામહિમ શ્રીમતી સરોજા સાવિત્રી પોલરાજ અને શ્રીલંકાના મહિલા સાંસદોના કોકસ (caucus) સાથે મુલાકાત કરી
ભારતનું પરિવર્તનકારી મહિલા નેતૃત્વ હેઠળનું વિકાસ મોડેલ ભારત-શ્રીલંકા ભાગીદારીને મજબૂત બનાવે છે
ચર્ચાઓ મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ, જાતિય સમાનતા, માતા અને બાળ કલ્યાણ, કેર ઇકોનોમી (સંભાળ અર્થતંત્ર) પહેલ અને શાસનમાં મહિલાઓના નેતૃત્વના ક્ષેત્રમાં સહયોગ વધારવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાન પર કેન્દ્રિત હતી
પોસ્ટેડ ઓન:
13 MAY 2026 6:08PM by PIB Ahmedabad
ભારત સરકારના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ આજે શ્રીલંકા સરકારના મહિલા અને બાળ બાબતોના મંત્રી મહામહિમ શ્રીમતી સરોજા સાવિત્રી પોલરાજ અને શ્રીલંકાના મહિલા સાંસદોના કોકસના સભ્યો સાથે તેમની ભારતની અભ્યાસ મુલાકાત દરમિયાન મુલાકાત કરી હતી. આ બેઠક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, GPOA, બ્લોક 3, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ મહિલા અને બાળ વિકાસના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે ભારત અને શ્રીલંકાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

વાતચીત દરમિયાન, મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ, જાતિય સમાનતા, માતા અને બાળ કલ્યાણ, કેર ઇકોનોમી પહેલ અને શાસનમાં મહિલાઓના નેતૃત્વના ક્ષેત્રમાં સહયોગ વધારવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાન પર ચર્ચાઓ કેન્દ્રિત હતી.
પ્રતિનિધિમંડળને મહિલાઓ અને બાળકો માટે ભારતની મુખ્ય પહેલો અને પરિવર્તનકારી કાર્યક્રમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં મિશન શક્તિ, મિશન વાત્સલ્ય અને મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 નો સમાવેશ થાય છે. ચર્ચાઓમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ, પોષણ અને કલ્યાણ સંબંધિત સેવા વિતરણમાં સુધારો કરવા માટે ડિજિટલ ગવર્નન્સ ટૂલ્સ અને ટેકનોલોજી-સક્ષમ સિસ્ટમ્સના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રતિનિધિમંડળને સંબોધતા, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પુનરોચ્ચાર કર્યો હતો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત સરકારે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસનો અભિગમ અપનાવ્યો છે, જેમાં મહિલાઓને રાષ્ટ્રની વૃદ્ધિ અને વિકાસની સફરમાં સમાન ભાગીદાર અને સક્રિય હિસ્સેદાર તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમણે મહિલાઓ અને બાળકો માટે સંસ્થાકીય મિકેનિઝમ્સ અને કલ્યાણકારી માળખાને મજબૂત કરવા પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો.

મહામહિમ શ્રીમતી સરોજા સાવિત્રી પોલરાજે મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ અને કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રગતિશીલ અને પ્રભાવશાળી પહેલોની પ્રશંસા કરી હતી. તેમણે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ પ્રત્યે ભારતના સર્વગ્રાહી અને સમાવેશી અભિગમનો સ્વીકાર કર્યો અને આ ક્ષેત્રમાં ભારતના અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવામાં રસ દર્શાવ્યો.

બંને પક્ષોએ સમાવેશી વૃદ્ધિ અને સામાજિક વિકાસના સહિયારા ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે બંને મંત્રાલયો વચ્ચે સંસ્થાકીય સહયોગ અને જ્ઞાન-વહેંચણીને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બેઠકનું સમાપન સ્મૃતિચિહ્નોના આદાનપ્રદાન અને ગ્રુપ ફોટોગ્રાફ સાથે થયું હતું.
IJ/JD
(રીલીઝ આઈડી: 2260861)
મુલાકાતી સંખ્યા : 8