શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 7 મેના રોજ રાષ્ટ્રવ્યાપી મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ પહેલનો શુભારંભ કરશે
શ્રમ સંહિતા અમલમાં: ESIC હેઠળ કામદારો માટે મફત સ્વાસ્થ્ય તપાસ અભિયાન શરૂ
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 1:42PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા, નવા લેબર કોડ્સ હેઠળ પ્રસ્તાવિત 40 વર્ષ અને તેથી વધુ વયના કામદારો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ પહેલનો 7 મે, 2026ના રોજ પ્રારંભ કરશે. આ પહેલનું ઔપચારિક ઉદ્ઘાટન નવી દિલ્હીના બસાઈદારાપુર ખાતે આવેલ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) મેડિકલ કોલેજ અને હોસ્પિટલથી કરવામાં આવશે. દેશભરની અન્ય 11 ESIC હોસ્પિટલોમાં પણ એકસાથે લોન્ચિંગ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં સંબંધિત રાજ્યોના શ્રમ મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પહેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સર્વગ્રાહી “શ્રમેવ જયતે” માળખા હેઠળના વિઝનને અનુરૂપ છે, જે શ્રમના ગૌરવ અને કામદારો માટે મજબૂત સામાજિક સુરક્ષા પર ભાર મૂકે છે. આ અમલીકરણ ચાર નવા લેબર કોડ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ પર આધારિત છે, જે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને ચાર વ્યાપક સ્તંભો હેઠળ એકીકૃત કરે છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય અનુપાલનને સરળ બનાવવાનો, રોજગારના ઔપચારિકીકરણને પ્રોત્સાહન આપવાનો અને સામાજિક સુરક્ષાના વ્યાપને વિસ્તારવાનો છે.
નોંધનીય છે કે, સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 અસંગઠિત, ગિગ અને પ્લેટફોર્મ કામદારો સુધી કવરેજ વિસ્તારે છે, સોશિયલ સિક્યુરિટી ફંડની સ્થાપના કરે છે અને ESIC લાભોનો વ્યાપ વધારે છે. નવા લેબર ફ્રેમવર્ક હેઠળની એક મુખ્ય જોગવાઈ 40 વર્ષ અને તેથી વધુ વયના કામદારો માટે ફરજિયાત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ છે. ESI યોજના હેઠળના લાભાર્થીઓ માટે, આ તપાસ ESICના હોસ્પિટલોના વ્યાપક નેટવર્ક દ્વારા કરવામાં આવશે, જેમાં પ્રારંભિક નિદાન, નિવારક સ્વાસ્થ્ય સંભાળ અને સતત આરોગ્ય દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વધુમાં, રસાયણો, ઝેરી પદાર્થો અથવા ભારે મશીનરીના સંચાલન સહિત જોખમી અથવા ભયજનક કામગીરીમાં રોકાયેલા કામદારો માટે, ઉંમરને ધ્યાનમાં લીધા વિના તબીબી તપાસ ફરજિયાત છે. આ પહેલ આરોગ્યના રેકોર્ડની વ્યવસ્થિત જાળવણી અને કાર્યબળના લાંબાગાળાના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે દેખરેખની પણ પરિકલ્પના કરે છે.
આ રાષ્ટ્રવ્યાપી પહેલ વ્યવસાયિક સ્વાસ્થ્ય પ્રણાલીઓને મજબૂત કરવા, ભારતના કાર્યબળ માટે વ્યાપક આરોગ્યસંભાળની પહોંચ સુનિશ્ચિત કરવા અને વિકસિત ભારત 2047ના વિઝનને આગળ વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2258380)
મુલાકાતી સંખ્યા : 20