પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
વિવિધ પ્રદેશોમાં તાપમાન વધતા IMDએ હીટવેવ અંગે વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડી
નોર્થવેસ્ટ, સેન્ટ્રલ અને દ્વીપકલ્પ ભારતમાં હીટવેવની સ્થિતિની શક્યતા: IMD
નાગરિકોને સાવચેતીના પગલાં લેવાની સલાહ; વિગતવાર માર્ગદર્શન ઓનલાઇન ઉપલબ્ધ
પોસ્ટેડ ઓન:
25 APR 2026 2:24PM by PIB Ahmedabad
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ દેશના અનેક ભાગોમાં તાપમાનમાં સતત વધારો અને સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ અંગે વિગતવાર માર્ગદર્શિકા અને એડવાઈઝરી બહાર પાડી છે.
નવીનતમ આકલન મુજબ, નોર્થવેસ્ટ, સેન્ટ્રલ અને દ્વીપકલ્પ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં 40°C થી 44°C ની વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેમાં સૌથી વધુ 44.5°C તાપમાન શ્રી ગંગાનગર (રાજસ્થાન) ખાતે નોંધાયું છે. કેટલાક પ્રદેશોમાં, તાપમાન સામાન્ય કરતા 5°C કે તેથી વધુ નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું છે, જે દેશના કેટલાક ભાગોમાં વિકસિત થઈ રહેલા હીટ સ્ટ્રેસ (ગરમીના તણાવ)ના પરિદ્રશ્યને સૂચવે છે.
IMDએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય ભારતના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ વિકસિત થવાની પ્રબળ શક્યતા છે. તે જ સમયે, દરિયાકાંઠાના અને પૂર્વીય પ્રદેશોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિની અપેક્ષા છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં રાત્રિનું તાપમાન પણ ગરમ રહેવાની શક્યતા છે, જે અસ્વસ્થતાના સ્તરમાં અને સ્વાસ્થ્યના જોખમોમાં વધુ વધારો કરી શકે છે.
વિભાગે વધુમાં અનુમાન લગાવ્યું છે કે 27મી એપ્રિલ સુધી નોર્થવેસ્ટ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં, ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થશે, જ્યારે સેન્ટ્રલ અને અન્ય પ્રદેશોમાં આગાહીના સમયગાળા દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો અને ત્યારબાદ ઘટાડો જોવા મળી શકે છે.
પ્રવર્તમાન અને આગાહી કરવામાં આવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, IMD એ વ્યાપક હીટવેવ સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડી છે અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. આમાં સીધા સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કને ટાળવો, ખાસ કરીને બપોરના સમયે, પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટેડ રહેવું (પાણી પીતા રહેવું), હળવા અને શ્વાસ લઈ શકાય તેવા (સુતરાઉ) કપડાં પહેરવા અને વધુ તાપમાનના સમયગાળા દરમિયાન બહારની શ્રમદાયક પ્રવૃત્તિઓ ટાળવાનો સમાવેશ થાય છે. બાળકો, વડીલો અને અગાઉથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ જેવા સંવેદનશીલ જૂથો માટે વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.
IMD એ ભારપૂર્વક જણાવ્યું છે કે હીટ એક્ઝોસ્ટન (ગરમીને કારણે થતો થાક) અને હીટ સ્ટ્રોક (લૂ લાગવી) જેવી ગરમી સંબંધિત બીમારીઓને ઘટાડવા માટે વહેલી જાગૃતિ અને નિવારક પગલાં લેવા તે અત્યંત મહત્વપૂર્ણ છે. IMD ના વિસ્તૃત અનુમાન મુજબ આગામી 7 દિવસોમાં અનેક પ્રદેશોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, ખાસ કરીને નીચેના ભાગોમાં:
- નોર્થવેસ્ટ ભારત (પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ)
- મધ્ય ભારત (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ)
- પસંદગીના દક્ષિણ પ્રદેશો (કેરળ અને માહે)
આ ઉપરાંત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનની અપેક્ષા છે, જ્યારે ઉત્તરના મેદાનોમાં રાત્રિના સમયે પણ ગરમ સ્થિતિ જારી રહી શકે છે, જે રાત્રિ દરમિયાન હીટ સ્ટ્રેસમાં વધારો કરશે.
IMD ના એપ્રિલથી જૂન 2026 ના મોસમી અંદાજ મુજબ, પૂર્વ, મધ્ય અને નોર્થવેસ્ટ ભારત અને દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પના ભાગોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો રહેવાની શક્યતા છે, જે ચાલુ ગરમ હવામાનની સિઝન દરમિયાન સતત સજ્જતા અને શમનના પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.
IMD એ જાહેર જનતાની ઍક્સેસ અને પ્રસાર માટે તેની સત્તાવાર વેબસાઇટ https://mausam.imd.gov.in/responsive/heatwave_guidance.php પર 'શું કરવું અને શું ન કરવું' (do’s and don’ts), સજ્જતાના પગલાં અને ક્ષેત્ર-વિશિષ્ટ એડવાઈઝરી સહિતની વ્યાપક હીટવેવ માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવી છે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ, સમુદાયો અને સ્થાનિક વહીવટીતંત્રને સ્વાસ્થ્યના જોખમો ઘટાડવામાં અને અતિશય ગરમીની સ્થિતિ સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદ કરવાનો છે.
IMD તાપમાનના વલણો પર નજીકથી નજર રાખવાનું અને સમયસર આગાહીઓ અને ચેતવણીઓ આપવાનું ચાલુ રાખશે, અને નાગરિકોને સત્તાવાર સ્ત્રોતો દ્વારા અપડેટ રહેવા અને નિર્ધારિત સુરક્ષા પગલાંનું પાલન કરવા સલાહ આપવામાં આવે છે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2255504)
મુલાકાતી સંખ્યા : 19