પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર-મંત્રાલય બ્રીફિંગ
દેશભરમાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ દરોડા પાડવામાં આવ્યા અને 66,000 થી વધુ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા
અત્યાર સુધીમાં 41,000 PNG ગ્રાહકોએ MYPNGD.in વેબસાઇટ દ્વારા તેમના LPG કનેક્શન સરેન્ડર કર્યા
1લી એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં 17 લાખથી વધુ - 5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા
હોર્મુઝની ખાડીમાં વિદેશી ધ્વજવાળા જહાજો પર ગોળીબારની ઘટનાઓ નોંધાઈ જેમાં ભારતીય નાવિકો સામેલ હતા; બંને જહાજો પર સવાર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે
સમગ્ર ક્ષેત્રમાં વિવિધ સ્થળોએથી છેલ્લા 24 કલાકમાં 65 સહિત અત્યાર સુધીમાં 2,680 થી વધુ ભારતીય નાવિકોના સુરક્ષિત પ્રત્યાવર્તનની સુવિધા પૂરી પાડવામાં આવી
વિદેશ મંત્રાલય આ ક્ષેત્રમાં ભારતીય સમુદાયની સુરક્ષા, સલામતી અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રિત પ્રયાસો ચાલુ રાખે છે
પોસ્ટેડ ઓન:
23 APR 2026 6:09PM by PIB Ahmedabad
પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિની વચ્ચે, ભારત સરકાર નિયમિત અપડેટ્સ દ્વારા નાગરિકોને માહિતગાર રાખવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે. આ સંદર્ભમાં, આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે મીડિયા બ્રીફિંગ યોજવામાં આવી હતી, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ઈંધણની ઉપલબ્ધતા, દરિયાઈ કામગીરી, પ્રદેશમાં ભારતીય નાગરિકોને સહાય અને મુખ્ય ક્ષેત્રોમાં સ્થિરતા જાળવવા માટે લેવામાં આવતા પગલાં વિશે અપડેટ્સ આપ્યા હતા.
ઊર્જા પુરવઠો અને ઈંધણની ઉપલબ્ધતા
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઈંધણ પુરવઠાની વર્તમાન સ્થિતિ વિશે અપડેટ આપ્યું હતું, જેમાં પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિના સંદર્ભમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPGની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાંની રૂપરેખા આપવામાં આવી હતી. એવું નોંધવામાં આવ્યું હતું કે:
જાહેર એડવાઈઝરી અને નાગરિક જાગૃતિ
· નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને LPG ની ગભરાટમાં ખરીદી (panic purchase) ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સરકાર પેટ્રોલ, ડીઝલ અને LPG ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
· અફવાઓથી સાવધ રહો અને સાચી માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખો.
· LPG ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ડિજિટલ બુકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે અને વિતરકોની મુલાકાત લેવાનું ટાળે.
· નાગરિકોને PNG અને ઇલેક્ટ્રિક અથવા ઇન્ડક્શન કુકટોપ્સ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
· તમામ નાગરિકોને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન તેમના દૈનિક ઉપયોગમાં ઊર્જા બચાવવા માટે જરૂરી પ્રયાસો કરવા વિનંતી કરવામાં આવે છે.
સરકારી સજ્જતા અને પુરવઠા વ્યવસ્થાપન પગલાં
· ચાલુ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ હોવા છતાં, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ડોમેસ્ટિક LPG, ડોમેસ્ટિક PNG અને CNG (ટ્રાન્સપોર્ટ) ને 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
· કોમર્શિયલ LPG માટે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાર્મા, સ્ટીલ, ઓટોમોબાઈલ, બીજ, કૃષિ વગેરેને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2જી અને 3જી માર્ચ 2026 ના સરેરાશ દૈનિક પુરવઠાના આધારે સ્થળાંતરિત મજૂરોને 5 કિલો FTL નો પુરવઠો પણ બમણો કરવામાં આવ્યો છે.
· સરકારે પુરવઠા અને માંગ બંને બાજુએ ઘણા તર્કસંગત પગલાં પહેલેથી જ અમલમાં મૂક્યા છે, જેમાં રિફાઇનરી ઉત્પાદન વધારવું, શહેરી વિસ્તારોમાં બુકિંગ અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ સુધી કરવું અને પુરવઠા માટેના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી સામેલ છે.
· LPG ની માંગ પરનું દબાણ ઘટાડવા માટે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
· કોલસા મંત્રાલયે કોલ ઇન્ડિયા અને સિંગરેની કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વિતરણ માટે રાજ્યોને વધારાનો કોલસો સપ્લાય કરવા નિર્દેશ આપ્યો છે.
· રાજ્યોને ઘરેલું અને વ્યાપારી ગ્રાહકો માટે નવા PNG કનેક્શનની સુવિધા આપવા સલાહ આપવામાં આવી છે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલિત પ્રયાસો અને સંસ્થાકીય મિકેનિઝમ
· રાજ્ય સરકારો આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 અને LPG નિયંત્રણ ઓર્ડર, 2000 હેઠળ પુરવઠાની દેખરેખ રાખવા અને સંગ્રહખોરી અને કાળાબજાર સામે પગલાં લેવા માટે સત્તા ધરાવે છે.
· પેટ્રોલ, ડીઝલ અને LPG સહિતની આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતિનું નિરીક્ષણ અને નિયમન કરવામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ પ્રાથમિક ભૂમિકા ભજવવાની હોય છે. ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને બહુવિધ પત્રો અને VC (વિડિયો કોન્ફરન્સ) દ્વારા આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે.
· ભારત સરકારે તારીખ 27.03.2026 અને 02.04.2026 ના પત્રો દ્વારા ઈંધણની પૂરતી ઉપલબ્ધતા અંગે નાગરિકોને આશ્વસ્ત કરવા સક્રિય જાહેર સંદેશાવ્યવહારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. આ સંદર્ભમાં, 02.04.2026 (સચિવ, MoPNGની અધ્યક્ષતામાં) અને 06.04.2026 (સચિવ, MoPNG સાથે I&B અને ગ્રાહક બાબતોના સચિવોની અધ્યક્ષતામાં) બેઠકો બોલાવવામાં આવી હતી, જેમાં નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો:
o દૈનિક પ્રેસ બ્રીફિંગ કરવી અને નિયમિત જાહેર એડવાઈઝરી બહાર પાડવી.
o સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ/ખોટી માહિતીનું સક્રિયપણે નિરીક્ષણ કરવું અને તેનો સામનો કરવો.
o જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૈનિક અમલીકરણ ઝુંબેશ તેજ કરવી અને OMCs (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) સાથે સંકલન કરીને દરોડા અને તપાસ ચાલુ રાખવી.
o તેમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ LPG ફાળવણીના આદેશો બહાર પાડવા.
o રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલા વધારાના SKO (સુપર કેરોસીન ઓઈલ) માટે SKO ફાળવણીના આદેશો બહાર પાડવા.
o PNG અપનાવવા અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવું.
o LPG પુરવઠાને પ્રાથમિકતા આપવી, ખાસ કરીને ઘરેલું જરૂરિયાતો માટે, અને પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે 5 કિલોના FTL સિલિન્ડરોના લક્ષિત વિતરણને અપનાવવું.
· તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે કંટ્રોલ રૂમ અને જિલ્લા મોનિટરિંગ સમિતિઓની સ્થાપના કરી છે.
· ઘણા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પ્રેસ બ્રીફિંગ બહાર પાડી રહ્યા છે/કરી રહ્યા છે.
અમલીકરણ અને દેખરેખની કાર્યવાહી
· LPG ની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં અમલીકરણની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે દેશભરમાં 2600 થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 285 સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા હતા.
· સંચિત રીતે, અત્યાર સુધીમાં દેશભરમાં 1.5 લાખથી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને 66,000 થી વધુ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં, 1100 થી વધુ FIR નોંધવામાં આવી છે અને 255 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
· PSU OMCs એ ઓચિંતી તપાસ વધુ મજબૂત અને ચાલુ રાખી છે અને 298 LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર દંડ લાદ્યો છે, અને ગઈકાલ સુધીમાં 70 LPG ડિસ્ટ્રિબ્યુટરશિપને સસ્પેન્ડ કરવામાં આવી છે.
LPG પુરવઠો
ડોમેસ્ટિક LPG પુરવઠાની સ્થિતિ:
· પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે LPG પુરવઠાને અસર થઈ રહી છે.
· ઘરેલું પરિવારોને LPG ના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
· LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર કોઈ 'ડ્રાય-આઉટ' (સ્ટોક ખાલી થવો) નોંધાયો નથી.
· ગઈકાલે ઇન્ડસ્ટ્રી બેઝિસ પર ઓનલાઇન LPG સિલિન્ડર બુકિંગમાં 98% સુધીનો વધારો થયો છે.
· ડાયવર્ઝન (ગેરરીતિ) રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધીને લગભગ 94% થઈ છે. DAC ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થાય છે.
· 22.04.2026 ના રોજ, 52 લાખથી વધુ ડોમેસ્ટિક LPG સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી હતી.
કોમર્શિયલ LPG પુરવઠો અને ફાળવણીના પગલાં:
· કુલ કોમર્શિયલ LPG ફાળવણી વધારીને કટોકટી પૂર્વેના સ્તરના આશરે 70% કરવામાં આવી છે, જેમાં 10% સુધારા-લિંક્ડ ફાળવણીનો સમાવેશ થાય છે.
· ભારત સરકારે તારીખ 06.04.2026 ના પત્ર દ્વારા જાણ કરી છે કે દરેક રાજ્યમાં સ્થળાંતરિત મજૂરોને વહેંચવા માટે ઉપલબ્ધ 5 કિલો FTL સિલિન્ડરોની દૈનિક માત્રા, તારીખ 21.03.2026 ના પત્રમાં ઉલ્લેખિત 20% ની મર્યાદાથી વધીને, 2જી-3જી માર્ચ 2026 દરમિયાન સ્થળાંતરિત મજૂરોને થયેલા સરેરાશ દૈનિક પુરવઠા (સિલિન્ડરોની સંખ્યા) ના આધારે બમણી કરવામાં આવી રહી છે. આ 5 કિલોના FTL સિલિન્ડરો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની સહાયથી રાજ્યમાં માત્ર સ્થળાંતરિત મજૂરોને સપ્લાય કરવા માટે રાજ્ય સરકારના નિકાલ પર છે.
· 1લી એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં 17 લાખથી વધુ - 5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા છે.
· ગઈકાલે દેશભરમાં 86,000 થી વધુ – 5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા હતા.
· 3જી એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં, PSU OMCs એ 5 કિલો FTL સિલિન્ડરો માટે 8200 થી વધુ જાગૃતિ શિબિરોનું આયોજન કર્યું છે, જેમાં 1,27,000 થી વધુ - 5 કિલો FTL સિલિન્ડરો પણ વેચાયા હતા.
· ગઈકાલે 320 થી વધુ શિબિરો દ્વારા 7877 – 5 કિલોના FTL વેચાયા હતા.
· IOCL, HPCL અને BPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોની ત્રણ સભ્યોની સમિતિ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ LPG વિતરણનું આયોજન કરવા માટે રાજ્ય સત્તાધિકારીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સંકલન કરી રહી છે.
· એપ્રિલ-26 મહિના દરમિયાન (22.04.26 સુધી), કુલ 1,40,362 MT (જે 19 કિલોના 73.87 લાખથી વધુ LPG સિલિન્ડરોની બરાબર છે) કોમર્શિયલ LPG વેચવામાં આવ્યો છે.
· 22.04.2026 ના રોજ, 8483 MT કોમર્શિયલ LPG (જે 19 કિલોના 4.46 લાખથી વધુ સિલિન્ડરોની બરાબર છે) વેચાયો હતો.
કુદરતી ગેસ પુરવઠો અને PNG વિસ્તરણ પહેલ
· ગ્રાહકોને D-PNG અને CNG-ટ્રાન્સપોર્ટને 100% પુરવઠા સાથે પ્રાથમિકતા આપવામાં આવી છે.
· ખાતર પ્લાન્ટ્સને કુલ ગેસ ફાળવણી વધારીને તેમના છ મહિનાના સરેરાશ વપરાશના આશરે 95% કરવામાં આવી છે.
· આ ઉપરાંત, CGD નેટવર્ક દ્વારા પુરવઠા સહિત અન્ય ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ગેસ પુરવઠો 80% સુધી વધારવામાં આવ્યો છે.
· CGD સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોમર્શિયલ LPG ની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે તેમના તમામ GAs (ભૌગોલિક વિસ્તારો) માં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીન જેવી વ્યાપારી સંસ્થાઓ માટે PNG કનેક્શનને પ્રાથમિકતા આપે.
· IGL, MGL, GAIL Gas અને BPCL સહિતની CGD કંપનીઓ ઘરેલું અને વ્યાપારી PNG કનેક્શન માટે પ્રોત્સાહનો આપી રહી છે.
· રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને CGD નેટવર્કના વિસ્તરણ માટે જરૂરી મંજૂરીઓમાં ઝડપ લાવવા વિનંતી કરવામાં આવી છે.
· ભારત સરકારે તારીખ 18.03.2026 ના પત્ર દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોમર્શિયલ LPG ની વધારાની 10% ફાળવણીની ઓફર કરી છે, જો તેઓ LPG થી PNG માં લાંબા ગાળાના સંક્રમણમાં મદદ કરી શકે.
· 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો PNG વિસ્તરણ સુધારાઓ સાથે સંકળાયેલ વધારાની કોમર્શિયલ LPG ફાળવણી મેળવી રહ્યા છે.
· માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તારીખ 24.03.26 ના પત્ર દ્વારા CGD ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અરજીઓ પર પ્રાથમિકતાના ધોરણે પ્રક્રિયા કરવા માટે વિશેષ રૂપે 3 મહિના માટે 'ઘટાડેલી સમયરેખા સાથે CGD ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્વરિત મંજૂરી ફ્રેમવર્ક' અપનાવ્યું છે.
· ભારત સરકારે તારીખ 24.03.2026 ના ગેઝેટ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 હેઠળ કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ (પાઈપલાઈન અને અન્ય સુવિધાઓ બિછાવવા, નિર્માણ, સંચાલન અને વિસ્તરણ દ્વારા) ઓર્ડર, 2026 સૂચિત કર્યો છે. આ ઓર્ડર દેશભરમાં પાઇપલાઇન બિછાવવા અને વિસ્તરણ કરવા માટે સુવ્યવસ્થિત અને સમયબદ્ધ માળખું પૂરું પાડે છે, જે મંજૂરીઓમાં વિલંબ અને જમીન સુધીની પહોંચને લગતા મુદ્દાઓને ઉકેલે છે અને રહેણાંક વિસ્તારો સહિત કુદરતી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને સક્ષમ બનાવે છે. તેનાથી PNG નેટવર્કની વૃદ્ધિમાં તેજી આવવાની, લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી વધવાની અને સ્વચ્છ ઇંધણ તરફના સંક્રમણને ટેકો મળવાની અપેક્ષા છે, જેનાથી ઊર્જા સુરક્ષા મજબૂત થશે અને ભારતની ગેસ-આધારિત અર્થવ્યવસ્થા આગળ વધશે.
· PNGRB એ CGD સંસ્થાઓને D-PNG કનેક્શનમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, PNG વિસ્તરણમાં ગતિ જાળવી રાખવા માટે નેશનલ PNG ડ્રાઈવ 2.0 ને 30.06.2026 સુધી લંબાવવામાં આવી છે.
· સ્વચ્છ, વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર ઊર્જા ભવિષ્યને પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારે મોડેલ ડ્રાફ્ટ સ્ટેટ CBG પોલિસી તૈયાર કરી છે. મોડેલ પોલિસીનો હેતુ રાજ્યોને CBG વિકાસ માટે તેમની પોતાની રોકાણકાર-મૈત્રીપૂર્ણ અને અમલીકરણ-લક્ષી ઇકોસિસ્ટમ બનાવવા માટે સક્ષમ કરવા માટે એક વ્યાપક લવચીક માર્ગદર્શક માળખા તરીકે સેવા આપવાનો છે. જે રાજ્યો આનો વિકલ્પ પસંદ કરશે, તેમને કોમર્શિયલ LPG ની વધારાની ફાળવણીના આગામી ટ્રેન્ચ (હપ્તા) માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
· MoEFCC એ તારીખ 07.04.2026 ના આદેશ દ્વારા CPCB ને નિર્દેશ આપ્યો છે કે તેઓ CGD નેટવર્ક/ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 દિવસની અંદર સ્થાપવા માટેની સંમતિ (consent to establish) અથવા સંચાલન કરવાની સંમતિ (consent to operate) આપવા માટે SPCB/PCCs ને જરૂરી નિર્દેશો જારી કરે.
· માર્ચ 2026 થી અત્યાર સુધીમાં, લગભગ 5.18 લાખ PNG કનેક્શન્સમાં ગેસ પૂરો પાડવામાં આવ્યો છે અને વધારાના 2.58 લાખ કનેક્શન્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે કુલ સંખ્યા 7.76 લાખ કનેક્શન્સ પર લઈ જાય છે. વધુમાં, નવા કનેક્શન માટે અંદાજે 5.87 લાખ ગ્રાહકોની નોંધણી કરવામાં આવી છે.
· 21.04.2026 સુધીમાં, 41,000 થી વધુ PNG ગ્રાહકોએ MYPNGD.in વેબસાઇટ દ્વારા તેમના LPG કનેક્શન સરેન્ડર કર્યા છે.
ક્રૂડની સ્થિતિ અને રિફાઇનરી કામગીરી
· તમામ રિફાઇનરીઓ પૂરતા ક્રૂડ ઇન્વેન્ટરી સાથે ઉચ્ચ ક્ષમતા પર કાર્ય કરી રહી છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહ્યો છે.
· ઘરેલું વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાંથી ઘરેલું LPG ઉત્પાદન વધારવામાં આવ્યું છે.
· સ્થાનિક બજાર માટે પેટ્રોકેમિકલ ફીડસ્ટોક સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક આંતર-મંત્રાલય સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની રચના કરવામાં આવી છે. ત્યારબાદ, ભારત સરકારે તારીખ 01.04.2026 ના આદેશ દ્વારા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સહિતની ઓઇલ રિફાઇનરી કંપનીઓને સેન્ટર ફોર હાઇ ટેકનોલોજી (CHT) દ્વારા નિર્ધારિત જટિલ ક્ષેત્રો માટે ચોક્કસ લઘુત્તમ જથ્થામાં C3 અને C4 સ્ટ્રીમ્સ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી છે.
· ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સ વિભાગ (DCPC), ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ (DPIIT) તરફથી મળેલી વિનંતીઓના આધારે, LPG પુલમાંથી ફાર્મા અને કેમિકલ સેક્ટરની કંપનીઓ માટે 1000 MT/દિવસની જોગવાઈ કરવામાં આવી છે.
· 9મી એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં, મુંબઈ, કોચી અને મથુરા રિફાઇનરીઓ દ્વારા કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને 6300 MT થી વધુ પ્રોપીલીન વેચવામાં આવ્યું છે.
રિટેલ ઇંધણની ઉપલબ્ધતા અને કિંમતના પગલાં
· દેશભરના રિટેલ આઉટલેટ્સ સામાન્ય રીતે કાર્યરત છે.
· મધ્ય પૂર્વની કટોકટીને કારણે ક્રૂડના ભાવમાં અસાધારણ વધારો થયો છે; જો કે, ગ્રાહકોના રક્ષણ માટે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં લિટર દીઠ ₹10નો ઘટાડો કર્યો છે.
· ભારત સરકારે તારીખ 11.04.2026 ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા ડીઝલ પરની નિકાસ લેવી વધારીને રૂ. 55.50 પ્રતિ લિટર અને ATF પર રૂ. 42 પ્રતિ લિટર કરી છે, જેથી સ્થાનિક બજારમાં આ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.
· પેટ્રોલ અને ડીઝલના નિયમિત રિટેલ ભાવ યથાવત છે અને PSU OMCs રિટેલ આઉટલેટ્સ પર કોઈ ભાવ વધારો થયો નથી.
કેરોસીનની ઉપલબ્ધતા અને વિતરણ પગલાં
· નિયમિત ફાળવણી ઉપરાંત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 48,000 KL કેરોસીનની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
· 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ SKO ફાળવણીના આદેશો જારી કર્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખે કોઈ જરૂરિયાત દર્શાવી નથી.
દરિયાઈ સલામતી અને શિપિંગ કામગીરી
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પર્શિયન ગલ્ફમાં પ્રવર્તમાન દરિયાઈ પરિસ્થિતિ વિશે અપડેટ આપ્યું હતું, જેમાં પ્રદેશમાં ભારતીય જહાજો અને ક્રૂની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાંની વિગતો આપવામાં આવી હતી. એવું જણાવવામાં આવ્યું હતું કે:
· છેલ્લા 24 કલાકમાં, હોર્મુઝની ખાડીમાં વિદેશી ધ્વજવાળા જહાજો પર ગોળીબારની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે જેમાં ભારતીય નાવિકો સામેલ હતા. બંને જહાજો પર સવાર તમામ નાવિકો સુરક્ષિત છે.
o a. જહાજ Euphoria, પનામાનો ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ છે જેમાં 21 ભારતીય નાવિકો સવાર છે. તે બધા સુરક્ષિત છે.
o b. જહાજ Epaminondas, પનામાનો ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ છે જેમાં 1 ભારતીય નાવિક સવાર છે. તે સુરક્ષિત છે.
· પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.
· ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશ ગરિમા' 18 એપ્રિલ 2026 ના રોજ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયું હતું. 31 ભારતીય નાવિકોને લઈ જતું આ જહાજ 22 એપ્રિલ 2026 ના રોજ મુંબઈ પહોંચ્યું હતું.
· બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો અને દરિયાઈ હિતધારકો સાથે નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સંકલન કરવાનું ચાલુ રાખે છે.
· DG શિપિંગ કંટ્રોલ રૂમ અપડેટ: કંટ્રોલ રૂમે સક્રિય થયા પછી 7,403 કોલ્સ અને 15,639 થી વધુ ઈમેઈલ્સ હેન્ડલ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં 161 કોલ્સ અને 320 ઈમેઈલ્સ પ્રાપ્ત થયા છે.
· મંત્રાલયે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DG શિપિંગ) દ્વારા, અત્યાર સુધીમાં 2,680 થી વધુ ભારતીય નાવિકોના સુરક્ષિત પ્રત્યાવર્તનની સુવિધા આપી છે, જેમાં ગલ્ફ ક્ષેત્રમાં વિવિધ સ્થળોએથી છેલ્લા 24 કલાકમાં 65 લોકોનો સમાવેશ થાય છે.
· બંદર કામગીરી: સમગ્ર ભારતમાં બંદરની કામગીરી સામાન્ય છે, જેમાં કોઈ ભીડ (congestion) નોંધાઈ નથી.
પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા
વિદેશ મંત્રાલય ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વિકાસ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખે છે, જેમાં આ ક્ષેત્રમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જાણ કરવામાં આવી હતી કે:
· વિદેશ મંત્રાલયમાં સમર્પિત વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને તે ભારતીય મિશનો સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે.
· વિદેશ મંત્રાલય માહિતીની વહેંચણી અને પ્રયાસોના બહેતર સંકલન માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સંપર્કમાં છે.
· ભારતીય મિશનો અને પોસ્ટ્સ ચોવીસ કલાક હેલ્પલાઈન ચલાવવાનું ચાલુ રાખે છે અને ભારતીય નાગરિકોને સક્રિયપણે મદદ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક સરકારો સાથે ગાઢ સંપર્કમાં રહે છે.
· અપડેટ કરેલી એડવાઈઝરીઓ નિયમિતપણે બહાર પાડવામાં આવે છે, જેમાં સ્થાનિક સરકારની માર્ગદર્શિકા, ફ્લાઇટ અને મુસાફરીની પરિસ્થિતિઓ અને કોન્સ્યુલર સેવાઓ અને આપણા સમુદાયને ટેકો આપવા માટે હાથ ધરવામાં આવતા વિવિધ કલ્યાણકારી પગલાં વિશેની માહિતી સામેલ છે.
· ભારતીય મિશનો ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે સક્રિયપણે જોડાયેલા છે. રાજદૂતો તેમની ચિંતાઓને દૂર કરવા માટે ભારતીય સમુદાયના સંગઠનો, સંસ્થાઓ, વ્યાવસાયિક જૂથો અને ભારતીય કંપનીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી રહ્યા છે.
· સરકાર આ ક્ષેત્રમાં ભારતીય નાવિકોના કલ્યાણને ઉચ્ચ અગ્રતા આપી રહી છે. ભારતીય મિશનો તેમને સ્થાનિક સત્તાવાળાઓ અને એજન્સીઓ સાથે સંકલન કરવા, કોન્સ્યુલર સહાય આપવા અને ભારત પરત ફરવાની વિનંતીઓમાં મદદ કરવા સહિતની તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.
· ફ્લાઇટની એકંદર સ્થિતિ સુધરવાનું ચાલુ છે અને પ્રદેશમાંથી ભારતના વિવિધ સ્થળો માટે વધારાની ફ્લાઇટ્સ કાર્યરત છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આશરે 12,12,000 મુસાફરોએ આ ક્ષેત્રમાંથી ભારતનો પ્રવાસ કર્યો છે.
· UAE માં, એરલાઇન્સ કાર્યકારી અને સુરક્ષાના કારણોસર UAE અને ભારત વચ્ચે મર્યાદિત વ્યાપારી ફ્લાઇટ્સ ચલાવવાનું ચાલુ રાખે છે, જેમાં આજે UAE અને ભારત વચ્ચે આશરે 110 ફ્લાઇટ્સની અપેક્ષા છે.
· સાઉદી અરેબિયા અને ઓમાનના વિવિધ એરપોર્ટ પરથી ભારતના વિવિધ સ્થળો માટે ફ્લાઇટ્સ કાર્યરત છે.
· કતારનું હવાઈ ક્ષેત્ર આંશિક રીતે ખુલ્લું હોવાથી કતાર એરવેઝ ભારતના વિવિધ સ્થળો માટે ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
· કુવૈતનું હવાઈ ક્ષેત્ર બંધ છે. જઝીરા એરવેઝ અને કુવૈત એરવેઝ સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટથી ભારત માટે નોન-શિડ્યુલ્ડ કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
· બહેરીનનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું છે. ગલ્ફ એર બહેરીનથી ભારતના વિવિધ સ્થળો માટે ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
· ઇરાકનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું છે અને આ ક્ષેત્રના સ્થળો માટે મર્યાદિત ફ્લાઇટ કામગીરી છે, જેનો ઉપયોગ ભારતની આગળની મુસાફરી માટે થઈ શકે છે.
· ઈરાનનું હવાઈ ક્ષેત્ર કાર્ગો અને ચાર્ટર ફ્લાઈટ્સ માટે આંશિક રીતે ખુલ્લું છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ આર્મેનિયા અને અઝરબૈજાન દ્વારા ભારતની આગળની મુસાફરી માટે ભારતીય નાગરિકોની અવરજવરની સુવિધા આપવાનું ચાલુ રાખે છે. અત્યાર સુધીમાં 2428 ભારતીય નાગરિકો ઈરાનથી આર્મેનિયા અને અઝરબૈજાન ગયા છે. આમાં 1096 ભારતીય વિદ્યાર્થીઓ અને 657 ભારતીય માછીમારોનો સમાવેશ થાય છે.
· ઈઝરાયેલનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું છે અને આ ક્ષેત્રના સ્થળો માટે મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ છે, જેનો ઉપયોગ ભારતની આગળની મુસાફરી માટે થઈ શકે છે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2254980)
મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam