આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલે અર્બન ચેલેન્જ ફંડ માટેની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી


₹1 લાખ કરોડનું UCF ₹4 લાખ કરોડના શહેરી રોકાણને વેગ આપશે; ટાયર-II અને ટાયર-III શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી સબ-સ્કીમ નાના શહેરોને બજાર-આધારિત ધિરાણ મેળવવા માટે સક્ષમ બનાવશે

ફંડ જૂના શહેરના વિસ્તારો અને બજારોના પુનઃવિકાસ, શહેરી ગતિશીલતા અને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી, નોન-મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ, પાણી અને સ્વચ્છતા જેવા મુખ્ય ક્ષેત્રોમાં પરિવર્તનકારી પ્રોજેક્ટ્સને ટેકો આપશે: શ્રી મનોહર લાલ

પોસ્ટેડ ઓન: 15 APR 2026 3:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલે આજે નવી દિલ્હીમાં ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી સબ-સ્કીમ (CRGSS) ની સાથે અર્બન ચેલેન્જ ફંડ (UCF) માટેની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી હતી, જે દેશમાં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણમાં પરિવર્તન લાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઓડિશા સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ વીડિયો સંદેશ દ્વારા સભાને સંબોધિત કરી હતી.

સભાને સંબોધતા શ્રી મનોહર લાલે જણાવ્યું હતું કે અર્બન ચેલેન્જ ફંડ શહેરી વિકાસ પ્રત્યેના ભારતના અભિગમમાં એક મોટો બદલાવ (paradigm shift) દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો હતો કે આ ફંડ માત્ર ગ્રાન્ટ આપવા વિશે નથી પરંતુ જાહેર ભંડોળનો ઉપયોગ કરીને નોંધપાત્ર રીતે મોટા રોકાણોને વેગ આપવા અને શહેરોને આર્થિક રીતે મજબૂત અને રોકાણ માટે તૈયાર બનાવવા વિશે છે.

મંત્રીએ રેખાંકિત કર્યું કે ભારતના શહેરો આર્થિક વૃદ્ધિ, નવીનતા અને રોજગાર નિર્માણના એન્જિન તરીકે ઉભરી રહ્યા છે. વિકસિત ભારત @2047 ના વિઝનને હાંસલ કરવું એ તેના પર નિર્ભર રહેશે કે શહેરોનું આયોજન, ધિરાણ અને સંચાલન કેટલી અસરકારક રીતે કરવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે જ્યારે અમૃત (AMRUT), સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સિટીઝ મિશન જેવી પહેલોએ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યું છે, ત્યારે હવે પછીના તબક્કા માટે શહેરો રોકાણ માટે તૈયાર અને આર્થિક રીતે ટકાઉ બને તે જરૂરી છે.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અર્બન ચેલેન્જ ફંડ, ₹1 લાખ કરોડની કુલ કેન્દ્રીય સહાય સાથે, બજાર-આધારિત ધિરાણ દ્વારા લગભગ ચાર ગણું રોકાણ એકત્ર કરવા માટે એક ઉત્પ્રેરક સાધન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય સહાય પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી મર્યાદિત રહેશે, જ્યારે ઓછામાં ઓછું 50% ભંડોળ મ્યુનિસિપલ બોન્ડ્સ, બેંક લોન અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) દ્વારા એકત્ર કરવામાં આવશે, જેનાથી નાંણાકીય શિસ્ત સુનિશ્ચિત થશે અને ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન મળશે.

મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે કુલ જોગવાઈમાંથી ₹90,000 કરોડ પ્રોજેક્ટ્સ માટે, ₹5,000 કરોડ પ્રોજેક્ટની તૈયારી અને ક્ષમતા નિર્માણ માટે, અને ₹5,000 કરોડ ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી સબ-સ્કીમ માટે ફાળવવામાં આવ્યા છે. CRGSS ખાસ કરીને નાના શહેરોને લાભ આપશે, જેમાં ટાયર-II અને ટાયર-III શહેરો તેમજ પહાડી અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોના શહેરોનો સમાવેશ થાય છે, જે તેમને ક્રેડિટ ગેરંટી દ્વારા બજાર-આધારિત ધિરાણ મેળવવા સક્ષમ બનાવશે.

શ્રી મનોહર લાલે ભાર મૂક્યો હતો કે આ ફંડ જૂના શહેરના વિસ્તારો અને બજારોના પુનઃવિકાસ, શહેરી ગતિશીલતા અને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી, નોન-મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ, પાણી અને સ્વચ્છતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઈમેટ-રેઝિલિયન્ટ (હવામાન-સ્થિતિસ્થાપક) શહેરી વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં પરિવર્તનકારી પ્રોજેક્ટ્સને ટેકો આપશે. તેમણે નોંધ્યું કે ધ્યાન સ્કેલેબલ (વિસ્તારી શકાય તેવા), પ્રભાવશાળી અને બેન્કેબલ પ્રોજેક્ટ્સ પર રહેશે જે લાંબા ગાળાના આર્થિક અને સામાજિક લાભો આપી શકે.

અર્બન લોકલ બોડીઝ (ULBs) ની ભૂમિકા પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે શહેરોને તેમની નાણાકીય ક્ષમતા મજબૂત કરવા, સુધારા અપનાવવા અને બજાર-આધારિત ધિરાણ પ્રણાલીમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે રાજ્યો અને ULBs ને અર્બન ચેલેન્જ ફંડને માત્ર એક યોજના તરીકે નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, સ્થિતિસ્થાપક અને રોકાણ માટે તૈયાર શહેરો બનાવવાની તક તરીકે જોવા વિનંતી કરી.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી શ્રીનિવાસ કટિકીથલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતનું શહેરીકરણ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. અર્બન ચેલેન્જ ફંડ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બજાર-લિંક્ડ, સુધારા-લક્ષી અને પરિણામ-આધારિત માળખું રજૂ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફંડ નાણાકીય સ્થિરતા અને સંસ્થાકીય મજબૂતીકરણ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને જોડે છે, જ્યારે પ્રોજેક્ટ બેન્કેબિલિટી અને નાંણાકીય શિસ્ત પર ભાર મૂકે છે.

તેમણે વધુમાં નોંધ્યું હતું કે અર્બન ચેલેન્જ ફંડની સફળતા કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચેના સતત સહયોગ તેમજ સુધારાઓ અને ક્ષમતા નિર્માણની પહેલોના અસરકારક અમલીકરણ પર નિર્ભર રહેશે.

UCF ના અસરકારક અમલીકરણની સુવિધા માટે આ પ્રસંગે શહેરોને નાણાકીય સંસ્થાઓ, બેંકો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સાથે જોડતી ઈ-ડિરેક્ટરી પણ લોન્ચ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને તમામ રાજ્યો વચ્ચે સમજૂતી પત્ર (MoU) પર ડિજિટલ હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા, જે અર્બન ચેલેન્જ ફંડના અસરકારક અમલીકરણ માટે સહયોગી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

આ ઉપરાંત, મુખ્ય હિતધારકો સાથે લેટર્સ ઓફ ઈન્ટેન્ટ (LoIs) પર ડિજિટલ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ અને ક્ષમતા નિર્માણ કેન્દ્રો જેવા નોલેજ પાર્ટનર્સ; બેંકો, NBFCs, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને મર્ચન્ટ બેન્કર્સ ધરાવતી નાણાકીય સંસ્થાઓ; તેમજ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ શહેરી પરિવર્તન પ્રોજેક્ટ્સના ધિરાણ, ક્ષમતા નિર્માણ અને અમલીકરણ માટે વ્યાપક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

અર્બન ચેલેન્જ ફંડ નાણાકીય વર્ષ 2025-26 થી 2030-31 સુધી અમલમાં મૂકવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય શહેરોને નવા ગ્રોથ હબ અને ભારતના શહેરી ભવિષ્યના ચાલકબળમાં પરિવર્તિત કરવાનો છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2252188) મુલાકાતી સંખ્યા : 36