રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વધતી જતી લોકપ્રિયતાને કારણે, વંદે ભારત ટ્રેનો દેશભરમાં ઝડપી, આરામદાયક અને આધુનિક રેલવે પ્રવાસના નવા યુગની માંગને વેગ આપી રહી છે


લગભગ 34 ટકાની વૃદ્ધિ સાથે, નાણાકીય વર્ષ 2025-26માં આશરે 4 કરોડ મુસાફરોએ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી

શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 1 લાખ ટ્રિપ્સમાં આ હાઈ-સ્પીડ ટ્રેનો દ્વારા 9.1 કરોડથી વધુ મુસાફરોને સેવા આપવામાં આવી

નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈ-મૈસુર જેવા વધુ માંગ ધરાવતા રૂટ પરના પ્રવાસે પ્રવાસન અને પ્રાદેશિક જોડાણને પ્રોત્સાહન આપ્યું

વંદે ભારત સ્લીપર સર્વિસે શરૂઆતના ત્રણ મહિનામાં 1.21 લાખ મુસાફરો સાથે 100 ટકાથી વધુ ઓક્યુપન્સી (ભરચકતા) પ્રાપ્ત કરી

વધેલી ઝડપ, સુરક્ષા સુવિધાઓ અને મુસાફરોની સુવિધા સાથે, સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ વંદે ભારત એક્સપ્રેસ મેક ઇન ઇન્ડિયા વિઝનને આગળ ધપાવી રહી છે

प्रविष्टि तिथि: 10 APR 2026 7:55PM by PIB Ahmedabad

ભારતીય રેલવેના વંદે ભારત એક્સપ્રેસ નેટવર્ક પર મુસાફરોના સમર્થનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં માત્ર નાણાકીય વર્ષ 2025-26માં આશરે 3.98 કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 2.97 કરોડ મુસાફરોની સરખામણીએ વાર્ષિક ધોરણે લગભગ 34 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. આ તીવ્ર ઉછાળો દેશભરના મુસાફરોમાં ઝડપી, આરામદાયક અને આધુનિક રેલવે પ્રવાસ માટે વધતી જતી પસંદગી પર પ્રકાશ પાડે છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં, વંદે ભારત એક્સપ્રેસે 1 લાખ ટ્રિપ્સ દ્વારા 9.1 કરોડથી વધુ મુસાફરોને સેવા આપી છે, જે વ્યાપક જાહેર વિશ્વાસ અને સતત માંગને પ્રતિબિંબિત કરે છે.

ભારતીય રેલવે ભારતની પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલી અને ઉત્પાદિત સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ સાથે મુસાફરોના પ્રવાસને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખ્યું છે. ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી-વારાણસી રૂટ પર લોન્ચ કરવામાં આવેલી આ સેવા, 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ઝડપ, આરામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની દેશવ્યાપી નેટવર્કમાં વિકસી છે.

નવી દિલ્હી-વારાણસી રૂટ સૌથી વ્યસ્ત રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 73 લાખથી વધુ મુસાફરો નોંધાયા છે. નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રૂટ પર અંદાજે 56 લાખ મુસાફરોએ સેવા મેળવી છે, જે તીર્થયાત્રાના પ્રવાસ માટે તેનું મહત્વ દર્શાવે છે. દક્ષિણ ભારતમાં, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ રૂટ પર 48 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે, જ્યારે પુરત્ચી થલાઈવર ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ)-મૈસુર રૂટ પર 36 લાખથી વધુ મુસાફરો નોંધાયા છે, જે પ્રાદેશિક મજબૂત માંગને પ્રતિબિંબિત કરે છે. આ સેવાઓ પ્રવાસનના મહત્વના પ્રેરક તરીકે પણ ઉભરી આવી છે, જે મુખ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને દરિયાકાંઠાના સ્થળો સુધીની પહોંચમાં સુધારો કરવાની સાથે સ્થાનિક અર્થતંત્રો અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરે છે.

લાંબા અંતરના જોડાણને વધુ મજબૂત બનાવતા, ભારતીય રેલવેએ જાન્યુઆરી 2026માં વંદે ભારત સ્લીપર સેવા શરૂ કરી હતી. કામગીરીના માત્ર પ્રથમ ત્રણ મહિનામાં, આ સેવામાં 119 ટ્રિપ્સ દરમિયાન 1.21 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેણે 100 ટકાથી વધુ ઓક્યુપન્સી રેટ હાંસલ કર્યો છે, જે પ્રીમિયમ ઓવરનાઈટ (રાત્રિ પ્રવાસ) રેલવે પ્રવાસમાં મજબૂત માંગ અને મુસાફરોના વધતા વિશ્વાસને સૂચવે છે.

વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવેની નવીનતા, મુસાફર-કેન્દ્રી સેવા અને સ્વદેશી ઉત્પાદન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. મેટ્રો શહેરો, તીર્થસ્થળો, હેરિટેજ શહેરો અને ઉભરતા આર્થિક કેન્દ્રોને જોડતા સતત વિસ્તરણ અને સ્લીપર વેરિઅન્ટના ઉમેરા સાથે, ભારતીય રેલવે ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક મુસાફરી પૂરી પાડવા તરફ સતત આગળ વધી રહી છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં આધુનિક રેલવે પ્રવાસના પરિવર્તનનું નેતૃત્વ કરી રહી છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2251034) आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Telugu , Kannada