કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિની સર્વગ્રાહી સમીક્ષા કરી પાક-નુકસાન, વીમા દાવા અને ખેડૂતોની ત્વરિત સહાય પર ફોકસ કર્યું
ભારે વરસાદ, કરા અને પ્રતિકૂળ હવામાનથી પ્રભાવિત ખેડૂતોને વૈજ્ઞાનિક આકલનના આધારે ત્વરિત રાહત અને વીમા ક્લેમ સુનિશ્ચિત કરવા શ્રી શિવરાજ સિંહે નિર્દેશ આપ્યા
ખેડૂત-હિત, સંકલન, ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ અને સમયબદ્ધ સહાય પર આધારિત નવી કૃષિ કાર્યયોજના પર કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહનું લક્ષ
કઠોળ આત્મનિર્ભરતા મિશનને ગતિ આપવા માટે ઉત્પાદન, ખરીદી, MSP અને ખેડૂત-લાભ પર કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે ભાર મૂક્યો
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન, રીજનલ કોન્ફરન્સ અને પાક મુજબ રોડમેપ દ્વારા ખેતર-સ્તર સુધી વૈજ્ઞાનિક સલાહ પહોંચાડવાની વ્યાપક તૈયારી
પોસ્ટેડ ઓન:
20 MAR 2026 5:45PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ ભવન, નવી દિલ્હીમાં દેશના કૃષિ ક્ષેત્રની સર્વગ્રાહી સ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી. બેઠકમાં તાજેતરના દિવસોમાં અનેક રાજ્યોમાં થયેલા અતિવૃષ્ટિ, ભારે વરસાદ, કરા અને અન્ય પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને થયેલા સંભવિત નુકસાન, તેમની તાત્કાલિક જરૂરિયાતો, વીમા દાવાઓની પ્રક્રિયા તથા રાહત વ્યવસ્થા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમારું ફોકસ માત્ર ઉત્પાદન પર જ નહીં, પરંતુ પાક-નુકસાનના વૈજ્ઞાનિક આકલન, વીમાના સાચા દાવા અને ખેડૂતોની ત્વરિત સહાય પર પણ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીના નિર્દેશ પર આ સમીક્ષા બેઠક એવા સમયે યોજવામાં આવી છે, જ્યારે અનેક રાજ્યોમાં હવામાનની અનિશ્ચિતતા, પાક-નુકસાનની આશંકા અને ખેડૂતોની ત્વરિત સહાયની જરૂરિયાત મુખ્ય મુદ્દાઓ બનેલા છે, જેથી નીતિ, રાહત અને મોદી સરકારની વિવિધ યોજનાઓની પહોંચ ત્રણેય સ્તરે સંકલિત રીતે સુનિશ્ચિત કરી શકાય.

પાક-નુકસાનનું વૈજ્ઞાનિક આકલન અને વીમા દાવાઓ પર વિશેષ ભાર
શ્રી ચૌહાણે બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ સચિવ, કૃષિ કમિશનર તથા તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ખેડૂતોને જ્યાં પણ સહાયની જરૂર હોય, ત્યાં રાજ્ય સરકારો સાથે સંકલન સાધીને શીઘ્ર ક્રોપ કટિંગ પ્રયોગ, નુકસાનનું વૈજ્ઞાનિક આકલન અને ત્વરિત રાહત સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં ભારે વરસાદ, કરા અથવા હવામાનની અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓથી નુકસાન થયું છે, ત્યાં ફિલ્ડ સ્તરે સમયબદ્ધ કાર્યવાહી અનિવાર્ય છે જેથી કોઈ પણ ખેડૂતને રાહત માટે રાહ જોવી ન પડે.
શ્રી ચૌહાણે તમામ અધિકારીઓને કહ્યું કે રાજ્યો સાથે તરત જ સંવાદ કરો, સંપર્ક કરો, જેથી યોગ્ય રીતે ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ થઈ શકે, નુકસાનનું આકલન કરી શકાય, અને જો ખેડૂતને નુકસાન થયું હોય તો યોગ્ય રીતે, વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમના વીમાના દાવાઓ બની જાય જેથી આપણે આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોની મદદ કરી શકીએ. તેમણે એ પણ જણાવ્યું કે હવામાન વિભાગે આગળ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા વ્યક્ત કરી છે, તેથી ખેડૂતોને શું સલાહ આપવામાં આવે, તેના પર પણ વ્યાપક સ્તરે ચર્ચા કરી આવશ્યક નિર્દેશો આપવામાં આવ્યા છે.
પ્રતિકૂળ હવામાન, હવામાનની આગાહી અને જોખમ વ્યવસ્થાપન
બેઠકમાં હવામાનની આગાહી અને પાકની તાજેતરની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી જેથી આગામી દિવસોમાં સંભવિત હવામાન જોખમો અનુસાર તૈયારી કરી શકાય. શ્રી ચૌહાણે કહ્યું કે કૃષિ વિભાગ, રાજ્યો અને સંલગ્ન સંસ્થાઓએ મળીને એવી કાર્યયોજના બનાવવી જોઈએ, જેનાથી ખેડૂતને સમયસર સલાહ, સહાય અને સુરક્ષા મળે. તેમણે સ્પષ્ટ કર્યું કે કૃષિ ક્ષેત્રનું લક્ષ્ય માત્ર ઉત્પાદન નહીં, પરંતુ ખેડૂતની સુરક્ષા, આવકની સ્થિરતા અને સમયસર સહાય હોવી જોઈએ, અને પાકની સ્થિતિ, હવામાનના જોખમ, પ્રોક્યોરમેન્ટ રેડીનેસ (ખરીદીની તૈયારી) તથા રાહત તંત્ર વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરવું આવશ્યક છે.
કઠોળ આત્મનિર્ભરતા મિશન, MSP અને બમ્પર ઉત્પાદનની ખરીદી
શ્રી ચૌહાણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઘઉં અને ડાંગરની સરકારી ખરીદી શરૂ થવા જઈ રહી છે અને આ વખતે રવિ પાકનું ઉત્પાદન બમ્પર રહ્યું છે જેના કારણે દેશ પાસે ઘઉં, ડાંગર અને ચોખાની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે અમે ઘઉં-ડાંગર પણ ખરીદીશું પરંતુ તેની સાથે-સાથે કઠોળના પાક પર અમારું ફોકસ ઘણું વધારે છે. તુવેર, મસૂર, અડદ – ખેડૂત જેટલું વેચવા માંગશે, અમે તેટલું ખરીદીશું. તેમણે સ્પષ્ટ કર્યું કે કઠોળની ખરીદી રાજ્ય સરકારો ઉપરાંત નાફેડ (NAFED) અને સીસીએફ (CCF) જેવી એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવશે જેથી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) થી નીચે વેચાણની સ્થિતિ ન સર્જાય અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે. શ્રી ચૌહાણે કઠોળ આત્મનિર્ભરતા મિશનની પ્રગતિની સમીક્ષા કરતી વખતે તુવેર, અડદ તથા મસૂર જેવા મુખ્ય કઠોળ પાકોના ઉત્પાદન વિસ્તાર, ક્ષેત્ર વૃદ્ધિ અને MSP આધારિત ખરીદી વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ મિશનનો ઉદ્દેશ્ય દેશને કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવો, આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોને વધુ લાભ પહોંચાડવો છે અને તેના માટે જમીની સ્તરે નક્કર કાર્યયોજના બનાવવામાં આવી રહી છે.
ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પર પણ ફોકસ, પ્રીમિયમ વેલ્યુ માટે અભિયાન
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે સ્પષ્ટ કર્યું કે હવે કૃષિ નીતિનું ફોકસ માત્ર જથ્થા સુધી મર્યાદિત નહીં રહે પરંતુ ગુણવત્તા સુધારણા પર પણ સમાન રીતે ભાર મૂકવામાં આવશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે મધ્યપ્રદેશના ‘શરબતી’ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંને બજારમાં 400 રૂપિયાથી વધુનું પ્રીમિયમ મળી જાય છે, તેથી જરૂરિયાત એ વાતની છે કે વધુ સારી જાતો, બાયોફોર્ટિફાઇડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે જેથી MSP થી ઉપર પણ ખેડૂતોને સારા ભાવ મળી શકે. તેમણે કહ્યું કે અમે ઉત્પાદન તો વધારીશું જ, પરંતુ ક્વોન્ટિટીની સાથે-સાથે ગુણવત્તા પણ કેવી રીતે સુધારવી કરવી, તેના પર પણ અભિયાન ચલાવીશું. બહેતર જાતો અને ફોર્ટિફાઇડ જાતો ખેડૂતો માટે વધારે રેટ અપાવી શકે છે, તેથી આપણે જાત-પસંદગી અને ગુણવત્તા સુધારણા પર વિશેષ ધ્યાન આપવું પડશે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન, રીજનલ કોન્ફરન્સ અને પાક મુજબ રોડમેપ
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે આગામી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની તૈયારીઓની પણ સમીક્ષા કરી જે ગત વખતની જેમ આ વખતે પણ દેશવ્યાપી સ્તરે ખેડૂતો સુધી વૈજ્ઞાનિક સલાહ, અદ્યતન ટેકનોલોજી અને ક્ષેત્ર-વિશિષ્ટ કૃષિ માર્ગદર્શન પહોંચાડવા માટે ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાન માત્ર ઔપચારિક કાર્યક્રમ ન રહેતા ખેતર-સ્તરે ઉપયોગી પરિણામ આપનારું હોવું જોઈએ જેથી વાવણી પહેલા ખેડૂત સાચો પાક, સાચી જાત અને સાચી કૃષિ પદ્ધતિની પસંદગી કરી શકે.
શ્રી ચૌહાણે જણાવ્યું કે પહેલા ખરીફ પાકની તૈયારી માટે માત્ર એક બેઠક દિલ્હીમાં થતી હતી પરંતુ હવે તેની જગ્યાએ પાંચ ઝોન – ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વી ભારત અને હિલી સ્ટેટ્સ (ઉત્તર-પૂર્વ સહિત) માં રીજનલ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 7 એપ્રિલે જયપુર, 17 એપ્રિલે લખનઉ અને 24 એપ્રિલે ઓડિશામાં ત્રણ રીજનલ કોન્ફરન્સ નક્કી કરવામાં આવી છે જ્યારે અન્ય બે તારીખો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ તે ક્ષેત્રના ICAR ના જવાબદાર વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાતો, સફળ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) તથા ખાનગી ક્ષેત્રના તે પ્રતિનિધિઓ પણ ભાગ લેશે, જેમણે રિસર્ચ, વેલ્યુ એડિશન, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.
તેમણે કહ્યું કે અમે બીજથી લઈને બજાર સુધી, આખું વેલ્યુ ચેઈન વિચારીને વ્યૂહરચના બનાવી રહ્યા છીએ જેથી ખેડૂતને બીજથી લઈને બજાર સુધી દરેક સ્તરે સહારો મળે. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે એ પણ જણાવ્યું કે દરેક મુખ્ય પાક માટે એક “પાક આધારિત રોડમેપ” અને દરેક રાજ્ય માટે “રાજ્ય-આધારિત કૃષિ રોડમેપ” તૈયાર કરવામાં આવશે. સોયાબીન, મકાઈ, નારિયેળ વગેરે પાકો પર અગાઉથી જ વિગતવાર ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ઉત્પાદન વધારવા, ગુણવત્તા સુધારવા, રોગોનો સામનો કરવા અને ક્લીન પ્લાન્ટિંગ મટીરિયલ ઉપલબ્ધ કરાવવા જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
શ્રી ચૌહાણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે ખભેથી ખભા મિલાવીને ઉભી છે અને અમે નિરંતર આ દિશામાં લાગેલા છીએ કે આપણા ખેડૂતોની સેવા સારામાં સારી કરી શકીએ તથા તેમના માધ્યમથી દેશના ઉત્પાદન અને સમૃદ્ધિને નવી ઊંચાઈ પર લઈ જઈએ.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2243101)
મુલાકાતી સંખ્યા : 35