વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવીના બહાદુર ક્રૂ સાથે વાતચીત કરી


“ઉચ્ચ જોખમ ધરાવતા દરિયાઈ ક્ષેત્રમાં લગભગ બે અઠવાડિયા સુધી રાહ જોયા પછી ક્રૂએ અસાધારણ હિંમત દર્શાવી છે:” સર્બાનંદ સોનોવાલ

સર્બાનંદ સોનોવાલે ક્રૂ સાથે વાતચીત કરી; ખલાસીઓને “વૈશ્વિક વેપારના અદ્રશ્ય નાયકો” (unsung heroes) ગણાવ્યા

ભારતીય ધ્વજ ધરાવતા LPG જહાજો મુંદ્રા અને કંડલા પહોંચ્યા, અવિરત ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કર્યો

પોસ્ટેડ ઓન: 17 MAR 2026 6:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW), સર્બાનંદ સોનોવાલે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આજે અહીં ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવી ના બહાદુર ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ LPG કાર્ગોના સુરક્ષિત પરિવહન માટે તેમની હિંમત અને અતૂટ કર્તવ્યનિષ્ઠા બદલ રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી વાતચીતમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન; શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન બી.કે. ત્યાગી; શિવાલિકના કેપ્ટન સુખમીત સિંહ અને ક્રૂ; અને નંદા દેવીના કેપ્ટન ધીરજ કુમાર અગ્રવાલ અને ક્રૂ હાજર રહ્યા હતા.

ખલાસીઓને સંબોધતા સર્બાનંદ સોનોવાલે કહ્યું કે વાતચીત ક્રૂ પ્રત્યેરાષ્ટ્રની હૃદયપૂર્વકની કૃતજ્ઞતાની અભિવ્યક્તિછે, જેમણે ઉચ્ચ જોખમ ધરાવતા દરિયાઈ વાતાવરણમાં કાર્યરત હોવા છતાં મહત્વપૂર્ણ LPG પુરવઠાની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરી છે.

શિવાલિક અને નંદા દેવીના ક્રૂની હિંમત, સમર્પણ અને વ્યાવસાયિકતાને સ્વીકારવી ખૂબ ગર્વની વાત છે. તમારા પ્રયત્નોએ મહત્વપૂર્ણ LPG કાર્ગોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કર્યો, જેનાથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થઈ,” સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

મંત્રીએ નોંધ્યું હતું કે બંને જહાજો ભારત તરફની તેમની સફર ચાલુ રાખતા પહેલા સુરક્ષાની વધતી ચિંતા વચ્ચે લગભગ બે અઠવાડિયા સુધી ઉચ્ચ જોખમ ધરાવતા ઝોનમાં સ્થિર રહ્યા હતા. સોનોવાલે કહ્યું કે ક્રૂએ પડકારજનક પરિસ્થિતિઓમાં અસાધારણ શાંતિ, તત્પરતા અને વ્યાવસાયિકતાનું પ્રદર્શન કર્યું હતું.

અગાઉ, બે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ 16 અને 17 માર્ચે ભારત પહોંચતા પહેલા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને સુરક્ષિત રીતે પાર કરી ગયા હતા, કારણ કે પશ્ચિમ અશિયામાં બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે સરકાર પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ કામગીરી પર સતત દેખરેખ રાખી રહી છે. આશરે 92,712 મેટ્રિક ટન LPG વહન કરતા MT શિવાલિક અને MT નંદા દેવીએ શુક્રવારે વહેલી સવારે (13 માર્ચ, 2026) હોર્મુઝની સામુદ્રધુની પાર કરી હતી.

ખલાસીઓ વૈશ્વિક વેપારના અદ્રશ્ય નાયકો છે. તમારા ઘર અને પરિવારથી દૂર રહીને, તમે ખાતરી કરો છો કે આવશ્યક કાર્ગો તેના ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે પહોંચે,” સોનોવાલે વૈશ્વિક સપ્લાય ચેઇનને ટકાવી રાખવામાં દરિયાઇ કર્મચારીઓ દ્વારા ભજવવામાં આવતી મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે ભારતીય ખલાસીઓ દ્વારા સંચાલિત બે ભારતીય ધ્વજ ધરાવતા જહાજોની સફળ સફર ભારતની દરિયાઈ કાર્યશક્તિની શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમે દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા અને અમારા ખલાસીઓની સલામતી, ગૌરવ અને વૈશ્વિક માન્યતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ,” સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

સોનોવાલે ખલાસીઓના પરિવારોના સમર્થનને પણ સ્વીકાર્યું અને તેમને તેમના સમર્પણ અને સેવા પાછળનો મહત્વનો આધાર ગણાવ્યા. બંને જહાજોના માસ્ટર્સ, અધિકારીઓ અને ક્રૂને અભિનંદન આપતા મંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિ વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાના ઉદાહરણ તરીકે ઉભરી છે, અને તેમને આગામી સુરક્ષિત સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DG Shipping) જહાજ માલિકો, રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સ (RPSL) એજન્સીઓ અને ક્ષેત્રમાં ભારતીય રાજદ્વારી મિશનો સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સક્રિયપણે અને સીધી રીતે પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.

સુચારુ દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે, સરકાર દરિયાઈ વેપારમાં કોઈપણ અવરોધ ઘટાડવા માટે બંદરો, શિપિંગ લાઇન્સ અને લોજિસ્ટિક્સ હિતધારકો સાથે નજીકથી કામ કરી રહી છે. બંદરોને જ્યાં જરૂર હોય ત્યાં રાહતનાં પગલાં લંબાવવાની સલાહ આપવામાં આવી છે, જેમાં એન્કરેજ, બર્થ હાયર અને સ્ટોરેજ ચાર્જમાં છૂટછાટોનો સમાવેશ થાય છે.

મુખ્ય બંદરો કાર્ગોના સમયસર નિકાલ અને ઉર્જા પુરવઠામાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે LPG જહાજો માટે બર્થિંગને અગ્રતા આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના મુખ્ય બંદરો પર LPG જહાજો પ્રાપ્ત થયા છે. વધુમાં, બંદરો ગલ્ફ ક્ષેત્ર માટે કાર્ગો ભરેલા જહાજો માટે સુરક્ષિત એન્કરેજ વિસ્તારો પૂરા પાડી રહ્યા છે જે પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે હાલમાં પરિવહન કરવામાં અસમર્થ છે.

મંત્રાલયે કહ્યું કે તે વિદેશ મંત્રાલય, વિદેશમાં ભારતીય મિશન્સ, શિપિંગ કંપનીઓ અને અન્ય દરિયાઈ હિતધારકો સાથે ગાઢ સંકલન કરીને દરિયાઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે, જેમાં ભારતીય ખલાસીઓના કલ્યાણ અને ભારતના દરિયાઈ લોજિસ્ટિક્સ નેટવર્કની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

  

 

 

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2241435) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Telugu