રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પાંચ અબજ (5 બિલિયન) ભોજનની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમની શોભા વધારી


આપણા બાળકોને પૌષ્ટિક ખોરાક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે આવશ્યક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 17 MAR 2026 1:15PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 માર્ચ, 2026) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પાંચ અબજ ભોજનની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમની શોભા વધારી હતી.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે શૈક્ષણિક ઉદ્દેશ્યોની પ્રગતિમાં પાંચ અબજ ભોજન પીરસવા એ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની નોંધપાત્ર સિદ્ધિ છે. આ કાર્યક્રમની થીમ, 'સુપોષિત અને સુશિક્ષિત ભારતથી વિકસિત ભારત સુધી', વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' નિર્માણના આપણા રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં પોષણયુક્ત અને શિક્ષિત સમાજના મહત્વ પર ભાર મૂકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બાળકો માટે સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જ્યારે શિક્ષકો, વાલીઓ, સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ સેક્ટર અને સમાજનો દરેક વર્ગ સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે આવનારી પેઢી માટે મજબૂત પાયો નાખીએ છીએ. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૌષ્ટિક ખોરાક, સારું સ્વાસ્થ્ય અને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ મળે. આ પાયાની બાબતો બાળકોના સર્વાંગી વિકાસને સક્ષમ બનાવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણ એ એવું સાધન છે જે વ્યક્તિના જીવનમાં ઉપલબ્ધ તકો નક્કી કરે છે અને તેમની સફળતાનો માર્ગ મોકળો કરે છે. તે પરિવર્તન અને સશક્તિકરણ માટે અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે. સશક્તિકરણ અને ક્ષમતા નિર્માણની પ્રક્રિયા જે ક્ષણથી બાળકો શાળાએ જવાનું શરૂ કરે છે ત્યારથી જ આકાર લેવાનું શરૂ કરે છે. શાળા બાળકોને દૈનિક જીવનના પડકારોને અસરકારક રીતે પાર પાડવા અને જવાબદાર, સભાન નાગરિક બનવા માટે જરૂરી કૌશલ્યો અને અનુભવોથી સજ્જ કરે છે. તેમણે છેલ્લા 25 વર્ષોથી શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડીને બાળકોમાં કુપોષણની સમસ્યાને ઉકેલવા અને તેમને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરવા બદલ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તે આવશ્યક છે કે આપણા બાળકો, જે રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમને પૌષ્ટિક ખોરાક અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સરળ પહોંચ મળે. ભારત સરકારે સગર્ભા માતાઓ અને બાળકોને પર્યાપ્ત પોષણ અને બહેતર આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી અસંખ્ય મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે. PM POSHAN હેઠળ અમલમાં મુકાયેલ સ્કૂલ લંચ પ્રોગ્રામ (શાળા મધ્યાહન ભોજન કાર્યક્રમ), વાલીઓ માટે તેમના બાળકોને શાળાએ મોકલવા માટે એક નોંધપાત્ર પ્રોત્સાહન સાબિત થયો છે. અસંખ્ય અભ્યાસો પુષ્ટિ આપે છે કે આ કાર્યક્રમના પરિણામે શાળાઓમાં બાળકોના નામાંકન (enrolment), હાજરી અને તેમને શિક્ષા જાળવી રાખવાના દરમાં વધારો થયો છે. તેમજ તેમની શીખવાની ક્ષમતા અને શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન 'સમગ્ર શિક્ષા અભિયાન' ના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત અને સમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે બાળકો માત્ર મફત ભોજન કાર્યક્રમના લાભાર્થી નથી. તેઓ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા છે. આજે તેઓ જે પૌષ્ટિક ખોરાક મેળવે છે તે આપણા રાષ્ટ્રની માનવ મૂડીમાં રોકાણ છે. સ્વસ્થ, શિક્ષિત અને ઉર્જાવાન બાળકો ભારતનું કાર્યબળ (workforce) બનશે અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

રાષ્ટ્રપતિનું સંબોધન માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2241108) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Telugu