પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 12 MAR 2026 9:57PM by PIB Ahmedabad

આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.

સાથીઓ,

21મી સદીનો આ કાળખંડ 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવો છે. એક તરફ યુદ્ધની વિભીષિકા છે, સપ્લાય ચેઈન ફરીથી તહસ-નહસ થઈ રહી છે, સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓની પ્રાસંગિકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી રહ્યા છે, અને આવા કાળખંડમાં આપણું ભારત આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ આગળ વધી રહ્યું છે. આજે દુનિયા ઈતિહાસના જે મહત્વપૂર્ણ પડાવ પર ઉભી છે, તે પડાવ પર જે દેશનું નામ સૌથી વધારે ચર્ચામાં છે - તે છે ભારત. વર્તમાનમાં આટલા બધા સંકટોની વચ્ચે દુનિયાનું દરેક ગંભીર નેતૃત્વ, દરેક જાણકાર ભારતને લઈને ખૂબ આશાઓથી ભરેલું છે. હમણાં જ ફિનલેન્ડના પ્રેસિડેન્ટ એલેક્ઝાન્ડર સ્ટબ ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે હવે દુનિયાની દિશા, ગ્લોબલ સાઉથ નક્કી કરશે અને તે દિશાને નિર્ધારિત કરનાર સૌથી મોટી શક્તિ હશે - ભારત. આ પહેલા કેનેડાના પીએમ કાર્નીએ પણ કહ્યું હતું કે આગામી ત્રણ દાયકાઓમાં દુનિયાની Economic Gravity જે સેન્ટરની તરફ શિફ્ટ થઈ રહી છે, તેનું નામ ભારત છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં પણ માને છે કે ભારત દુનિયાના સૌથી મોટા મુદ્દાઓને ઉકેલનાર એક અનિવેટેબલ પાર્ટનર બની ચૂક્યું છે. આજે ટેક વર્લ્ડ અને અર્થ જગતના ગ્લોબલ લીડર્સના નિવેદનોનો નિચોડ કાઢીએ તો એક જ ભાવ સામે આવે છે, જો તમે ભવિષ્યનો હિસ્સો બનવા માંગો છો, તો તમારે ભારત સાથે જોડાવું જ પડશે, ભારતમાં હોવું જ પડશે.

સાથીઓ,

હમણાં જ ભારતે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે. હર કોઈ ખુશ છે અને ભારતમાં તો ક્રિકેટનો મામલો એવો છે કે જો કોઈ ઓફિસમાં કોઈ કરોડોની વાત ચાલતી હોય, કોઈ સરસ પ્રેઝન્ટેશન ચાલતું હોય, વિદેશના મહેમાન પ્રેઝન્ટેશન કરી રહ્યા હોય છતાં પણ તે જરા સ્લાઈડ પરથી નજર હટાવીને પેલો સ્કોર શું છે તે જુએ છે. અને કોઈ ને કોઈ તો પૂછી જ લે છે- ભાઈ સ્કોર શું થયો? ઠીક એવી જ સ્થિતિ, આજે ભારતીય અર્થવ્યવસ્થાની છે. આજે હર કોઈ ઈકોનોમીની રનિંગ કોમેન્ટ્રી ઈચ્છે છે. ભારતની ઈકોનોમીનું ગયા મહિને શું સ્ટેટસ હતું, આજે શું હાલ છે, આ બધું જાણવા માટે દેશવાસીઓ ઉત્સુક રહે છે. મને યાદ નથી આવતું, આટલી ઉત્સુકતા દેશમાં પહેલા હતી કે નહીં? અને હતી તો ક્યારે હતી? આ દર્શાવે છે કે આજે ભારતીયોના એસ્પિરેશન્સ અને આત્મવિશ્વાસ કયા સ્તરે છે. આ જ, દુનિયાના ભારત પર ભરોસાનું સૌથી મોટું કારણ પણ છે.

અને સાથીઓ, નિશ્ચિતપણે જ્યારે આટલી બધી આશાઓ જોડાયેલી હોય, દુનિયાની નજર આપણા દેશ પર હોય તો આપણે સૌની જવાબદારી વધી જાય છે.

સાથીઓ,

આજનો ભારત માત્ર આગળ નથી વધી રહ્યો. ભારત પોતાને Next Level પર લઈ જઈ રહ્યો છે. આજે દેશમાં Next Generation ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, આપણે નેક્સ્ટ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તરફ વધી રહ્યા છીએ. UPI એ ડિજિટલ પેમેન્ટ્સને Next Phase માં પહોંચાડી દીધું છે. આજે ભારત દુનિયામાં સૌથી ઝડપી રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સ કરનાર દેશ બન્યો છે.

સાથીઓ,

ભારત આજે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ પણ કરી રહ્યો છે, તે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે. ક્યારેક ભારતમાં ઘણા કામ, ઘણા નિર્ણયો Next to Impossible માનવામાં આવતા હતા, આજે ભારત તે નિર્ણયો પણ લઈ રહ્યો છે. ક્યારેક કહેવાતું હતું કે કલમ 370 હટાવવી અશક્ય છે. પરંતુ આજે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની દીવાલ પડી ચૂકી છે. ક્યારેક લાગતું હતું કે દેશમાં સૌનું બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવું અશક્ય છે. પરંતુ આજે 50 કરોડથી વધારે જનધન ખાતાઓએ આ શક્ય કરી બતાવ્યું છે. ક્યારેક લાગતું હતું કે ટ્રિપલ તલાકને ખતમ કરવું અશક્ય છે. પરંતુ આજે મુસ્લિમ બહેનોને આ અન્યાયથી મુક્તિ મળી છે. ક્યારેક મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં તેત્રીસ ટકા આરક્ષણ પણ અશક્ય લાગતું હતું. પરંતુ આજે આના માટે કાયદો બની ચૂક્યો છે. ક્યારેક અંતરિક્ષ અને એડવાન્સ ટેકનોલોજીને લઈને પણ ભારતની લિમિટ્સ બતાવવામાં આવતી હતી. પરંતુ આજે મૂન મિશન, સેમિકન્ડક્ટર મિશન, ક્વોન્ટમ મિશન, આ બધું ભારતને નેક્સ્ટ ફ્રન્ટિયર ઑફ ટેકનોલોજીની તરફ લઈ જઈ રહ્યા છે.

સાથીઓ,

આજનો ભારત માત્ર સપના નથી જોઈ રહ્યો. ભારત તેમને સાચા કરી રહ્યો છે. એટલા માટે જ આજે દુનિયા કહી રહી છે- India is not just progressing. India is moving to the Next.

સાથીઓ,

દેશના વિકાસનો એક ઘણો મોટો આધાર હોય છે કે આપણે પડકારોનો કેવી રીતે સામનો કરી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિઓ અચાનક બદલાય છે. વીતેલા વર્ષોમાં આપણે પહેલા કોરોનાની આપત્તિ જોઈ પછી રશિયા-યુક્રેનનું સંકટ જોયું અને હવે આપણા ઘણા નજીકમાં જ એક બીજું મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધે પૂરા વિશ્વને ઘણા મોટા ઊર્જા સંકટમાં ધકેલી દીધું છે.

સાથીઓ,

આવી વિકટ પરિસ્થિતિઓમાં ખૂબ મહત્વનું છે કે એક દેશ તરીકે આપણે આનો કેવી રીતે સામનો કરીએ છીએ. સંકટ કાળ એક પ્રકારથી, પૂરા રાષ્ટ્રની પરીક્ષા હોય છે. શાંતિની સાથે, ધૈર્યની સાથે આપણે પરિસ્થિતિઓમાંથી બહાર આવવાનું હોય છે. જનવિશ્વાસ વધારીને જનતાને જાગૃત કરતા, આપણે ચાલવાનું હોય છે. અને આમાં હર કોઈની ભૂમિકા હોય છે. દરેક રાજકીય પક્ષની, મીડિયાની, સામાજિક સંસ્થાઓની, ઈન્ડસ્ટ્રીની, યુવાઓની, ગામની, શહેરની દરેકની ભૂમિકા મહત્વની હોય છે. અને આપણે કોરોના કાળમાં જોયું છે જ્યારે સૌ મળીને ચાલે છે તો સંકટના સામનો કરવા માટે દેશનું સામર્થ્ય અનેકગણું વધી જાય છે. આજે દેશની સામે એક બીજો પડકાર છે અને તેથી આપણે મળીને પ્રયાસ કરવા પડશે, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખતા પોતાના કર્તવ્ય નિભાવવા પડશે.

સાથીઓ,

આજકાલ ઘણી ચર્ચા LPG ને લઈને થઈ રહી છે. કેટલાક લોકો છે જે પેનિક ક્રિએટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોતાનો એજન્ડા ચલાવવા માંગે છે. હું આ સમયે તેમના પર રાજકીય ટિપ્પણી નથી કરવા માંગતો. પરંતુ એટલું જરૂર કહીશ કે એવું કરીને તેઓ જનતાની સમક્ષ પોતે એક્સપોઝ તો થઈ જ રહ્યા છે અને દેશનું પણ મોટું નુકસાન કરી રહ્યા છે.

સાથીઓ,

આજે યુદ્ધથી જે આ વૈશ્વિક સંકટ આવ્યું છે તેના પ્રભાવથી કોઈ દેશ અછૂતો નથી. ઓછા-વધારે પ્રમાણમાં દરેક શિકાર છે, ભારત સરકાર પણ, આ સંકટમાંથી બહાર આવવા માટે કોઈ કસર બાકી નથી છોડી રહી. અને આપણે અલગ-અલગ સ્તરો પર પ્રયાસ કરી રહ્યા છીએ. વીતેલા દિવસોમાં, દુનિયાના ઘણા દેશોના શીર્ષ નેતાઓ સાથે મારી આને લઈને વાતચીત થઈ છે. સપ્લાય ચેઈનમાં જે બાધાઓ આવી છે, તેનાથી આપણે કેવી રીતે પાર પામીએ, તેના માટે પણ નિરંતર પ્રયાસ ચાલી રહ્યા છે.

સાથીઓ,

ભારતના તેજ વિકાસ માટે અલગ-અલગ એનર્જી સોર્સીસને પ્રોત્સાહન આપવું નિરંતર જરૂરી રહ્યું છે. અને આને મજબૂત કરવા માટે આપણે બે સ્તરો પર એક સાથે કામ કર્યું છે. પહેલું દેશમાં એનર્જી એક્સેસ વધે, આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું. અને બીજું- એનર્જી માટે આપણે માત્ર વિદેશો પર નિર્ભર ન રહેવું પડે, તેના માટે એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા પર બળ આપ્યું. હવે હું તમને ગેસ સેક્ટરના જ કેટલાક આંકડા આપું છું. વર્ષ 2014 સુધી દેશમાં માત્ર 14 કરોડ LPG કનેક્શન હતા. એટલે દેશના લગભગ-લગભગ અડધા પરિવારો પાસે જ LPG કનેક્શન હતું. આજે બમણાથી પણ વધુ એટલે આશરે 33 કરોડ ઘરેલું LPG કનેક્શન છે. વીતેલા 11 વર્ષોમાં આપણે પોતાની બોટલિંગ કેપેસિટીને બમણી કરી છે. ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પણ 13 હજારથી વધીને 25 હજારથી વધુ થઈ ગયા છે. 2014માં દેશમાં માત્ર 4 LNG ટર્મિનલ હતા, આજે તેમની સંખ્યા પણ વધીને બમણી થઈ ગઈ છે. ગેસ પાઈપલાઈન જે આશરે સાડા ત્રણ હજાર કિલોમીટર હોતી હતી તેને 10 હજાર કિલોમીટર સુધી વિસ્તાર આપ્યો છે. કારણ કે આશરે 60 ટકા LPG વિદેશોથી આવે છે તેથી દેશના મોટા પોર્ટ્સ પર ઈમ્પોર્ટ ટર્મિનલ કેપેસિટી પણ ઘણી વધારવામાં આવી છે.

સાથીઓ,

વર્ષ 2014 પહેલા સુધી દેશમાં માત્ર 25-26 લાખ ઘરોમાં જ, પાઈપથી સસ્તી ગેસ એટલે PNG ની સુવિધા હતી. આજે આ સંખ્યા પણ સવા કરોડથી વધુ પહોંચી ગઈ છે. 2014માં દેશમાં CNG પર ચાલતી ગાડીઓ પણ 10 લાખથી વધારે નહોતી. આજે આ સંખ્યા 70 લાખથી વધુ છે. અને આ ત્યારે જ શક્ય થઈ રહ્યું છે કારણ કે વીતેલા દાયકામાં દેશના 600 થી વધુ જિલ્લાઓમાં City Gas Distribution network સ્થાપિત કરવામાં આવ્યા છે.

સાથીઓ,

આ વૈશ્વિક સંકટે એકવાર ફરી બતાવ્યું છે કે કોઈ પણ દેશનું આત્મનિર્ભર હોવું આટલું વધારે જરૂરી કેમ છે. તેથી જ વીતેલા વર્ષોમાં આપણે ભારતને એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે હોલિસ્ટિક રીતે કામ કર્યું છે.

સાથીઓ,

પેટ્રોલિયમ પર નિર્ભરતાને ઓછી કરવા માટે આપણે ઈથેનોલ પર, બાયોફ્યુઅલ પર બળ આપ્યું. 2014 પહેલા દેશમાં માત્ર એક-દોઢ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કેપેસિટી જ હતી. આજે આપણે પેટ્રોલમમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગની નજીક પહોંચી રહ્યા છીએ. જો આ કામ ન કર્યું હોત તો આપણે વીતેલા 11 વર્ષોમાં આશરે 18 કરોડ બેરલ વધારાનું તેલ વિદેશોથી ખરીદવું પડત. આજે સ્થિતિ જોઈએ તો ઈથેનોલના કારણે આપણને પ્રતિવર્ષ આશરે સાડા ચાર કરોડ બેરલ ઓછું ઓઈલ ઈમ્પોર્ટ કરવું પડી રહ્યું છે. એટલે આશરે દોઢ લાખ કરોડ રૂપિયાની બચત તો દેશને માત્ર આનાથી જ થઈ છે.

સાથીઓ,

ભારતમાં પેટ્રોલિયમનો ઘણો મોટો કન્ઝ્યુમર આપણી રેલવે પણ છે. આપણા દેશમાં રેલવે લાઈનોના ઈલેક્ટ્રિફિકેશનનું કામ 60 વર્ષ પહેલા શરૂ થયું હતું. છતાં પણ 2014 સુધી માત્ર 20 ટકા રેલવે રૂટનું ઈલેક્ટ્રિફિકેશન જ થઈ શક્યું હતું. બાકી રેલવે રૂટ્સ પર હજારો ડીઝલ એન્જિન ચાલતા હતા. આજે ભારતમાં બ્રોડગેજ નેટવર્કનું લગભગ-લગભગ 100 ટકા વીજળીકરણ થઈ ચૂક્યું છે. આનાથી, વર્ષ 2024-25માં જ ભારતીય રેલવેએ આશરે 180 કરોડ લીટર ડીઝલની બચત કરી છે. જો ઈલેક્ટ્રિફિકેશન ન થયું હોત તો દર વર્ષે આટલું ડીઝલ બનાવવા માટે એક્સ્ટ્રા ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ કરવું પડત. એ જ રીતે, આપણે મેટ્રોનું નેટવર્ક વધાર્યું, ઈલેક્ટ્રિક મોબિલિટી પર ફોકસ કર્યું.

એ જ રીતે એક બીજું ઘણું મોટું કામ આપણે રિન્યુએબલ એનર્જીને લઈને કર્યું છે. આજે આપણી ટોટલ installed power generation capacity નો અડધો હિસ્સો રિન્યુએબલ સોર્સમાંથી આવે છે. આપણી કુલ રિન્યુએબલ ક્ષમતા આજે 250 ગીગાવોટના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ છે. તમે વિચારો વર્ષ 2014માં ભારતની સોલર પાવર કેપેસિટી માત્ર બે ગીગાવોટ હતી, આજે આ આશરે ચાલીસ ગણી વધીને 130 ગીગાવોટ થઈ ચૂકી છે. ઘરેલું ઉપયોગમાં ગેસ સિવાય વીજળી વધુમાં વધુ કામ આવે તેના માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના લાગુ કરવામાં આવી. અત્યાર સુધી આ સ્કીમ હેઠળ આશરે 30 લાખ પરિવારોએ રૂફટોપ સોલર લગાવ્યા છે.

સાથીઓ,

આ સિવાય આપણે ગોબરધન સ્કીમ પર પણ કામ કર્યું. આના હેઠળ Compressed Biogas બનાવવા પર કામ કરવામાં આવ્યું. અત્યાર સુધી દેશમાં 100 થી વધુ પ્લાન્ટ ચાલુ થઈ ચૂક્યા છે અને 600 થી વધારે પર કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

પેટ્રોલ-ડીઝલના ક્ષેત્રમાં આપણે કેપેસિટી બિલ્ડિંગની દિશામાં પણ વ્યાપક પ્રયાસ કર્યા છે. 2014 પહેલા ભારત પાસે strategic પેટ્રોલિયમ રિઝર્વ એટલે સંકટના સમયે કાચું તેલ સ્ટોર કરવાની કેપેસિટી ના બરાબર હતી. આજે આપણી પાસે, 50 લાખ ટનથી વધુનું strategic પેટ્રોલિયમ રિઝર્વ છે. અને આનાથી પણ વધુ કેપેસિટી પર કામ ચાલી રહ્યું છે. વીતેલા દાયકામાં પોતાની રિફાઈનિંગ કેપેસિટીમાં પણ આપણે વાર્ષિક 40 મિલિયન ટનથી વધુની વૃદ્ધિ કરી છે. ત્યારે જ ભારત આજે દુનિયાના સૌથી મોટા refining hubs માંથી એક બન્યું છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેટલા મોટા પાયા પર અને કેટલી મોટી દિશાઓમાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધનાં કારણથી જે સંકટ બન્યું છે, તેનો સામનો પણ આપણે જરૂર કરી શકીશું. મારો 140 કરોડ દેશવાસીઓ પર પૂરો ભરોસો છે. જેમ એક સાથે સંગઠિત થઈને કોવિડના સંકટમાંથી આપણે દેશને બહાર કાઢ્યો હતો તે જ પ્રકારે આપણે આ વૈશ્વિક સંકટને પણ પાર કરી લઈશું. અને હું ફરી દોહરાવીશ જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે, આપણે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કે પ્રયાસમાં કોઈ કમી નહીં આવવા દઈએ. આપણા દરેક નિર્ણયમાં જનતાનું હિત સર્વોપરી રહેશે.

સાથીઓ,

યુક્રેન યુદ્ધથી લઈને આજ સુધી આપણે એ જોયું છે કે કેવી રીતે તેનો પ્રભાવ વૈશ્વિક માર્કેટથી લઈને દુનિયાના નાગરિકો પર પડતો રહ્યો છે. પરંતુ ભારત સરકારનો હંમેશાથી દરેક શક્ય પ્રયાસ રહ્યો છે કે યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓનો બોજ ભારતના નાગરિકો પર ન પડે. જેમ જ્યારે રશિયા-યુક્રેનનું સંકટ વધ્યું હતું, તો તે કાળખંડમાં ફર્ટિલાઈઝરની કિંમતો આસમાન આંબવા લાગી હતી. આના છતાં યુરિયાની જે બોરી આંતરરાષ્ટ્રીય બજારમાં 3000 રૂપિયામાં મળી રહી હતી તે આપણે પોતાના ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં આપી હતી. દુનિયામાં 3000 રૂપિયા ચાલી રહ્યા હતા, આપણા અહીં 300 માં આપવામાં આવી રહ્યું હતું, આ વખતે પણ આપણો દરેક શક્ય પ્રયાસ હશે કે દેશના ખેડૂત, દેશના નાગરિકોના જીવન પર યુદ્ધનો ઓછોમાં ઓછો પ્રભાવ પડે.

સાથીઓ,

આજના આ મહત્વના સમયે... આજે આ મંચથી રાજ્ય સરકારોને પણ એક અનુરોધ છે. આ જરૂરી છે કે કાળાબજારી ન થાય, અફવાઓ ન ફેલાય તેથી સ્થિતિની ગંભીરતાથી મોનિટરીંગ આવશ્યક છે જે કાળાબજારી કરી રહ્યા છે, તેમની વિરુદ્ધ કડક એક્શન પણ જરૂરી છે.

સાથીઓ,

વીતેલો એક દાયકો, આત્મનિર્ભરતાની સાથે-સાથે સંવેદનશીલ ગવર્નન્સનો પણ રહ્યો છે. આપણા દેશનો એક મોટો હિસ્સો, ત્યાં રહેતા લોકો દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકારોની વિચારસરણીથી પણ દૂર રહ્યા. પરંતુ આપણી સરકારે વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને ગવર્નન્સની પ્રાથમિકતાઓની સાથે જોડ્યા. આજે આ વિસ્તારોમાં હાઉસિંગ હોય, રોડ્સ હોય, સ્કૂલ-હોસ્પિટલ હોય આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે જ Aspirational District યોજના, Aspirational બ્લોક યોજના, પીએમ જનમન યોજના જેવા સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

કોંગ્રેસની સરકારોનું એક ઘણું મોટું પાપ એ પણ રહ્યું કે તેમણે દેશના એક મોટા હિસ્સાને માઓવાદી આતંકની આગમાં સળગવા માટે છોડી દીધો હતો. દેશના લગભગ-લગભગ દરેક મોટા રાજ્યનો ઘણો મોટો હિસ્સો માઓવાદી આતંકની પકડમાં હતો. પરંતુ સાથીઓ, વીતેલા વર્ષોમાં દેશે આ સ્થિતિને બદલવાનો સંકલ્પ લીધો. આપણે બુલંદ હોંસલાની સાથે આગળ વધ્યા. અને આનું પરિણામ આજે દેશ જોઈ રહ્યો છે. વર્ષ 2013માં 180 થી વધુ જિલ્લા, 180 થી વધારે ડિસ્ટ્રિક્ટ માઓવાદી આતંકથી પ્રભાવિત હતા. આજે માઓવાદી આતંકથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા સિંગલ ડિજિટમાં પહોંચી ચૂકી છે.

સાથીઓ,

વીતેલા એક વર્ષમાં જ 2100 થી વધારે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, 900 થી વધારે ધરપકડો થઈ છે, અને જે હથિયાર છોડવા માટે તૈયાર નહોતા, એવા 300 થી વધુ કટ્ટર નક્સલીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. આનું પરિણામ એ થયું કે જે વિસ્તારો ક્યારેક ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર હતા ત્યાં આજે વિકાસની નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે.

સાથીઓ,

ભારત આજે જે ગતિએ આગળ વધી રહ્યો છે, તેની પ્રગતિની ગતિને રોકવી અશક્ય છે. 140 કરોડ ભારતીયોની આકાંક્ષા આજે next level પર છે. હું જાણું છું કે જ્યારે એક સપનું પૂરું થાય છે તો નવા સપના, નવી આકાંક્ષાઓ જન્મ લે છે. હું આને બોજ નથી માનતો, પરંતુ જનતાના વિશ્વાસની મૂડી માનું છું. હા... દેશમાં મારા કેટલાક એવા શુભચિંતક છે જેમને લાગે છે કે આશાઓના બોજ હેઠળ મોદી ક્યારે તો દબાશે, ક્યારે તો કચડાઈ જશે, પરંતુ તેમની નિયત એટલી ખોટી છે, કે તેમની આશાઓ પૂરી જ નથી થતી, અને દેશવાસીઓના આશીર્વાદ જ્યાં સુધી છે ત્યાં સુધી આ પૂરી થશે પણ નહીં. હવે માત્ર 140 કરોડ ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓ જ પૂરી થશે. ભારત દરેક સેક્ટરમાં આત્મનિર્ભર બનશે, ભારત દરેક હાલમાં વિકસિત બનશે.

આ જ ભાવનાની સાથે હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌનો ફરીથી ખૂબ-ખૂબ આભાર. ધન્યવાદ !

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2239343) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: English , हिन्दी