ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારના અરરિયામાં સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે સંવાદ કર્યો અને બોર્ડર આઉટ પોસ્ટ લેટી અને ઇંદરવા ઉદ્ઘાટન તથા SSBના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે કે CAPFsના જવાનો અને તેમના પરિવારજનોને તમામ પ્રકારની સુવિધાઓ મળે

બંગાળમાં અમારી સરકાર બનતાની સાથે જ એક-એક ઘૂસણખોરની શોધખોળ કરીને બહાર કાઢવામાં આવશે

બિહારને ઘૂસણખોર મુક્ત બનાવવું એ માત્ર ચૂંટણીલક્ષી વાયદો ન હતો, ટૂંક સમયમાં સીમાંચલથી ઘૂસણખોર મુક્ત ભારત અભિયાન શરૂ થશે

ઘૂસણખોરીથી થતો ડેમોગ્રાફી ચેન્જ કોઈપણ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળ માટે ખતરનાક હોય છે, મોદી સરકાર આનો કાયમી ઉકેલ લાવશે

સીમાંચલમાં બોર્ડરના 10 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે

મોદી સરકાર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દ્વારા સરહદી ગામોની સ્થિતિમાં ઘણો મહત્વપૂર્ણ સુધારો કરી રહી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ SSBના જવાનો સાથે ભોજન પણ લીધું

પોસ્ટેડ ઓન: 26 FEB 2026 4:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારના અરરિયામાં સશસ્ત્ર સીમા બળ (SSB)ના જવાનો સાથે સંવાદ કર્યો અને બોર્ડર આઉટ પોસ્ટ લેટી અને ઇંદરવા ઉદ્ઘાટન તથા SSB ના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, બિહારના ઉપ-મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર (ઈન્ટેલિજન્સ બ્યુરો), સચિવ (સીમા પ્રબંધન, ગૃહ મંત્રાલય) અને મહાનિદેશક (સશસ્ત્ર સીમા બલ) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે અહીં સશસ્ત્ર સીમા બળ (SSB)ના જવાનોની સુવિધાઓ વધારવા માટે આશરે ₹170 કરોડના ખર્ચે અનેક પ્રકારના કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીની સરકારે 2014 થી દેશના તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) ના જવાનોની સુવિધાઓ માટે એક સંવેદનાપૂર્ણ કાર્યયોજના બનાવી છે અને તેના હેઠળ આજે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે અહીં SSB સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે. તેમણે કહ્યું કે ભારત-નેપાળ સીમા સડક યોજના હેઠળ 554 કિલોમીટર સીમા સડકને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના 18 ખંડોમાંથી 14 ખંડો પર કામ પૂરું થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે આ માટે મંજૂર કરવામાં આવેલા 2468 કરોડ રૂપિયામાંથી 2336 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ રોડ બન્યા પછી SSB ના જવાનોની દેખરેખની ક્ષમતા અનેકગણી વધી જશે.

શ્રી અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણીમાં બિહારની જનતાને વાયદો કર્યો હતો કે અમે બિહારને ઘૂસણખોરોથી મુક્ત કરીશું. તેમણે કહ્યું કે અમે માત્ર મતદાર યાદીમાંથી ઘૂસણખોરોના નામ નહીં હટાવીએ પરંતુ એક-એક ઘૂસણખોરને શોધી-શોધીને ભારતની બહાર મોકલીશું. તેમણે કહ્યું કે સમગ્ર દેશને ઘૂસણખોરોથી મુક્ત કરવો એ માત્ર ચૂંટણીલક્ષી વાયદો નથી પરંતુ મોદી સરકારનો દ્રઢ સંકલ્પ છે. તેમણે કહ્યું કે અમે આખા સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરી આની શરૂઆત કરીશું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ઘૂસણખોરો માત્ર આપણી ચૂંટણીઓને પ્રભાવિત નથી કરતા પરંતુ ગરીબોના રાશનમાંથી પણ હિસ્સો લઈ જાય છે, આપણા યુવાનોની રોજગારની સંભાવનાઓને પણ ક્ષીણ કરે છે અને રાષ્ટ્રની સુરક્ષા માટે પણ બહુ મોટો પડકાર છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સમગ્ર દેશને દરેક સ્તરે કામ કરી ઘૂસણખોરોથી મુક્ત કરાવવાનું અભિયાન ચલાવવું પડશે. શ્રી શાહે કહ્યું કે દેશની સીમાના 10 કિલોમીટરની અંદર જેટલા પણ ગેરકાયદે અતિક્રમણ (દબાણ) છે તેમને સૌથી પહેલા આ અભિયાન હેઠળ હટાવી દેવામાં આવશે.

શ્રી અમિત શાહે કહ્યું કે જનસંખ્યાકીય ફેરફાર કોઈપણ દેશમાં સ્વસ્થ સમાજનું નિર્માણ નથી કરતો. શ્રી શાહે કહ્યું કે અતિક્રમણથી, ઘૂસણખોરીથી થતો ડેમોગ્રાફી ફેરફાર કોઈપણ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળ, ત્રણેય માટે બહુ ખતરનાક હોય છે અને મોદી સરકાર આનો કાયમી ઉકેલ લાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જનસંખ્યાકીય પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ છે. તેમણે કહ્યું કે જ્યારે પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર બનશે ત્યારે અમારો સૌથી પહેલો એજન્ડા હશે સીમા પર વાડનું કામ સમાપ્ત કરવું અને એક-એક ઘૂસણખોરને શોધી-શોધીને દેશની બહાર મોકલવા.

શ્રી અમિત શાહે કહ્યું કે SSBને એક જમાનામાં વિશેષ સેવા બ્યુરો (Special Service Bureau)ના નામે ઓળખવામાં આવતું હતું અને આપણા સીમાંત ગામોની સાંસ્કૃતિક ઓળખ, ઇતિહાસ અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી SSB પર જ હતી. તેમણે કહ્યું કે અટલ જીની સરકારના સમયે SSB ના શિરે નેપાળ-ભૂતાન સીમાની સુરક્ષાનું કામ આવ્યું. તેમણે કહ્યું કે 2001 માં 1751 કિલોમીટર લાંબી ભારત-નેપાળની વાડ વગરની સીમાની સુરક્ષા SSB ના ફાળે આવી. 2004 થી 699 કિલોમીટર લાંબી ભૂતાનની સીમાઓની સુરક્ષાની જવાબદારી પણ SSB ને સોંપવામાં આવી. શ્રી શાહે કહ્યું કે SSB ના જવાનોએ દરેક જગ્યાએ કપરી પરિસ્થિતિઓમાં સીમાઓની સુરક્ષા અને સીમાંત ગામોમાં રહેતા ભારતીય નાગરિકોની કુશળતાની હંમેશા ચિંતા કરી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે એ જરૂરી નથી કે આપણા દેશના દુશ્મન અને દેશને નુકસાન પહોંચાડવાની દાનત ધરાવતા તત્વો દેશના રસ્તાનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ ન કરે. તેમણે કહ્યું કે એટલા માટે SSB એ હંમેશા પોતાની નજર તેજ રાખવી પડશે અને પોતાની માહિતીના સ્ત્રોતને પણ મજબૂત રાખવા પડશે.

શ્રી અમિત શાહે કહ્યું કે સીમાની સુરક્ષાની સાથે-સાથે તસ્કરી, નાર્કોટિક્સ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પણ SSB એ તીણી નજર રાખવાની છે. તેમણે કહ્યું કે SSB ના તમામ અધિકારીઓએ આ માટે એક SoP બનાવવી જોઈએ જે તમામ સંભવિત જોખમોનું આકલન કરવા સક્ષમ હોય. તેમણે કહ્યું કે ખુલ્લી સીમાની સુરક્ષા કરતા સમયે અનેક પ્રકારના સીમા સુરક્ષાના નવા આયામોને આપણે ધ્યાનમાં રાખવા પડે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીએ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-2 અને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-1 દ્વારા ગામડાઓની સ્થિતિમાં ઘણો મહત્વપૂર્ણ સુધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારની પ્રાથમિકતા છે કે આપણા જવાનો અને તેમના પરિવારજનોને તમામ પ્રકારની સુવિધાઓ મળે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે વીર સાવરકરજીની પુણ્યતિથિ છે. તેમણે કહ્યું કે વીર સાવરકર જી માત્ર આઝાદીના સંગ્રામના અપ્રતિમ યોદ્ધા નહોતા પરંતુ એક નિડર દેશભક્ત પણ હતા. તેમણે કહ્યું કે વીર સાવરકર જીની કલમમાં પણ બહુ તાકાત હતી અને તેમણે પોતાના ગદ્ય અને પદ્ય દ્વારા આખા દેશમાં દેશભક્તિનું મોજું જગાડ્યું હતું. પહેલા લોકો 1857 ની સશસ્ત્ર ક્રાંતિને 'વિપ્લવ' ના નામે ઓળખતા હતા પરંતુ વીર સાવરકર જીએ તેને 'સ્વતંત્રતા સંગ્રામ' નું નામ આપ્યું. તેમણે કહ્યું કે આ દ્રષ્ટિકોણથી જ આખા દેશમાં ગુલામીની સાંકળો તોડીને ફેંકી દેવાનો જુસ્સો ઉભરી આવ્યો હતો.

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2233114) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Odia , Tamil , Kannada