પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
પોસ્ટેડ ઓન:
17 FEB 2026 6:44PM by PIB Ahmedabad
યોર એક્સેલન્સી, મારા પ્રિય મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોં બંને દેશોના ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ), મીડિયાના સાથીઓ, નમસ્કાર! બોં જૂ (Bon jour),
મારા પ્રિય મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોંનું મુંબઈમાં સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ગયા વર્ષે, તેમણે મને ફ્રાન્સમાં આયોજિત AI એક્શન સમિટ માટે બોલાવ્યો હતો.
તે સમયે અમે માર્સેયની યાત્રા કરી- જે ફ્રાન્સનું સૌથી મોટું પોર્ટ અને ફ્રાન્સ, તથા સમગ્ર યુરોપનું એક મુખ્ય ગેટવે પણ છે. માર્સેય એ જ શહેર છે જ્યાંથી પ્રથમ વિશ્વ યુદ્ધમાં આપણા ભારતીય સૈનિકોએ યુરોપમાં પોતાના પગલાં રાખ્યા હતા. તેમની બહાદુરીની ગાથા યુરોપના અનેક ભાગોમાં આજે પણ યાદ કરવામાં આવે છે.
અને આ એ જ શહેર છે, જ્યાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકરે અંગ્રેજોની પકડમાંથી નીકળવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી હતી. તેમનું આ પગલું ભારતની આઝાદી માટેના તેમના અતૂટ સંકલ્પનું પ્રતીક હતું. મને ગયા વર્ષે માર્સેયમાં તેમને યાદ કરવાનો અને તેમને નમન કરવાનો અવસર મળ્યો હતો.
આ વખતે, જ્યારે પ્રેસિડેન્ટ મેક્રોં ભારતમાં AI ઇમ્પેક્ટ સમિટ માટે આવ્યા છે, તો આપણું સૌભાગ્ય છે કે આપણે તેમનું સ્વાગત ભારતના ગેટવે એટલે કે, મુંબઈમાં કરી રહ્યા છીએ.
મિત્રો,
ભારત અને ફ્રાન્સના સંબંધો ખૂબ જ વિશેષ છે. ફ્રાન્સ ભારતના સૌથી જૂના સ્ટ્રેટેજિક પાર્ટનર્સ (વ્યૂહાત્મક ભાગીદારો) માંનું એક છે. અને પ્રેસિડેન્ટ મેક્રોં સાથે મળીને આપણે આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને અભૂતપૂર્વ ઊંડાઈ અને ઊર્જા આપી છે. આ જ વિશ્વાસ અને સહિયારા વિઝનના આધારે, આજે આપણે આપણા સંબંધોને વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ.
આ ભાગીદારી માત્ર વ્યૂહાત્મક નથી. આજના ઉથલપાથલથી ભરેલા યુગમાં, આ વૈશ્વિક સ્થિરતા અને વૈશ્વિક પ્રગતિની ભાગીદારી છે.
મિત્રો,
આજે ભારતમાં હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન, આ ઊંડા વિશ્વાસનું વધુ એક ઉજ્જવળ ઉદાહરણ છે. અમને ગર્વ છે કે ભારત અને ફ્રાન્સ મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ સુધી ઉડાન ભરનારું વિશ્વનું એકમાત્ર હેલિકોપ્ટર ભારતમાં બનાવશે. અને આ સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ (નિકાસ) પણ કરશે.
એટલે કે, ભારત-ફ્રાન્સ ભાગીદારીની કોઈ સીમાઓ નથી, તે ઊંડા મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વત સુધી પહોંચી શકે છે.
મિત્રો,
વર્ષ 2026, ભારત અને યુરોપના સંબંધોમાં એક ટર્નિંગ પોઈન્ટ (વળાંક) છે. થોડા દિવસો પહેલા જ, આપણે યુરોપિયન યુનિયન સાથે ભારતના ઈતિહાસનો સૌથી મોટો અને મહત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) કર્યો. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત અને ફ્રાન્સના સંબંધોમાં પણ અભૂતપૂર્વ ગતિ લાવશે.
પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપવા માટે, આજે આપણે કરાર કરી રહ્યા છીએ જેથી કરીને આપણા લોકો અને કંપનીઓને ડબલ ટેક્સ ન ભરવો પડે. આ તમામ પહેલોથી પરસ્પર વેપાર, રોકાણ અને ગતિશીલતાને નવી ઊર્જા મળશે. અને આ જ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે.
મિત્રો,
ઈન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઈનોવેશનના લોન્ચ સાથે હવે આપણે આપણી વ્યૂહાત્મક ભાગીદારીને લોકોની ભાગીદારી બનાવવા જઈ રહ્યા છીએ. કારણ કે ઈનોવેશન એકલતામાં નહીં, સહયોગથી થાય છે.
તેથી, ઈન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઈનોવેશનમાં અમારો હેતુ લોકો વચ્ચેના સંપર્કને મજબૂત કરવાનો છે. સંરક્ષણ હોય કે સ્વચ્છ ઊર્જા, સ્પેસ હોય કે ઇમર્જિંગ ટેકનોલોજી, દરેક ક્ષેત્રમાં આપણે આપણા ઉદ્યોગો અને ઇનોવેટર્સને જોડીશું.
સ્ટાર્ટ-અપ્સ અને MSME વચ્ચે મજબૂત નેટવર્ક બનાવીશું. આપણા વિદ્યાર્થીઓ અને સંશોધકોના આદાનપ્રદાનને વધુ સુગમ બનાવીશું. અને આની સાથે સાથે, જોઈન્ટ ઈનોવેશનના નવા સેન્ટરો પણ તૈયાર કરીશું.
મિત્રો,
આજે આપણે ક્રિટિકલ મિનરલ્સ, બાયો-ટેકનોલોજી અને એડવાન્સ મટિરિયલ્સમાં આપણો સહયોગ વધુ પ્રબળ કરી રહ્યા છીએ. આપણે ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર AI ઇન હેલ્થ, ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર ડિજિટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કિલિંગ ઇન એરોનોટિક્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અને આ માત્ર સંસ્થાઓ નથી, આ ફ્યુચર-બિલ્ડિંગ પ્લેટફોર્મ્સ (ભવિષ્ય નિર્માણના મંચ) છે.
મિત્રો,
આજે દુનિયા અનિશ્ચિતતા ના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આવા માહોલમાં, ભારત-ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટેનું એક બળ છે. આપણે ફ્રાન્સની નિષ્ણાતા અને ભારતના વ્યાપને જોડી રહ્યા છીએ. આપણે વિશ્વાસપાત્ર ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ. આપણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર એટલે કે આઈમેક (IMEC), અને જોઈન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના માધ્યમથી માનવ વિકાસ સુનિશ્ચિત કરીશું. અને મલ્ટિલેટરલિઝમ (બહુપક્ષીયવાદ), સંવાદ અને ડિપ્લોમેસી (રાજદ્વારી નીતિ) થી સ્થિરતા અને સમૃદ્ધિના પ્રયાસોને બળ આપતા રહીશું.
મિત્રો,
ભારત અને ફ્રાન્સ બંને લોકશાહી મૂલ્યો, રૂલ ઓફ લો કાયદાનું શાસન અને મલ્ટિપોલર વર્લ્ડમાં વિશ્વાસ રાખે છે. આપણે એકમત છીએ કે વૈશ્વિક સંસ્થાઓના સુધારાથી જ વૈશ્વિક પડકારોનો ઉકેલ આવશે.
યુક્રેન, પશ્ચિમ એશિયા, અથવા તો ઈન્ડો-પેસિફિક, આપણે દરેક ક્ષેત્રમાં શાંતિના તમામ પ્રયાસોને સમર્થન આપતા રહીશું. આતંકવાદના દરેક રૂપ અને સ્વરૂપને જડમૂળથી હટાવવું એ આપણી સહિયારી પ્રતિબદ્ધતા છે.
મિત્રો,
ભારત અને ફ્રાન્સ બંને પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતાઓ છે. આપણે આપણા સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. અમને ખૂબ આનંદ છે કે 'યુગે યુગીન ભારત મ્યુઝિયમ' માં આપણો સહયોગ રહ્યો છે. અને હવે લોથલના નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પણ આપણે ફ્રાન્સ સાથે સહયોગ કરવા જઈ રહ્યા છીએ.
ભારતીય સંસ્કૃતિને ફ્રાન્સના લોકોની વધુ નજીક પહોંચાડવા માટે, આપણે ટૂંક સમયમાં ફ્રાન્સમાં 'સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર' ખોલવા જઈ રહ્યા છીએ.
યોર એક્સેલન્સી,
ભારત-ફ્રાન્સ ભાગીદારી પ્રત્યે તમારી ઊંડી પ્રતિબદ્ધતા રહી છે. મને વિશેષ આનંદ છે કે આજે આપણે મળીને આપણા સંબંધોના એક નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છીએ.
આવો, આપણે મળીને વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે કામ કરીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મેસી બકુ (Merci beaucoup).
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2229270)
મુલાકાતી સંખ્યા : 21