સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓની "મંથન" બેઠકની અધ્યક્ષતા કરશે
બેઠક કાયદાકીય સુધારા, ટકાઉપણું, ડેરી વિસ્તરણ, ડિજિટાઇઝેશન, સહકારી બેંકિંગને મજબૂત કરવા અને ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જા લાવવા માટે સભ્યપદના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે
મંથન બેઠક દરમિયાન માનવ સંસાધન વિકાસ અને સહકારી યોજનાઓના અસરકારક અમલીકરણ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવશે
પોસ્ટેડ ઓન:
16 FEB 2026 4:25PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનથી પ્રેરિત થઈને અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકાર મંત્રાલયે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક અને આધુનિક બનાવવા માટે તાજેતરના વર્ષોમાં વ્યાપક અને માળખાગત સુધારા હાથ ધર્યા છે. સહકારી મંડળીઓને માત્ર સંસ્થાકીય એકમોમાંથી સભ્ય-કેન્દ્રિત, આવક વધારનારા અને સ્વાવલંબી આર્થિક એકમોમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓની ઉચ્ચ સ્તરીય 'મંથન' બેઠક 17 ફેબ્રુઆરી 2026 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે.
આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પ્લેટફોર્મ સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, રાજ્યોના શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાનપ્રદાન અને ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા સક્ષમ બનાવશે.
ચર્ચાઓમાં 2 લાખ નવી મલ્ટિ-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS), ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિનો સમાવેશ થશે, જેનો હેતુ ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ પૂરી પાડવાનો છે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોડાઉનોના દેશવ્યાપી નેટવર્કને વિસ્તારવા પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે, જે ખેડૂતો માટે સંગ્રહની સુધારેલી સુવિધાઓ, ભાવ સ્થિરતા અને બજાર સુધી વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરશે.
નિકાસ, જૈવિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણ પુરવઠાના ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે - નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) - નવી રચાયેલી રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓમાં રાજ્યોની ભૂમિકા, ભાગીદારી અને અપેક્ષાઓ પર પણ આ બેઠકમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વધુમાં, રાજ્યના સહકારી કાયદાઓમાં સમયમર્યાદામાં સુધારા, 97મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ કાયદાઓ અપનાવવા, સહકારી ખાંડ મિલોની આર્થિક સદ્ધરતા વધારવી, ડેરી ક્ષેત્રમાં ચક્રીયતા (circularity) અને ટકાઉપણું વધારવા અને અમૂલ (Amul) અને NDDB ના સહયોગથી નવી ડેરી સહકારી મંડળીઓની રચના અંગે ચર્ચાઓ કરવામાં આવશે.
કઠોળ અને મકાઈના ઉત્પાદનને પ્રોત્સાહન, સહકારી બેંકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું નિરાકરણ, શેર્ડ સર્વિસ એન્ટિટીઝ (SSE) અને છત્ર માળખાને (umbrella structures) મજબૂત કરવા, સભ્યપદનું વિસ્તરણ અને જાગૃતિ અભિયાન અને અસરકારક મીડિયા અને સંચાર વ્યૂહરચનાના વિકાસ જેવા મુદ્દાઓ પણ આ વિચાર-વિમર્શનો ભાગ બનશે.
આ ઉપરાંત, PACS અને RCS કચેરીઓના કોમ્પ્યુટરાઈઝેશન, નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝનો ઉપયોગ, માનવ સંસાધન વિકાસ અને તાલીમ અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) ની યોજનાઓના સુધારેલા અમલીકરણ અંગે રાજ્યોની અપેક્ષાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મંથન બેઠક સહકારી સંઘવાદની ભાવનાને વધુ મજબૂત કરે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગાઢ સંકલનને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે, જેથી સહકારી સંસ્થાઓને પાયાના સ્તરે સમૃદ્ધિ, રોજગાર નિર્માણ અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન બનાવી શકાય.
SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2228729)
મુલાકાતી સંખ્યા : 20