ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં "સાયબર-આધારિત છેતરપિંડીનો સામનો કરવો અને તેની પદ્ધતિઓનો નાશ કરવો" વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
ગૃહ મંત્રીએ CBIની નવી સાયબર ક્રાઈમ શાખાનું ઉદ્ઘાટન અને I4Cના રાજ્ય અપરાધ સમન્વય કેન્દ્ર (S4C) ડેશબોર્ડનો શુભારંભ પણ કર્યો
સાયબર અપરાધને રોકવા અને ઘટાડવાની દિશામાં મોદી સરકારની તમામ એજન્સીઓ સમન્વયિત થઈને કાર્ય કરી રહી છે
ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વૃદ્ધિ અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને દુનિયાનું દરેક બીજું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે
હું દેશભરની પોલીસને કહેવા માંગુ છું કે તમારા ત્યાં 1930 ના કોલ સેન્ટર પર પૂરતી માત્રામાં કોલર બેસાડો
₹20,000 કરોડના સાયબર ફ્રોડમાંથી ₹8,189 કરોડ ફ્રીઝ કરવા અને પીડિતોને પાછા અપાવવા એ બહુ મોટી સિદ્ધિ, આ માટે I4C, CBI અને તમામ સંબંધિત સંસ્થાઓને અભિનંદન
ભારત સરકાર અને RBI એ મળીને મ્યૂલ એકાઉન્ટ હન્ટરનું જે સોફ્ટવેર બનાવ્યું છે, તેને તમામ બેંકિંગ સેક્ટર અપનાવે
MHA એ સાયબર સુરક્ષા માટે ડિસેમ્બર 2025 સુધી 12 લાખ સિમ કાર્ડ રદ કર્યા, 3 લાખ મોબાઈલના IMEI ને બ્લોક કર્યા, 20,853 આરોપી પકડ્યા
I4C થી બેંક, ફિનટેક, NBFC અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાયેલ 795 થી વધુ સંસ્થાઓમાં સમન્વય વધારવામાં આવી રહ્યો છે
દેશની 62 બેંક અને નાણાકીય સંસ્થાઓ I4C પર ઓનબોર્ડ કરી ચૂકી છે, કોઓપરેટિવ બેંક સહિત તમામને આ ડિસેમ્બર સુધી ઓનબોર્ડ કરવાનો ગૃહ મંત્રાલયનો લક્ષ્યાંક
સાયબર અપરાધોનું રિયલ-ટાઇમ રિપોર્ટિંગ, FSL નેટવર્ક, ક્ષમતા નિર્માણ, R&D, જાગૃતિ અને સાયબર સ્પેસમાં સાયબર હાઈજીન સુનિશ્ચિત કરવાની રણનીતિ પર સરકાર કામ કરી રહી છે
I4C એ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશન, સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને સાયબર અપરાધીઓ વિરુદ્ધ અસરકારક પગલાં લીધાં છે
100 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ, 181 બિલિયનથી વધુ UPI લેણદેણ, 57 કરોડ જનધન એકાઉન્ટ વાળું ભારત સાયબર સક્સેસ સોસાયટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે
પોસ્ટેડ ઓન:
10 FEB 2026 8:32PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં “Tackling Cyber-Enabled Frauds & Dismantling the Ecosystem” (સાયબર-સક્ષમ છેતરપિંડીનો સામનો કરવો અને તેની ઇકોસિસ્ટમને ધ્વસ્ત કરવી) વિષય પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું. ગૃહ મંત્રીએ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ના અધિકારીઓને અલંકરણ એનાયત કર્યા અને બ્યુરોની નવી સાયબર ક્રાઈમ શાખાનું ઉદઘાટન કર્યું. શ્રી અમિત શાહે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના રાજ્ય અપરાધ સમન્વય કેન્દ્ર (S4C) ડેશબોર્ડનો શુભારંભ પણ કર્યો. આ અવસરે કેન્દ્રીય ગૃહ સચિવ, કાર્મિક અને તાલીમ વિભાગના સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો ના ડાયરેક્ટર, CBI ડાયરેક્ટર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના મુખ્ય ભાષણમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ મહત્વપૂર્ણ સંમેલન માટે સીબીઆઈ અને I4C ને અભિનંદન આપતા કહ્યું કે સાયબર અપરાધની રોકથામ માટે સરકારની અનેક એજન્સીઓ એકસાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે I4C, રાજ્ય પોલીસ, સીબીઆઈ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ટેલિકોમ વિભાગ, બેંકિંગ વિભાગ, માહિતી અને ટેકનોલોજી મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ન્યાયતંત્ર મળીને સાયબર અપરાધની રોકથામ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રયાસોમાં દરેક સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા અને જવાબદારી છે અને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આ તમામ વચ્ચે વધુ તાલમેલ ખૂબ જ જરૂરી છે. શ્રી શાહે કહ્યું કે આ દિશામાં સીબીઆઈ અને I4C નો આ પ્રયાસ અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રયાસ તમામ સરકારી વિભાગો અને એજન્સીઓને એકબીજા સાથે જોડવામાં અને તેમના કાર્યોને અસરકારક રીતે લાગુ કરવામાં મદદરૂપ સાબિત થશે, જેનાથી આપણને અપેક્ષિત સફળતા પ્રાપ્ત થઈ શકશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિતેલા 11 વર્ષોમાં ડિજિટલ ઇન્ડિયાની યાત્રા અદભૂત રહી છે. તેમણે કહ્યું કે 11 વર્ષ પહેલા માત્ર 25 કરોડ ઇન્ટરનેટ ઉપભોક્તા હતા અને આજે આપણે 100 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી ચૂક્યા છીએ. બ્રોડબેન્ડ કનેક્શન્સમાં પણ લગભગ 16 ગણો વધારો થયો છે અને હવે આ સંખ્યા પણ 100 કરોડને પાર પહોંચી ગઈ છે. શ્રી શાહે કહ્યું કે એક ગીગાબાઇટ ડેટાની કિંમતમાં 97 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે ઇન્ટરનેટ કનેક્શનની સાથે-સાથે તેનો ઉપયોગ પણ વ્યાપક રીતે વધ્યો છે. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વૃદ્ધિ અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી, પરંતુ આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એ જ રીતે, UPI લેણદેણમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે વર્ષ 2024માં આપણે 181 બિલિયનથી વધુ ડિજિટલ લેણદેણ કર્યા, જેનું કુલ મૂલ્ય 233 ટ્રિલિયન રૂપિયાથી વધુ હતું.

શ્રી અમિત શાહે કહ્યું કે UPI ની શરૂઆત પહેલા ડિજિટલ લેણદેણની કોઈ તુલના શક્ય જ નહોતી, પરંતુ 2024 માં 181 બિલિયનથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા. આ તમામ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવાની જવાબદારી તે મજબૂત તંત્ર પર છે, જેને આપણે ધીમે-ધીમે વિકસિત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જો આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને દુનિયાનું દરેક બીજું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તરે પણ આપણા ડિજિટલ પેમેન્ટ તંત્રને મજબૂતી અને સુરક્ષા પૂરી પાડવી આવશ્યક છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વર્ષ 2024 માં કુલ પેમેન્ટ સિસ્ટમના 97 ટકા લેણદેણ ડિજિટલ માધ્યમથી થયા અને જો આપણે મૂલ્ય (વોલ્યુમ) ની વાત કરીએ તો આ આંકડો 99 ટકા સુધી પહોંચી ગયો છે. આ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવી રાખવા હવે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે બીજી તરફ, નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. પહેલા દેશમાં લગભગ 60 કરોડ લોકો એવા હતા જેમના પરિવારમાં એક પણ બેંક ખાતું નહોતું, પરંતુ ફેબ્રુઆરી 2026 ના આંકડા મુજબ 57 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવી ચૂક્યા છે. એ જ રીતે, રૂપે ડેબિટ કાર્ડની સંખ્યા 39 કરોડ 81 લાખ સુધી પહોંચી ચૂકી છે અને ડિસેમ્બર 2026 સુધી આ આંકડો લગભગ 50 કરોડને પાર કરી જશે. શ્રી શાહે કહ્યું કે આ વિશાળ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સાથે જ સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી લગભગ 176 કરોડ લાભાર્થીઓના ખાતામાં 48 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી હસ્તાંતરિત કરી છે. તેમણે કહ્યું કે GeM પોર્ટલ, ઓપન માર્કેટ અને અન્ય સરકારી પ્લેટફોર્મ પણ આ જ ડિજિટલ ઇકોસિસ્ટમનો હિસ્સો છે. 100 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ, 181 બિલિયનથી વધુ UPI લેણદેણ, 57 કરોડ જનધન એકાઉન્ટ વાળું ભારત સાયબર સક્સેસ સોસાયટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે. ગૃહ મંત્રીએ કહ્યું કે તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જાન્યુઆરી 2019 માં પોતાની સ્થાપના પછીથી ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) એ અદભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. I4C એ વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે અસરકારક અને સુગમ સમન્વય પણ સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં આવશ્યક સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવ્યો છે. સાથે જ સાયબર અપરાધીઓ વિરુદ્ધ સમયબદ્ધ, અસરકારક અને નિર્ણાયક કાર્યવાહીની શરૂઆત થઈ છે. ગૃહ મંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આ સિદ્ધિને વધુ આગળ લઈ જઈએ અને ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરીએ. તેમણે એમ પણ કહ્યું કે સાયબર અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી, ગુનાહિત ન્યાય પ્રક્રિયા અને નાણાંની વસૂલાતના કિસ્સામાં ચોક્કસપણે આપણે પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ ઘણા આયામોને વધુ મજબૂતીથી જોડવાની જરૂર છે.
શ્રી અમિત શાહે કહ્યું કે પહેલા વ્યક્તિગત સ્તરે સાયબર અપરાધ કરનારા હવે તેને સંસ્થાકીય રીતે અંજામ આપી રહ્યા છે. અપરાધીઓ સતત પોતાની કામ કરવાની રીતને ટેકનોલોજીનો સહારો લઈને બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે સાયબર અપરાધ રોકવામાં લાગેલી એજન્સીઓ અને વિભાગોના પ્રતિનિધિઓની આ સામૂહિક જવાબદારી છે કે તેઓ પોતાના પડકારોને ઊંડાણપૂર્વક સમજે અને દરેક સંભવ સ્તરે પોતાના લીકેજને ઓછી કરવાનો સંકલ્પ લે. ગૃહ મંત્રીએ કહ્યું કે આ દિશામાં નક્કર અને સમન્વયિત પ્રયાસો કરવા પડશે જેથી સાયબર અપરાધ વિરુદ્ધ આપણી લડાઈ વધુ અસરકારક બની શકે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે સાયબર અપરાધ વિરુદ્ધ એક વ્યાપક અને બહુઆયામી રણનીતિ અપનાવી છે. આ રણનીતિના મુખ્ય સ્તંભોમાં સાયબર અપરાધોનું રિયલ-ટાઇમ રિપોર્ટિંગ, ફોરેન્સિક પ્રયોગશાળાઓનું મજબૂત નેટવર્ક, ક્ષમતા નિર્માણ, સંશોધન અને વિકાસ, સમાજમાં સાયબર જાગૃતિનો પ્રસાર તથા સાયબર સ્પેસમાં સાયબર હાઈજીન (સ્વચ્છતા) સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હવે અમારો લક્ષ્યાંક છે કે CBI, NIA, RBI, રાજ્ય પોલીસ, અન્ય તપાસ એજન્સીઓ અને સરકારી વિભાગો સહિત તમામ સંબંધિત સંસ્થાઓ મળીને એક સમન્વયિત અને અત્યંત સુરક્ષિત તંત્રનું નિર્માણ કરે. આ સમન્વયના માધ્યમથી જ આપણે સાયબર અપરાધો વિરુદ્ધ અસરકારક રીતે લડી શકીશું અને દેશના ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત તથા વિશ્વસનીય બનાવી શકીશું.
શ્રી અમિત શાહે કહ્યું કે જાન્યુઆરી 2020 થી 30 નવેમ્બર 2025 સુધી I4C ના રિપોર્ટિંગ પોર્ટલનો 23 કરોડથી વધુ ઉપયોગ થઈ ચૂક્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ પ્લેટફોર્મ કેટલું મહત્વપૂર્ણ અને વ્યાપક રીતે સ્વીકાર્ય બની ચૂક્યું છે. તેમણે કહ્યું કે 30 નવેમ્બર 2025 સુધી આ પોર્ટલના માધ્યમથી 82 લાખથી વધુ સાયબર અપરાધ સંબંધી ફરિયાદો નોંધવામાં આવી, જેમાંથી 1 લાખ 84 હજાર ફરિયાદોને FIR માં પરિવર્તિત કરવામાં આવી અને મોટી સંખ્યામાં ફરિયાદોનું અસરકારક નિરાકરણ થયું. આની સાથે જ, 31 ડિસેમ્બર 2025 સુધી દેશની લગભગ 62 બેંક અને નાણાકીય સંસ્થાઓ આ તંત્રનો હિસ્સો બની ચૂકી છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યો છે કે સહકારી બેંકો સહિત તમામ બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓને ડિસેમ્બર 2026 પહેલા પૂર્ણ રીતે ઓનબોર્ડ કરી લેવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે 361,000 ફરિયાદોના માધ્યમથી આપણે 8,189 કરોડ રૂપિયાની રકમને સફળતાપૂર્વક બચાવવામાં સફળતા મેળવી છે, જે એક બહુ મોટી સિદ્ધિ છે. અંદાજ મુજબ કુલ ફ્રોડની રકમ 20,000 કરોડ રૂપિયાની આસપાસ હતી, જેમાંથી આપણે 8,189 કરોડ રૂપિયાને ફ્રીઝ કરાવ્યા અથવા પીડિતોને પાછા અપાવ્યા. તેમણે કહ્યું કે સાયબર ફ્રોડની ફરિયાદ આવવા પર સૌથી પહેલી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જ હોય છે કે સરકાર શું કરી રહી છે. પરંતુ ડિસેમ્બર 2025 સુધી ગૃહ મંત્રાલયે 12 લાખથી વધુ શંકાસ્પદ સિમ કાર્ડ રદ કરાવ્યા અને 3 લાખ મોબાઈલ ઉપકરણોના IMEI ને બ્લોક કર્યા. શ્રી શાહે કહ્યું કે અત્યાર સુધી 20,853 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે સાયબર અપરાધ વિરુદ્ધ અસરકારક રોકથામ માટે દેશવ્યાપી જાગૃતિ, એક સશક્ત નેશનલ માઇન્ડસેટ અને તમામ સ્તરો પર દ્રઢ સંકલ્પની આવશ્યકતા છે. જો આપણે આપણા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમ અને સ્ટેક્સને જોઈએ, તો સાયબર અપરાધનું દ્રશ્ય વાસ્તવમાં ભયાનક લાગે છે. તેમણે કહ્યું કે દર 37 સેકન્ડમાં એક વ્યક્તિ સાયબર અપરાધનો શિકાર થઈ રહ્યો છે અને પ્રતિ કલાક સરેરાશ 100 લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું કે વર્ષ 2021 માં જ્યાં 52,000 ફરિયાદો હતી, ત્યાં હવે આ સંખ્યા 86,000 સુધી પહોંચી ચૂકી છે. આપણે તપાસની ગતિ વધારી છે, છતાં ઘણું બધું કરવાનું બાકી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે જેટલી ઝડપથી આપણા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા છે, તેટલી જ ઝડપથી જોખમ પણ વધ્યું છે. અપરાધીઓ પહેલા સાધારણ મેન્યુઅલ હેકિંગ કરતા હતા, આજે તેઓ જટિલ ઓટોમેટેડ હેકિંગ કરી રહ્યા છે. પહેલા આ ‘લોન વુલ્ફ એટેક’ હતો, હવે તે સંગઠિત અને સુવ્યવસ્થિત અપરાધના રૂપમાં સામે આવી રહ્યો છે. શ્રી શાહે કહ્યું કે આજે સાયબર અપરાધની દુનિયામાં એકાઉન્ટ્સને એક સર્વિસની જેમ ખરીદવામાં-વેચવામાં પણ આવી રહ્યા છે. અપરાધીઓ નવી-નવી ટેકનિકોનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી આપણે પણ પરંપરાગત રીતો છોડીને તેમનાથી બે ડગલાં આગળ રહેવા માટે સામૂહિક અને સતત પ્રયાસો કરવા પડશે.
શ્રી અમિત શાહે કહ્યું કે હેલ્પલાઈન 1930 સાયબર ફ્રોડથી પીડિતોને બચાવવાનું એક કારગર સાધન સાબિત થયું છે. તેમણે દેશભરના તમામ પોલીસ એકમોને વિનંતી કરી કે 1930 ના કોલ સેન્ટર પર પૂરતી સંખ્યામાં કોલ હેન્ડલર તૈનાત કરવામાં આવે. જો ઘણી વાર રીંગ વાગ્યા પછી પણ પીડિતનો કોલ ઉઠાવવામાં આવતો નથી તો ત્યાં સુધીમાં તેના પૈસા જતા રહે છે અને 1930 ની વિશ્વસનીયતા પર ઊંડો પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય છે. તેમણે કહ્યું કે એ જ રીતે, તમામ ખાનગી, જાહેર અને સહકારી બેંકોએ ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા સંયુક્ત રીતે વિકસિત મ્યૂલ એકાઉન્ટ હન્ટર સોફ્ટવેરને તરત જ અપનાવવું જોઈએ. જ્યાં સુધી તમામ બેંકો પોતાના ખાતાઓને આ સોફ્ટવેરથી પૂરી રીતે સાફ નહીં કરી લે, ત્યાં સુધી ઉપભોક્તાઓને પૂર્ણ સુરક્ષા પૂરી પાડવી શક્ય નહીં હોય.
શ્રી અમિત શાહે કહ્યું કે સાયબર અપરાધની રોકથામમાં સીબીઆઈ અને એનઆઈએની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. દેશની બહારથી થતા સાયબર અપરાધોને રોકવા માટે પણ તમામ સંસ્થાઓ સાથે મજબૂત સંવાદ અને સમન્વય સ્થાપિત કરવો પડશે. તેમણે કહ્યું કે ડિજિટલ પુરાવાઓની ‘ચેન ઓફ કસ્ટડી’ માં ભૂલ થવા પર દોષ સાબિત થઈ શકતો નથી, જે ન્યાયમાં મોટી અડચણ બને છે. ગૃહ મંત્રીએ કહ્યું કે જો આપણે પૂરતા પગલાં નથી લેતા, તો સાયબર ફ્રોડ એક સામાન્ય અપરાધ નથી રહેતો, પરંતુ એક રાષ્ટ્રીય સંકટ બની જાય છે. તેથી તમામ સ્ટેકહોલ્ડર્સ—કોલ સેન્ટરોની ઓળખ, ભલે તે દેશની અંદર હોય કે બહાર, જાગૃતિ અભિયાન, 1930 ને અસરકારક બનાવવું, કોલ એટેન્ડ કરવાનો સમય ઓછો કરવો, બેંક અને I4C વચ્ચે વધુ સારો સમન્વય— એ આ તમામ કાર્યો એકસાથે અને તરત જ કરવા પડશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે આજે I4C થી 795 સંસ્થાઓ જોડાઈ ચૂકી છે, જેમાં બેંક, ફિનટેક કંપનીઓ, NBFC અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામેલ છે. પરંતુ આ તમામ સંસ્થાઓએ I4C ની પ્રાથમિકતા નક્કી કરવી પડશે અને I4C ના કોલ પર ત્વરિત પ્રતિક્રિયાની વ્યવસ્થા કરવી પડશે. તેમણે કહ્યું કે ઘણીવાર બેંકોની પ્રાથમિકતા NPA ઓછું કરવામાં રહે છે, જે ઠીક પણ છે, પરંતુ ગ્રાહકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ પ્રાથમિકતા હોવી જોઈએ. શ્રી શાહે કહ્યું કે અમે સાયબર વોરિયર્સની નિમણૂક કરી છે, CyTrain નામનો મોટો ઓનલાઇન કોર્સ શરૂ કર્યો છે અને ઘણા રાજ્યોમાં સાયબર ક્રાઈમ ફોરેન્સિક ટ્રેનિંગ લેબ સ્થાપિત કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બે દિવસીય કાર્યશાળા અમારા તમામ પ્રયાસોને એક દિશામાં જોડશે, તેમને વધુ પરિણામલક્ષી બનાવશે અને સમયબદ્ધતા સાથે કાર્ય કરવાની ભાવનાને મજબૂત કરશે. શ્રી શાહે એ પણ કહ્યું કે સમયસર સાયબર ફ્રોડ રોકવું જ સૌથી મોટું હથિયાર છે અને આ માટે તમામ સ્ટેકહોલ્ડર્સની એકસાથે જાગૃતિ, સમન્વય અને દ્રઢ સંકલ્પ આવશ્યક છે.
શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ સાયબર અપરાધ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કર્યું. પ્રધાનમંત્રીજીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વારંવાર સાયબર અપરાધ વિરુદ્ધ જન-જાગૃતિ ફેલાવી છે, જેના બહુ સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ માત્ર પ્રધાનમંત્રીજીના પ્રયાસોથી આ શક્ય નથી. તેમણે કહ્યું કે આપણે સૌએ મળીને જાગૃતિ વધારવી પડશે અને આ દિશામાં નિરંતર કાર્ય કરવું પડશે. ત્યારે જ આપણે દેશને સાયબર અપરાધના ખતરાથી સુરક્ષિત રાખી શકીશું.
આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે CBI ના નીચે મુજબના અધિકારીઓને વિશિષ્ટ સેવા, પ્રશંસનીય સેવા અને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કર્યા :
- વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક (ગણતંત્ર દિવસ 2025) – શ્રી ઘનશ્યામ ઉપાધ્યાય, IPS (ઓડિશા: 99), જેડી/ઝોન પ્રમુખ (EO Zone), સીબીઆઈ, નવી દિલ્હી; શ્રી તેજપાલ સિંહ, મદદનીશ મહાનિરીક્ષક, ફરિયાદ અને સમન્વય સેલ, સીબીઆઈ, નીતિ વિભાગ, નવી દિલ્હી; શ્રી ભાની સિંહ રાઠોડ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, સીબીઆઈ, એસીબી, જયપુર અને શ્રી એકોડન બાલકૃષ્ણન, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર, સીબીઆઈ, એસીબી, ગોવાને આપવામાં આવ્યો.
- શ્રી પ્રદીપ કુમાર, IPS (તમિલનાડુ-2003), સંયુક્ત નિયામક/ઝોન પ્રમુખ, ACHQ Zone, સીબીઆઈ, નવી દિલ્હીને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક (ગણતંત્ર દિવસ-2022) અને શ્રી કુલદીપ દ્વિવેદી, IPS (ઝારખંડ-2005), સંયુક્ત નિયામક (કાર્મિક), સીબીઆઈ, હેડક્વાર્ટર, નવી દિલ્હીને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક (ગણતંત્ર દિવસ-2025) થી સન્માનિત કરવામાં આવ્યા.
- શ્રી પ્રભાત કુમાર અંબષ્ઠ, ઇન્સ્પેક્ટર, સીબીઆઈ, BSFB, કોલકાતા અને શ્રીમતી સવિતા, સબ-ઇન્સ્પેક્ટર, સીબીઆઈ, AC-III, નવી દિલ્હીને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2024 (તપાસ) એનાયત કરવામાં આવ્યો.
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના સહયોગથી આયોજિત બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ત્રણ સત્રો આયોજિત કરવામાં આવ્યા:
- સત્ર 1: સાયબર-સક્ષમ છેતરપિંડી ઇકોસિસ્ટમ : વલણો, પરિમાણ અને પડકારો
- સત્ર 2: મ્યૂલ એકાઉન્ટ્સ અને સાયબર છેતરપિંડીમાં નાણાકીય લોન્ડરિંગ: તપાસ પ્રક્રિયા અને AI ની ભૂમિકા
- સત્ર 3: સિમ/ઈ-સિમ અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: સાયબર છેતરપિંડીમાં દુરુપયોગ અને નિયમનકારી માળખું
સંમેલનમાં કાયદા અમલીકરણ, નાણાકીય, નિયમનકારી, તકનીકી અને શૈક્ષણિક ક્ષેત્રો સાથે જોડાયેલા હિતધારકોએ વ્યાપક રૂપે ભાગ લીધો હતો. સંમેલનમાં કુલ 362 પ્રતિનિધિઓએ ભાગ લીધો જેમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (રાજ્ય પોલીસ એકમો) માંથી 97 પ્રતિનિધિઓ, I4C માંથી 19, ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંથી 14, કેન્દ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓમાંથી 30, જાહેર ક્ષેત્રની બેંકો (RBI, RBIH અને NABARD સહિત) માંથી 27, ખાનગી બેંકો (AU સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત) માંથી 52, રાજ્ય સહકારી બેંકોમાંથી 49, શહેરી સહકારી બેંકો અને સંલગ્ન સંસ્થાઓમાંથી 19, ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જોમાંથી 01, પેમેન્ટ એગ્રીગેટર્સમાંથી 09, આઈટી/સોશિયલ મીડિયા મધ્યસ્થીઓમાંથી 05, હિતધારક મંત્રાલયોમાંથી 08, ખાનગી કંપનીઓમાંથી 21, શૈક્ષણિક ક્ષેત્રમાંથી 04 તથા NTRO, NATGRID, CERT-IN અને C-DAC (હૈદરાબાદ) માંથી 07 પ્રતિનિધિઓ સામેલ હતા.
સંમેલનનું દેશભરના 2,356 સ્થળો પર સીધું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રાજ્ય પોલીસ એકમો અને તમામ CBI શાખાઓ સામેલ હતી. આનાથી ફિલ્ડ સ્તરના અધિકારીઓને વાસ્તવિક સમયમાં કાર્યવાહી સાથે જોડાવવાની તક મળી, જેનાથી સાયબર-સક્ષમ છેતરપિંડી સંબંધિત મુદ્દાઓ અને સમન્વયિત પ્રતિક્રિયા તંત્ર પર રાષ્ટ્રવ્યાપી પહોંચ અને સંસ્થાકીય સહભાગિતા સુનિશ્ચિત થઈ.
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2226120)
મુલાકાતી સંખ્યા : 13