ગૃહ મંત્રાલય
શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઉત્તર-પૂર્વના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવા તરફના અન્ય એક મહત્વપૂર્ણ પગલા તરીકે ભારત સરકાર, નાગાલેન્ડ સરકાર અને ENPOના પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીમાં એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
કરાર નાગાલેન્ડના છ જિલ્લાઓ માટે ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટી (FNTA) ની રચના માટે માર્ગ મોકળો કરે છે
આ વ્યવસ્થા હેઠળ, 46 વિષયોને લગતી સત્તાઓ FNTA ને ટ્રાન્સફર કરવામાં આવશે
શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી સરકાર દરેક વિવાદનો ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે
અગાઉની સરકારોએ માત્ર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ મોદી સરકાર તેનો અક્ષરશઃ અને ભાવના સાથે અમલ કરે છે
ભારત સરકાર પૂર્વી નાગાલેન્ડના વિકાસમાં મદદ કરશે અને તેની જવાબદારી પણ નિભાવશે
દર વર્ષે એક નિશ્ચિત રકમ ફાળવવામાં આવશે, અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પ્રારંભિક સ્થાપના ખર્ચ પણ ભોગવશે
હવે પૂર્વી નાગાલેન્ડના વિકાસના માર્ગમાં કોઈ અવરોધ રહેશે નહીં
કરાર લોકોની વાસ્તવિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે
પોસ્ટેડ ઓન:
05 FEB 2026 8:21PM by PIB Ahmedabad
શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઉત્તર-પૂર્વના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા તરફના અન્ય એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલામાં, આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, નાગાલેન્ડ સરકાર અને પૂર્વી નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) (જે નાગાલેન્ડના છ પૂર્વી જિલ્લાઓની આઠ માન્યતા પ્રાપ્ત નાગા જાતિઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે) નાં પ્રતિનિધિઓ વચ્ચે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર નાગાલેન્ડના છ જિલ્લાઓ એટલે કે તુએનસાંગ, મોન, કિફિરે, લોંગલેંગ, નોકલાક અને શામતોર માટે ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટી (FNTA) ની રચના અને 46 વિષયોના સંબંધમાં FNTA ને સત્તાઓના હસ્તાંતરણ માટે માર્ગ મોકળો કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે વિવાદમુક્ત ઉત્તર-પૂર્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એવા ઉત્તર-પૂર્વની કલ્પના કરી છે જે બળવાખોરી, હિંસા, વિવાદોથી મુક્ત અને વિકસિત હોય. આજે અમે તે વિઝનને સાકાર કરવા માટે વધુ એક ડગલું આગળ વધ્યા છીએ. તેમણે જણાવ્યું કે અગિયાર વર્ષ પહેલા ઉત્તર-પૂર્વમાં અનેક સશસ્ત્ર જૂથો અને વિવાદો આ પ્રદેશને વિખંડન તરફ ધકેલી રહ્યા હતા અને તેની શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. તે જ સમયે, ઘણા આંતર-રાજ્ય વિવાદો રાજ્યોની શાંતિને ખલેલ પહોંચાડી રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર દરેક વિવાદનો ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 2019 થી મોદી સરકારે ઉત્તર-પૂર્વમાં 12 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે જણાવ્યું કે અગાઉની સરકારોએ માત્ર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ મોદી સરકાર તેનો અક્ષરશઃ અને ભાવના સાથે અમલ કરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ ENPO નાં પ્રતિનિધિઓને ખાતરી આપવા માંગે છે કે ભારત સરકાર પૂર્વી નાગાલેન્ડના વિકાસમાં મદદ કરશે અને તેની જવાબદારી પણ નિભાવશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે દર વર્ષે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવશે, અને ભારત સરકારનું ગૃહ મંત્રાલય સ્થાપના માટે પ્રારંભિક ખર્ચ પણ પૂરો પાડશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2021-22 માં તેમણે ENPO ના પ્રતિનિધિઓને કહ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દરેક વિવાદનો ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે તેમને વિશ્વાસ રાખવા અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાની ખાતરી આપી હતી, અને તેમને ચોક્કસપણે ન્યાય અને યોગ્ય સન્માન બંને પ્રાપ્ત થશે. ગૃહમંત્રીએ કહ્યું કે આજે તેઓ અપાર આનંદ અનુભવી રહ્યા છે કારણ કે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ લાંબા સમય સુધી ENPO અને નાગાલેન્ડ સરકાર વચ્ચે સેતુ તરીકે કામ કર્યા પછી આજે અમે આ વિવાદને ઉકેલવા માટે સક્ષમ બન્યા છીએ.
ગૃહમંત્રીએ કહ્યું કે આપણે સૌ ENPO ક્ષેત્ર અને તેના વ્યૂહાત્મક મહત્વથી સારી રીતે પરિચિત છીએ. નાગાલેન્ડની સ્થાપના થઈ ત્યારથી જ પૂર્વી નાગાલેન્ડના નાગરિકો તેમના હૃદયમાં સતત અનુભવી રહ્યા હતા કે તેમને ન્યાય મળી રહ્યો નથી. શ્રી શાહે કહ્યું કે તેમણે નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો સાથે વાત કરી હતી અને શ્રી રિયોએ ખૂબ જ ખુશીથી જણાવ્યું હતું કે તેઓ ENPO ની તમામ માંગણીઓ ખુલ્લા મને સાંભળશે, તેની ચર્ચા કરશે અને તેનો સ્વીકાર પણ કરશે. મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોનો આભાર માનતા ગૃહમંત્રીએ કહ્યું કે નાગાલેન્ડ સરકાર, શ્રી રિયોના કેબિનેટ સાથીદારો અને રાજ્યના બંને સાંસદોએ ખૂબ જ ઉદારતા સાથે આ વાટાઘાટોને તેના તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે એક ખૂબ જ જૂના વિવાદનો સુખદ અંત આવ્યો છે. પૂર્વી નાગાલેન્ડના તમામ લોકો, ENPO ના તમામ સંઘર્ષશીલ સંગઠનો, નાગાલેન્ડના મુખ્યમંત્રી, તેમની કેબિનેટ અને સાંસદોને અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે આજે અમે નાગાલેન્ડમાં તમામ વિવાદોને સમાપ્ત કરવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધ્યા છીએ. તેમણે જણાવ્યું કે હવે પૂર્વી નાગાલેન્ડના વિકાસના માર્ગમાં કોઈ અવરોધ રહેશે નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે આ કરાર લોકોની વાસ્તવિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ભારત સરકાર અને નાગાલેન્ડ સરકાર બંને સંયુક્ત રીતે પૂર્વી નાગાલેન્ડના વિકાસને આગળ વધારશે.
કરાર અન્ય બાબતોની સાથે, FNTA માટે મિની-સચિવાલયની જોગવાઈ કરે છે, જેના વડા એડિશનલ ચીફ સેક્રેટરી/પ્રિન્સિપાલ સેક્રેટરી રહેશે, પૂર્વી નાગાલેન્ડ ક્ષેત્ર માટે વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં વિકાસના ખર્ચની વહેંચણી કરવામાં આવશે. જોકે, આ કરાર ભારતના સંવિધાનની કલમ 371(A) ની જોગવાઈઓને કોઈપણ રીતે અસર કરતો નથી.
આ અનોખી વ્યવસ્થા નાણાકીય સ્વાયત્તતા દ્વારા પૂર્વી નાગાલેન્ડના સર્વાંગી વિકાસની કલ્પના કરે છે, જેનાથી ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આર્થિક સશક્તિકરણ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે.
આ કરાર ઉત્તર-પૂર્વના લોકોની વાસ્તવિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંવાદ દ્વારા તમામ વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતને સાબિત કરે છે કે ઉકેલો હિંસા અને સશક્ટ સંઘર્ષને બદલે પરસ્પર સન્માન અને સંવાદ પર આધારિત વાટાઘાટો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી શ્રી યાન્થુંગો પેટન, તેમના કેબિનેટ સાથીદારો અને અન્ય મહાનુભાવો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને નાગાલેન્ડ સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2224131)
મુલાકાતી સંખ્યા : 9