ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ–2026ને સંબોધિત કર્યો


દેશભરના વાંસની વિવિધ જાતોથી સુશોભિત દિલ્હીનું એક સુંદર પ્રાકૃતિક સ્થળ 'બાંસેરા' પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહ્યું છે

મહાકવિ કાલિદાસે ભારતીયો વિશે કહ્યું હતું કે, “ઉત્સવપ્રિયાઃ ખલુ મનુષ્યાઃ”, એટલે કે ભારતના લોકો ઉત્સવપ્રેમી છે

સ્વતંત્રતા આંદોલન દરમિયાન, ઉત્તરાયણના દિવસે દેશભરના લોકોએ “સાઈમન ગો બેક” ના નારાવાળી મોટી સંખ્યામાં પતંગો ચગાવીને સાઈમન કમિશનનો વિરોધ કર્યો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવ્યું, આગામી એક વર્ષ દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે

16 હુમલાઓ પછી પણ, સોમનાથ મંદિર તેની આકાશને આંબતી ધજા સાથે અડીખમ ઉભું છે, જે દર્શાવે છે કે નિર્માણ કરનારાઓની શક્તિ વિનાશ કરનારાઓ કરતા ઘણી મોટી છે

હુમલો કરનારાઓ ભૂંસાઈ ગયા, પરંતુ સોમનાથ મંદિર ગરિમા અને સન્માન સાથે એ જ સ્થાને ઉભું છે

સોમનાથ મંદિર સનાતન સંસ્કૃતિના શાશ્વત અને અમર સ્વરૂપનું પ્રતીક છે

ગૃહ મંત્રીએ મકર સંક્રાંતિ, પોંગલ, લોહરી, માઘ બિહુ અને ઉત્તરાયણ નિમિત્તે દેશના લોકોને, ખાસ કરીને ખેડૂતોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 16 JAN 2026 4:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026ને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મકર સંક્રાંતિ, પોંગલ, લોહરી, માઘ બિહુ અને ઉત્તરાયણના અવસરે દેશભરના તમામ લોકોને—ખાસ કરીને ખેડૂતોને—શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે ઉત્તરાયણનો તહેવાર દેશભરમાં અલગ-અલગ નામે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ તહેવાર આનંદની ઉજવણી છે કારણ કે આપણું ઋતુચક્ર અને આપણું જીવન ઊર્જાના અખૂટ સ્ત્રોત ભગવાન સૂર્યદેવ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે મહાકવિ કાલિદાસજીએ ભારતના લોકોનું વર્ણન કરતા કહ્યું હતું — ‘ઉત્સવપ્રિયાઃ ખલુ મનુષ્યાઃ’, એટલે કે ભારતના લોકો ઉત્સવપ્રેમી છે. તેમણે કહ્યું કે દેશના અલગ-અલગ ભાગોમાં દરેક ઋતુમાં ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવો દ્વારા આપણે સમગ્ર સમાજને એકજૂથ કરવા અને સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ, અને ઉત્તરાયણ એ જ ભાવનાનો એક ભાગ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સતત પ્રયાસો દ્વારા પતંગ મહોત્સવને વધુ લોકપ્રિય બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે પતંગ મહોત્સવ દેશના લોકોને દિલ્હી સાથે જોડશે અને ભવિષ્યમાં તે સમગ્ર રાષ્ટ્રનો ઉત્સવ બની શકે છે. તેમણે સૂચન કર્યું હતું કે દિલ્હી અને દેશભરમાં પતંગ મહોત્સવનો વ્યાપ વધારવા માટે અને દિલ્હીના પતંગ મહોત્સવને તેનું કેન્દ્રબિંદુ બનાવવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ, જે આ કાર્યક્રમને લોકપ્રિય બનાવવા અને જનભાગીદારી વધારવા જેવા પાસાઓ પર કામ કરે. તેમણે કહ્યું કે આગામી પતંગ મહોત્સવનું આયોજન એવી રીતે થવું જોઈએ કે તે દેશ અને વિશ્વના મુખ્ય પતંગ મહોત્સવોમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરે.

શ્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં દેશના વિવિધ ભાગોના વિવિધ પ્રકારના વાંસથી સુશોભિત સુંદર પ્રાકૃતિક સ્થળ ‘બાંસેરા’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે કહ્યું કે આ પાર્ક એ વાતનું પ્રમાણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંકલ્પને જમીન પર સાકાર કરવા માટે મક્કમ નિર્ધાર કરે ત્યારે કેવા અદભૂત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે બાંસેરા પાર્કનો ઉપયોગ વધારવા અને દિલ્હીના લોકોને તેની તરફ આકર્ષવા માટે દિલ્હી સરકારે અહીં સારા કાર્યક્રમોનું આયોજન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અહીં ત્રણ પેવેલિયન છે, જે પતંગોના ઇતિહાસની સાથે સાથે યુદ્ધમાં તેમના ઉપયોગને પણ પ્રદર્શિત કરે છે. તેમણે કહ્યું કે જ્યારે સાઈમન કમિશન દેશમાં આવ્યું ત્યારે તેને દેશવ્યાપી સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. “સાઈમન ગો બેક” નો નારો સ્વતંત્રતા આંદોલનનો ગુંજતો પડઘો બની ગયો હતો. જો કે, દેશભરમાં સાઈમન કમિશન સામેનો સૌથી મોટો વિરોધ ઉત્તરાયણના દિવસે “સાઈમન ગો બેક” ના નારા લખેલા પતંગો ચગાવીને કરવામાં આવ્યો હતો. ભારતીયોએ આખું આકાશ પતંગોથી ભરી દીધું અને અંગ્રેજોને પોતાની તાકાત બતાવી દીધી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિનો તહેવાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ બની ગયો છે. તેમણે કહ્યું કે ભગવાન સૂર્ય પોતાની દિશા બદલી રહ્યા છે અને આ ફેરફારને સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં આપણે તેને લોહરી તરીકે ઉજવીએ છીએ; તમિલનાડુમાં પોંગલ તરીકે; આસામમાં માઘ બિહુ તરીકે; પશ્ચિમ બંગાળમાં પૌષ સંક્રાંતિ તરીકે; ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉત્તરાયણ તરીકે અને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તે પરંપરાગત રીતે ખીચડી અથવા સંક્રાંતિ ખીચડીના નામે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ પતંગ મહોત્સવ એ તમામ રાજ્યોને દિલ્હી સાથે જોડવાનો પ્રયાસ છે. શ્રી શાહે કહ્યું કે આગામી દિવસોમાં પતંગ મહોત્સવ દિલ્હીમાં પોતાનું વિશેષ સ્થાન સ્થાપિત કરશે અને દેશભરના પતંગબાજો તેમજ આંતરરાષ્ટ્રીય પતંગબાજોને અહીં આવવાની અને તેમની કળા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભાગ લીધો હતો. સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર અને અન્ય કેટલીક સરકારોએ દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન વર્ષ’ ઉજવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જ્યોતિર્લિંગોમાં સોમનાથ જ્યોતિર્લિંગ અગ્રણી છે. ભગવાન શિવના આ પવિત્ર સ્થાનને, જે ‘સોમ સમુદ્ર’ (અરબી સમુદ્ર)ના કિનારે આવેલું છે, 16 વખત વિનાશનું લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. ભલે આક્રમણકારો તેને તોડી પાડવામાં સફળ થયા, પરંતુ જ્યારે પણ તેનો વિનાશ થયો, ત્યારે તેને તેટલા જ દ્રઢ નિશ્ચય સાથે ફરીથી બનાવવામાં આવ્યું.

ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદી પછી દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, જામનગરના મહારાજા જામ સાહેબ, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ડો. રાજેન્દ્ર પ્રસાદે સંકલ્પ કર્યો હતો કે અહીં ભવ્યાતિભવ્ય શ્રી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આજે તે જ સ્થાને એક ભવ્ય અને જાજરમાન સોમનાથ મંદિર ઉભું છે, જેની ધજા આકાશને સ્પર્શી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે નિર્માણ કરનારાઓની શક્તિ વિનાશ કરનારાઓની શક્તિ કરતા ઘણી વધારે છે. જેમણે તેને તોડી પાડ્યું હતું—મહમૂદ ગઝનવી, મહમૂદ બેગડા, અલાઉદ્દીન ખિલજી—તેઓ આજે વિશ્વના નકશા પર ક્યાંય દેખાતા નથી, જ્યારે સોમનાથ મંદિર સમગ્ર વિશ્વની સામે એ જ સ્થાને ગર્વ અને ગરિમા સાથે ઉભું છે. આ સનાતન ધર્મના શાશ્વત અને અમર સ્વરૂપ અને ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વોની અમરતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અને ‘સોમનાથ સ્વાભિમાન વર્ષ’ તમામ ભારતીયો માટે તેમની સંસ્કૃતિને અટલ, અડગ અને અમર બનાવવા માટે ફરી એકવાર પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કરવાની તક પૂરી પાડે છે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2215416) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Assamese , Tamil , Kannada